મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વસતા આદીવાસી ભીલ જાતિના સમુદાયમાં દિવાળીનું અનેરું મહત્વ છે. - At This Time

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વસતા આદીવાસી ભીલ જાતિના સમુદાયમાં દિવાળીનું અનેરું મહત્વ છે.


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વસતા આદીવાસી ભીલ જાતિના સમુદાયમાં દિવાળીનું અનેરું મહત્વ છે.
આ વિસ્તાર ના આદિવાસીઓ મા મહીસાગર નદીને સાક્ષાત હાજરાહજૂર માને છે અને તેની બાધા આખડી માનતા રાખે છે તે મા મહીસાગર પુરી પણ કરે છે પરિણામે જેની મહત્વાકાંક્ષા પુરી થાય છે તે લોકો દિવાળી ની વહેલી સવારે માટીનો "ગરબો" અબીલ, ગુલાલ, દિવાની જ્યોત સાથે મહીસાગર ના નીરમાં તરતો મુકે છે.
આ વિસ્તારમાં દિવાળીના દિવસે ગળ્યું ખાવાનું જેમાં મહદઅંશે લાડવા, દાળ, ભાત, ભજિયાં,... બનાવતા હોય છે જયારે લાડવા બનાવવાની શરૂઆત કરે છે ત્યારે પહેલો લાડવો બીજા લાડવા ની સરખામણીમાં મોટો બનાવી પૂર્વજો/બાયો,ખત્રી ની યાદમાં અલગ મૂકતા હોય છે.
ઘરના માણસો જમતા પહેલાં બનાવેલી રસોઈ ચૂલામાં દેવતા(અગ્નિ) ને અર્પણ કરી,ઘર ઉપર નાખતા હોય છે, "મેરાયા" અને "હોલા"ને જમાડ્યા પછી જ "આડે દાડે" તો ઠીક પરંતુ દિવાળીના દિવસે ઘરના બધા સાથે બેસીને જમે છે.જમી રહ્યા પછી મોટેભાગે ઘરની વડીલ સ્ત્રી વેરાયેલો "એંઠવાડ" ભેગો કરી "હોલો" કે જે ઘરનું "ખોખરું" હાંડલું તેમાં નાખી ઘરના ચૂલા પર મુકવામાં આવે છે
રાતના બાળકો અવનવા ઉખાણાં/ગીતો ગાતા જઈને મેરાયું કાઢે છે જે સૌ પ્રથમ ગાયો/પશુધનને બતાવ્યા પછી જ ફળિયું,તડ કે ગામમાં ઘરેઘરે ફરતા હોય છે."મેરાયું" મોટાભાગે તૂ્બડું અને હેંધેડાના લાકડામાંથી બનાવેલું હોય છે.
આ વિસ્તારમાં વણલખ્યો રીવાજ છે કે "મેરાયું" કાઢો એટલે "હોલો" કાઢવો પડે અને "હોલો" કાઢો એટલે "ગાયો" તોયણે ચડાવી જ પડે.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.