ભાસ્કર ખાસ:દુનિયાભરમાં 82% કર્મચારી બર્નઆઉટનો શિકાર, જો તેને અવગણશો તો જોખમી સાબિત થશે, કામના ભારણથી બચવા વર્ક-લાઈફ બેલેન્સ જરૂરી - At This Time

ભાસ્કર ખાસ:દુનિયાભરમાં 82% કર્મચારી બર્નઆઉટનો શિકાર, જો તેને અવગણશો તો જોખમી સાબિત થશે, કામના ભારણથી બચવા વર્ક-લાઈફ બેલેન્સ જરૂરી


તાજેતરમાં મહારાષ્ટ્રમાં કામકાજના વધુ ભારણના લીધે એક 26 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીનું મોત નીપજ્યું હતું. આજના સમયમાં કામના વધતાં ભારણને લીધે કર્મચારીઓમાં થાક અથવા બર્નઆઉટની સમસ્યા જોવા મળી રહી છે. ગ્લોબલ ટેલેન્ટ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં 82 ટકા કર્મચારીઓ બર્નઆઉટનો સામનો કરી રહ્યા છે. જો આ સમસ્યાને અવગણવામાં આવશે તો ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. જોકે, સમયસર તેનાં લક્ષણોને પારખી લેવામાં આવે તો સમસ્યાઓ ટાળી શકાય છે. આ ત્રણ મુખ્ય લક્ષણો થકી બર્નઆઉટની સમસ્યાને ઓળખી શકાય છે. શારીરિક: બર્નઆઉટની સૌથી પહેલા અસર શરીર પર જોવા મળે છે. જેમ-જેમ કામનું ભારણ વધતું જાય છે તેમ તેમ શરીર પણ થાકતું જાય છે. સતત માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને પાચન જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. રિપોર્ટમાં 40 ટકા લોકોએ સૌથી વધુ થાકની ફરિયાદ કરી છે, જ્યારે 37 ટકા લોકોએ કામના ભારણને કારણે તનાવનો અનુભવ કર્યો. ભાવનાત્મક: કામના સતત દબાણને કારણે માનસિક અને ભાવનાત્મક સંતુલન ખોરવાય છે. 43% કર્મચારીઓ નાણાકીય સમસ્યાઓના કારણે તણાવમાં છે. જો તમને તમારા કામમાં કોઈ રસ જણાતો નથી અથવા તમે તમારી જવાબદારીઓથી થાકી ગયા હોવ તો સાવધાન થઈ જાવ. વર્તણૂક: બર્નઆઉટ વર્તનમાં પણ પરિવર્તન લાવે છે. સતત કામને ટાળવવું, જવાબદારીઓથી છટકવું અને એકલતા અનુભવવી પણ તેનાં લક્ષણો છે. કામની ઉત્પાદકતામાં ઘટાડો અને સામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું પણ સામાન્ય બાબત બની જાય છે. બર્નઆઉટથી કેવી રીતે બચવું?
બર્નઆઉટને રોકવા માટેનું પ્રથમ પગલું એ લક્ષણોને ઓળખવાનું છે. તમને લાગે કે તમારી શારીરિક, ભાવનાત્મક અને વર્તનની સ્થિતિ બદલાઈ રહી છે તો તેને અવગણશો નહીં. ડૉક્ટરની સલાહ લો જેથી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની તપાસ કરી શકાય. તમારાં કાર્યો અને જવાબદારીઓની સમીક્ષા કરો અને જુઓ કે તમે કેટલીક વસ્તુઓ છોડી શકો છો. જેનાથી તમને વધુ સમય મળશે, તમને ફરી ઊર્જાવાન બનાવશે. વધુમાં, બર્નઆઉટ થાય તે પહેલાં તેને ઉકેલી શકાય છે. બર્નઆઉટથી બચવા માટે સૌથી સરળ ઉપાય સંતુલન બનાવવું
બર્નઆઉટને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે જીવનમાં સંતુલન બનાવવું. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવીને પણ આપણે કામનું દબાણ ઘટાડી શકીએ છીએ. આ સિવાય વર્કલોડ ઘટાડવા માટે પ્રાથમિકતાઓ પણ બદલી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.