વઢવાણ મંગલભુવન ખાતે તા.14 મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. - At This Time

વઢવાણ મંગલભુવન ખાતે તા.14 મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે.


તા.11/10/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મેળામાં સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અધિકારીઓને તાકીદ કરતા જિલ્લા કલેક્ટર

રાજ્યભરમાં તા.14 અને 15 ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થનાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.14 ઓક્ટોબરના રોજ સવારે 9:00 કલાકે મંગલભુવન વઢવાણ ખાતે યોજાનાર છે. જેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી. જેમાં સંબંધિત અધિકારીઓને વિવિધ સૂચનો કરાયા હતા.આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટે સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. કાર્યક્રમમાં લાભાર્થીઓનો મોટો સમુહ ભેગો થનાર છે તે ધ્યાને લઇને વિવિધ વિભાગોને કામગીરી સોંપવામાં આવી હતી. મેળામાં મંડપ, સ્ટોલ, બુકે, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, પ્રાર્થના, સ્વાગત, દિપ પ્રાગટ્ય, લાભાર્થીઓ માટે બસ, કાયદો અને વ્યવસ્થા, પ્રચાર પ્રસાર સહિતની વ્યવસ્થાઓ વિશે કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મળવાપાત્ર સહાય અને કીટ પણ જે તે એજન્સી પાસેથી મગાવી તેની ગુણવત્તા અંગે ચકાસણી કરી લેવા અને ડેટા એન્ટ્રીનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટેની સૂચનાઓ પણ કલેકટર દ્વારા આપવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ, વઢવાણ પ્રાંત અધિકારી સરવૈયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.