બિહારમાં ગરમીના કારણે 80 વિદ્યાર્થી બેભાન:દિલ્હીમાં પાઇપ વડે કાર ધોવા પર 2000નો દંડ લાગશે; ચોમાસું 24 કલાકમાં કેરળ પહોંચશે - At This Time

બિહારમાં ગરમીના કારણે 80 વિદ્યાર્થી બેભાન:દિલ્હીમાં પાઇપ વડે કાર ધોવા પર 2000નો દંડ લાગશે; ચોમાસું 24 કલાકમાં કેરળ પહોંચશે


બુધવારે નવતપાનો પાંચમો દિવસ છે. બિહારમાં પણ પારો 48 ડિગ્રીની નજીક છે. બુધવારે 8 જિલ્લાનાં 80 બાળકો ગરમીને કારણે બેભાન થઈ ગયાં હતાં. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં 23થી 29 મે સુધી ગરમીના કારણે 55 લોકોનાં મોત થયાં છે. રાજ્યનું ચુરુ મંગળવારે દેશનું સૌથી ગરમ શહેર હતું. અહીં તાપમાન 50.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે બુધવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં પાણીની તંગી વચ્ચે કેજરીવાલ સરકારે પાઈપ વડે કાર ધોવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્દેશ આપ્યો છે. 200 લોકોની ટીમ પાણીના બગાડ પર નજર રાખશે. હવામાન વિભાગ (IMD)એ બુધવારે કહ્યું હતું કે ચોમાસું આગામી 24 કલાકમાં કેરળના તટ પર આવી શકે છે. એ આગામી એક સપ્તાહમાં દેશના બાકીના ભાગોમાં પહોંચી શકે છે. બીજી બાજુ, રેમલ વાવાઝોડાને કારણે તમામ પૂર્વોત્તર રાજ્યો- આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 29 મેથી 1 જૂન વચ્ચે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગરમીની અસર દિલ્હીમાં પાઈપ વડે કાર ધોવા માટે રૂ. 2000 દંડઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ બોર્ડના સીઈઓને પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે તે તાત્કાલિક 200 ટીમો તહેનાત કરે, કારણ કે એનાથી પાઈપથી કાર ધોવા, પાણીની ટાંકીઓ ઓવરફ્લો થવી, બાંધકામ અથવા વ્યાપારી હેતુઓ માટે ઘરેલુ પાણીના ઉપયોગ પર નકેલ કસી શકાય. આતિશીએ નિર્દેશ આપ્યો હતો કે 30 મેના રોજ સવારે 8 વાગ્યાથી ટીમો તહેનાત કરવામાં આવશે અને જે પણ પાણીનો બગાડ કરશે તેની પાસેથી 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે અને બાંધકામ સાઇટ્સ અથવા વ્યાપારી સંસ્થાઓ પર ગેરકાયદે પાણીનાં જોડાણો કાપી નાખવામાં આવશે. દિલ્હીમાં મજૂરોને પેઇડ રજા: દિલ્હીમાં બાંધકામ સાઇટ્સ પર કામ કરતા મજૂરોને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી પેઇડ રજા આપવામાં આવી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે નિર્દેશ જારી કર્યા છે. પાણીની અછત: સેન્ટ્રલ વોટર કમિશન અનુસાર, દેશના 150 મુખ્ય જળ સ્ત્રોતોમાં પાણીનો સ્ટોક ગયા અઠવાડિયે ઘટીને માત્ર 24 ટકા થયો હતો, જેના કારણે ઘણાં રાજ્યોમાં પાણીની અછત હતી અને વીજ ઉત્પાદન પ્રભાવિત થયું હતું. વીજળીનો વપરાશ વધ્યો: દેશની વીજળીની માગ વધીને 239.96 GW થઈ ગઈ છે, જે આ સીઝનમાં અત્યારસુધીની સૌથી વધુ છે. એવું માનવામાં આવે છે કે આવનારા થોડા દિવસોમાં પાવર ડિમાન્ડ વધશે અને 243.27 ગીગાવોટના ગયા વર્ષના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરશે. દેશભરમાંથી ઉનાળાની તસવીરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.