દેશમાં 8 નવા નેશનલ હાઈવે બનશે:થરાદ-અમદાવાદ નવા કોરિડોરથી 20 ટકા અંતર ઘટશે, કોરિડોર પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી - At This Time

દેશમાં 8 નવા નેશનલ હાઈવે બનશે:થરાદ-અમદાવાદ નવા કોરિડોરથી 20 ટકા અંતર ઘટશે, કોરિડોર પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી


રૂ. 50 હજાર કરોડના ખર્ચે બનનારા 8 નવા હાઈ-સ્પીડ રોડ કોરિડોર માટે ભારત સરકારે મંજૂરી આપી છે. નવા કોરિડોરથી આગ્રા-ગ્વાલિયર, કાનપુર-લખનઉ, ખડગપુર-મોરેગ્રામ, રાયપુર-રાંચી, અમદાવાદ, પૂણે, નાશિક, અયોધ્યા અને ગુવાહાટીને ફાયદો થશે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે આ 8 કોરિડોરને બનાવવાની મંજૂરી આપી. આ હાઇ-સ્પીડ કોરિડોરની કુલ લંબાઈ 936 કિમી હશે. તેને બનાવવા પાછળ 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સરકારનો દાવો છે કે આ રોડ પ્રોજેક્ટ 4.42 કરોડ દિવસ જેટલી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી પણ ઊભી કરશે. થરાદ-અમદાવાદ વચ્ચે 6 લેન હાઈ-સ્પીડ કોરિડોર
થરાદ-અમદાવાદ વચ્ચે 6 લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસિત કરાશે જેનો કુલ ખર્ચ10 હજાર કરોડ થવાનું અનુમાન છે. તેનાથી થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે. આ કોરિડોર રાજ્યમાં બે મુખ્ય નેશનલ કોરિડોર અમૃતસર-જામનગર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડશે. જેનાથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી આવતા માલવાહક વાહનોને મહારાષ્ટ્રનાં મુખ્ય બંદરો સુધી જોડાણ પ્રદાન થશે. આ કોરિડોર રાજસ્થાનનાં મુખ્ય પ્રવાસન સ્થળો અને ગુજરાતને પણ કનેક્ટ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.