કુવૈત આગ કેસમાં 3 ભારતીયો સહિત 8ની ધરપકડ:45 ભારતીયોના મોત થયા હતા, કુવૈત સરકાર મૃતકોના પરિવારજનોને 12.5 લાખ રૂપિયાનું વળતર આપશે - At This Time

કુવૈત આગ કેસમાં 3 ભારતીયો સહિત 8ની ધરપકડ:45 ભારતીયોના મોત થયા હતા, કુવૈત સરકાર મૃતકોના પરિવારજનોને 12.5 લાખ રૂપિયાનું વળતર આપશે


​​​​​​કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગના સંબંધમાં સત્તાવાળાઓએ 3 ભારતીયો, 4 ઇજિપ્તવાસીઓ અને 1 કુવૈતીની ધરપકડ કરી છે. 12 જૂનના રોજ વહેલી સવારે 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં કુલ 50 લોકોના મોત થયા હતા, જેમાંથી 45 ભારતીય હતા. આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા. અરબ ટાઈમ્સના અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા 8 લોકોને 2 અઠવાડિયાના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તેની સામે બેદરકારી અને હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે બુધવારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારોને 1.25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. કુવૈત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રુપિયા વિદેશી શ્નમીકોના દૂતાવાસને આપવામાં આવશે, જ્યાંથી તેઓ તેમના પરિવારો સુધી પહોંચશે. મૃત્યુ પામેલા લોકોમાં ભારત ઉપરાંત ફિલિપાઈન્સના નાગરિકો પણ હતા. સવારે 4:30 વાગ્યે આગ લાગી, લોકોએ બારીમાંથી કૂદકો માર્યો
કુવૈતે આ મામલાની તપાસ માટે એક ટીમ પણ બનાવી છે. તેને આગ લાગવાનું કારણ શોધવાની કામગીરી સોંપવામાં આવી છે. આ દુર્ઘટના બુધવારે (12 જૂન) કુવૈતના સમય અનુસાર સવારે 4.30 વાગ્યે થઈ હતી. કુવૈતી ફાયર ફોર્સના જણાવ્યા અનુસાર આગ ઇલેક્ટ્રિકલ સર્કિટના કારણે લાગી હતી. તે સમયે તમામ શ્રમીકો સૂતા હતા. આગને કારણે મચેલી નાસભાગ વચ્ચે ઘણા લોકો ગભરાઈને ઈમારતની બારીમાંથી કૂદી પડ્યા હતા. ઘણા લોકો બિલ્ડીંગની અંદર ફસાયા હતા અને ધુમાડામાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. કુવૈતી મીડિયા અનુસાર, આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની NBTC ગ્રુપ દ્વારા ભાડે લેવામાં આવી હતી. મલયાલી બિઝનેસમેને ઈમારત ભાડે લીધી હતી
NBTC ગ્રુપની માલિકી મલયાલી બિઝનેસમેન કેજી અબ્રાહમ પાસે છે. કેજી અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક બિઝનેસમેન છે. કેજી અબ્રાહમ, કેજીએ તરીકે પણ ઓળખાય છે, તે કેજીએ ગ્રુપના સ્થાપક અને ચેરમેન છે. આ કંપની 1977થી કુવૈતના ઓઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમી ભાગીદાર છે. કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. અરબ ટાઈમ્સ અનુસાર, મૃત્યુ પામેલા લોકોની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચે હતી. જેમાંથી 23 કેરળના, 7 તામિલનાડુના અને બાકીના ભારતના વિવિધ રાજ્યોના હતા. બધા NBTC કંપનીમાં કામ કરતા હતા. 14 જૂને મૃતદેહો ભારત લાવવામાં આવ્યા હતા
અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેમણે 5 હોસ્પિટલોની મુલાકાત લીધી જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી છે. દુર્ઘટનાના બે દિવસ પછી, 14 જૂને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારત પહોંચ્યું હતું. તે કોચી એરપોર્ટ પર ઉતરી. અહીં કેરળથી 23 મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, તે જ દિવસે સાંજે બાકીના મૃતદેહો સાથે વિમાન નવી દિલ્હી પહોંચ્યું. કુવૈતની કુલ વસ્તીના 21% (10 લાખ) ભારતીયો છે. કુવૈતના કુલ કામદારોમાં ભારતીયોનો હિસ્સો 30% એટલે કે 9 લાખ છે. 12 જૂને બિલ્ડીંગમાં લાગેલી આગ કુવૈતમાં અત્યાર સુધીની સૌથી ભયાનક આગ છે. મૃત્યુઆંકના સંદર્ભમાં આ દેશની બીજી સૌથી મોટી આગ છે. અગાઉ ઓગસ્ટ 2009 માં, એક મહિલાએ તેના પતિના બીજા લગ્નથી નારાજ થઈને ઝહરા શહેરમાં લગ્નના ટેન્ટને આગ લગાવી દીધી હતી, પરિણામે 56 મહિલાઓ અને બાળકોના મોત થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.