માલધારી સોસાયટી પાસે હોર્ન વગાડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી:ત્રણને ઇજા
માલધારી સોસાયટી પાસે હોર્ન વગાડવા મામલે ભરવાડ શખ્સો વચ્ચે થયેલ બોલાચાલી મારમારી સુધી પહોંચતા ત્રણ યુવકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા અને બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં ફરિયાદી જીવણભાઈ રામાભાઈ ફાંગલીયા (ઉ.વ.35) (રહે.માલધારી સોસાયટી મેઈન રોડ કરણાભાઈ ગાર્ડનની પાછળ)એ જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. ગતરોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હું મારી રીક્ષામાં જુના માર્કેટિંગયાર્ડમાંથી ગાયને નાખવાનું લીલું ભરીને મારા ઘરે જતો હતો
દરમ્યાન માલધારી સોસાયટી સરકારી શાળા નં.67 પાસે પહોંચેલ ત્યારે એક અમુલ દુધનો કેરેટ ભરેલો બોલેરો મારી રીક્ષાની પાછળ હોય અને તે જોર જોરથી હોર્ન વગાડતો હોય જેથી મેં તેની પાસે જઈ બોલેરો ચાલક સાવન ડાભીને કહેલ કે કેમ આટલા હોર્ન મારે છે આવું કહેતાં ઉશ્કેરાયેલો સાવન મારી સાથે બોલાચાલી કરવા લાગેતા હું રીક્ષા લઈ ઘરે જતો રહેલ હતો. બાદમાં હું ઘરે પહોંચેતા મારા નાનાભાઈ જગદીશભાઈએ મને કહેલ કે મારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગેરેજના કામે જવું છે તો તું મને તારી રીક્ષામાં ત્યાં મુકી જવાનું કહેતાં અમે બંને ભાઈઓ ગ્રીનલેન્ડ ચોકડી જવા નિકળેલ દરમ્યાન વ્રજભુમી માલધારી સોસાયટી શકિત ડેરી પાસે પહોંચતા જયાં સાવન બોલેરોમાંથી દૂધ ઉતરતો હતો,ત્યારે મને જોઈ જતાં કહેવા લાગેલ કે તું તારા ભાઈ સાથે મળી ઝઘડો કરવા આવ્યો છો કહી તેના મિત્ર પવો ભરવાડ અને અન્ય શખ્સોને બોલાવ્યા હતાં
અને ત્રણેય શખ્સોએ મળી હાથમાં પહેરવાના કડાથી અને લાકડીથી ફટકારી નાસી છૂટ્યા હતાં. અમને બન્ને ભાઈઓને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલે ખસેડયા હતાં. સામાપક્ષે સાવનભાઈ કેશુભાઈ ડાભી (ઉ.વ.20) (રહે.માલધારી સોસાયટી શેરી, કરણાભાઈનાં ગાર્ડનની પાછળ)એ પોલીસને જણાવ્યું હતું કે, તે પ્રવિણભાઈ હાંસલાનો અમુલ દુધનો બોલેરો ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તે બોલેરો ગાડીમાં અમુલ દુધનાં કેરેટ ભરીને દુધ દેવા જતો હતો ત્યારે શાળા નં.67 માલધારી સોસાયટી પાસે પહોંચતા એક રીક્ષા તેના બોલેરોની આગળ જતી હોય અને તેને દુધ દેવા જવાનું મોડું થતું હોય જેથી હોર્ન મારતાં રીક્ષાચાલક જીવણ હકાભાઈ ભરવાડે કેમ હોર્ન મારે છે બહુ ઉતાવળ છે તેમ કહી બોલાચાલી કરતાં સાવન ત્યાંથી જતો રહેલ હતો.
બાદમાં સાવન માલધારી સોસાયટી શક્તિડેરી પાસે દુધ ઉતારતો હતો ત્યારે આ જીવણ તથા તેનો ભાઈ જગદીશ ઘસી આવ્યા હતાં અને કહેલ કે બોલ તારે શું પાવર છે આવું કહી ગાળો આપી બન્ને ભાઈઓએ મળી ધોકા વડે મારમાર્યો હતો.ત્યારે પવાભાઈ ભરવાડ ત્યાં આવી જતા બન્ને ભાઈઓ નાસી છૂટ્યા હતાં, અને ઇજાગ્રસ્ત સાવનને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.વી.બકુત્રા અને ટીમે વધું તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.