મારામારી કરવાં આવેલ શખ્સોને ટપારતાં ફેબ્રીકેશનના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલો
એકતા કોલોનીમાં મારામારી કરવાં આવેલ શખ્સોને ટપારતાં ફેબ્રીકેશનના ધંધાર્થી પર તેના જ કૌટુંબિક ભાઈઓ સહિત ચાર શખ્સોએ છરી, પાઈપ જેવાં હથિયારથી હુમલો કર્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે 40 ફૂટ મેઈન રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં મુસ્તાકભાઈ હબીબભાઈ દેથા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સોહિલ ઉર્ફે ડામર ઓસમાણ દેથા, સેજાન ઉર્ફે સેજુ ઓસમાણ (રહે બંને એકતા કોલોની શેરી નં.1,જંગલેશ્વર મેઈન રોડ), ઇસોભા અને મજલોનું નામ આપતાં ભક્તિનગર પોલીસે આઇપીસી 323,504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા વીસ વર્ષથી મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં મુરલીધર વે-બ્રીજ પાછળ ન્યુ વિશ્વાસ વેલ્ડીંગ વર્કસ નામની દુકાન ધરાવી ફેબ્રીકેશનનું કામ કરે છે. ગઈ તા. 17/05/2024 ના રાત્રીના તેઓ ઘરે હતાં ત્યારે તેના ભત્રીજા માહીર દેથાનો ફોન આવેલ અને જણાવેલ કે, કાકા તમે અહીં અમારા એકતા કોલોની વાળા ઘરે આવો, અહી આપણા દૂરના સંબંધી સોહીલ ઉર્ફે ડામર દેથા મારા પિતાજી સમીરભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરે છે. જેથી તેઓ એકતા કોલોની શે.નં 01 શાળા નં 70 ની બાજુમા ગયેલ અને ત્યા જઈને પિતરાઈ ભાઈ સમીરભાઈને પૂછતા તેણે જણાવેલ કે, આપણા સંબંધી સોહીલ ઉર્ફે ડામર મોડી રાતે આવેલ હતો અને શેરીમાં મોટા અવાજે બોલતો હતો જેથી તેને બોલવાની ના પાડતા તેણે કાઠલો પકડી બોલવા લાગેલ હતો.
જેથી તેઓ નજીકમાં રહેતા સોહીલ ઉર્ફે ડામરના ઘરે ગયેલ ત્યારે તે ઘરે હાજર ન હતો. તેનો ભાઈ સેજાન ઉર્ફે સેજુ અને તેના માતા મેરૂનબેન હાજર હતા તેઓએ કહેલ કે, તમારાથી અમારા ઘરે અવાય જ નહી તેમ કહી ઝઘડો કરવા લાગેલ દરમિયાન સેજાન ઘરની અંદરથી એક તલવાર લઈને આવેલ હતો. બાદમાં ત્યાં લોકો આવી જતાં તેને ઘરની અંદર મોકલી દિધેલ હતો.
બાદમાં તેઓ ઘરે જતા હતા ત્યારે ફરીથી સોહીલ ઉર્ફે ડામર, તેનો ભાઈ સેજાન ઉર્ફે સેજુ, ઈસોભા અને મજલો છરી અને પાઈપ જેવાં હથિયાર સાથે ઘસી આવેલ અને સોહીલ ઉર્ફે ડામરે લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. તેમજ ત્યાં હાજર તેઓના ભાભી સારબાઈબેનને પણ સોહીલે ધોકો ફટકાર્યો હતો. તેમજ સેજાન ઉર્ફે સેજુએ પણ પાઈપથી હુમલો કર્યો હતો. બાદમાં આરોપી નાસી છૂટ્યા હતાં. જ્યારે ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.