*ગીર સોમનાથ જિલ્લામાં તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે* - At This Time

*ગીર સોમનાથ જિલ્લામાં તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે*


*ગીર સોમનાથ જિલ્લામાં તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે*
---------
*વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શાળા પ્રવેશોત્સવ અંગે જિલ્લાના અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન*
---------
*જિલ્લામાં ધોરણ - 1માં 11,451, બાલવાટિકામાં 11,929 તેમજ ધોરણ-9માં 15,112 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે*
-------------
ગીર સોમનાથ, તા.૨૪: શાળામાં 100% બાળકોનું નામાંકન, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા હેતુસર સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાબરમતી ઓડિટોરિયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ખાતેથી શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાની તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ કાર્યક્રમના રૂટ, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી બાબતે કરવાની થતી વ્યવસ્થાઓ અને આયોજન અંગેની વિગતો મેળવી સુનિયોજીત વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન વેરાવળના 10, તાલાળાના 8, કોડિનારના 11, સૂત્રાપાડાના 9, ઉનાના 13 અને ગીરગઢડાના 9 એમ કુલ મળી 60 રૂટ પર ધોરણ -1માં કુલ 11,451, બાલવાટિકામાં 11,929 તેમજ ધોરણ 9માં 15,112 જેટલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી સર્વ શ્રી વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અશોક પટેલ સહિત શીર્ષ અધિકારીશ્રીઓએ બાયસેગ મારફત જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.