પોપટપરા-કૃષ્ણનગરની માત્ર 10 વર્ષની બાળકીએ પોલીસને ધંધે લગાવી: ભણવું ગમતું ન હોવાથી અપહરણની સ્ટોરી ઘડી, છેવટે ભાંડો ફૂટ્યો - At This Time

પોપટપરા-કૃષ્ણનગરની માત્ર 10 વર્ષની બાળકીએ પોલીસને ધંધે લગાવી: ભણવું ગમતું ન હોવાથી અપહરણની સ્ટોરી ઘડી, છેવટે ભાંડો ફૂટ્યો


શહેરના કૃષ્ણનગર વિસ્તરમાં રહેતી દસ વર્ષની બાળકીએ તેનું અપહરણ થયાની પરિવારને વાત કરતાં શહેરભરની પોલીસ દોડતી થઈ હતી અને અંતે બાળકીને ક્લાસિસમાં જવું ન હોવાથી પોતે જ તેનું અપહરણ થયાનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થતાં પોલીસને હાંસકારો થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી દસ વર્ષની વૃંદા નામની બાળકી આજે સવારે નવ વાગ્યે ઘરેથી ક્લાસિસમાં જવા માટે નીકળી હતી. બાદમાં તે હંસરાજનગર પાસે આવેલ સિંધી સમાજના હોલ પાસેથી બાળકીએ કોઈ રાહદારીના ફોનમાંથી તેના પિતાને ફોન કરી તેનો અપહરણનો પ્રયાસ થયો હોવાનું જણાવતાં હતપ્રત થયેલા પરિવારજનો બાળકી પાસે દોડી આવ્યા હતાં.
અને બાળકીને બનાવ અંગે પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે, તે સવારે 8.45 વાગ્યે ઘરેથી ક્લાસિસમાં જવા માટે નીકળી હતી. તે ઘર નજીક આવેલ હનુમાન મંદિર પાસે પહોંચતા ત્યાં એક થાર કાર ઘસી આવી હતી અને તેની પાસે ઉભી રહેલી કારમાં સવાર ત્રણ શખ્સોમાંથી એક શખ્સે તેને ઉપાડી કારમાં બેસાડી દિધી હતી. બાદમાં કાર 100 મીટર જેટલી આગળ ચલાવી ત્યાં ઉભેલી અન્ય એક પાંચથી છ વર્ષની બાળકીને પણ કારમાં બેસાડી દિધી હતી. જેથી તે ગભરાઈ ગયેલ હતી અને રાડારાડી કરી મુકતા કાર ચાલકે તેની કાર પોપટપરા નાલાથી આગળ પોપટપરા નજીક અવેલ મેદાનમાં કારમાં સવાર શખ્સોએ તેને નીચે ઉતારી અન્ય બાળકીને લઈ નાસી છૂટ્યા હતાં
જેથી હજું એક બાળકી અપહરણકર્તાની ચુંગાલમાં હોવાનું માલુમ પડતાં દસ વર્ષની બાળકીના પિતા પરિવારજન સાથે દસ વાગ્યાની આસપાસ પ્ર. નગર પોલીસ મથકે દોડી ગયાં હતાં અને બનાવ અંગે પીઆઇ એમ.વી.ગોંડલીયાને વાત કરતાં પ્ર. નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે બાળકી સાથે દોડી ગયો હતો. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ એસીપી ભાર્ગવ પંડ્યા સહિતના અધિકારીઓ પણ દોડી ગયાં હતાં અને ક્રાઇમ બ્રાંચ, એસઓજી, અને અન્ય પોલીસ મથકની ટીમોને દોડાવી બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
પરંતુ સીસીટીવીમાં બાળકી જ ચાલીને જતી હોય તેવું સામે આવ્યું હતું. બાળકીએ જણાવેલ થાર કાર તે સમય દરમિયાન જોવા ન મળતાં ડીસીપી સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ બાળકીને પ્ર. નગર પોલીસ મથકે લઈ આવ્યા હતાં અને તેને પરિવારની માફક હૂંફ આપી પૂછપરછ કરતાં બાળકીએ ભાંડો ફોડ્યો હતો અને કહ્યું હતું કે, તેમને ક્લાસિસમાં અભ્યાસ કરવા જવું ન હોય લન તેના વાલી મોકલતાં હોવાથી કંટાળી ફરીવાર ક્લાસિસમાં જવું ન પડે તે માટે તરકટ રચ્યાનું ખુલાસો થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. બાદમાં કોઈ અન્ય બાળકીનું અપહરણ નથી થયું તેવું પુરવાર થતાં પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફે હાંસકારો અનુભવ્યો હતો.
પોપટપરા વિસ્તારમાંથી દસ વર્ષની બાળકી સહીત બે બાળકીનું કારમાં અપહરણ થયાનું સામે આવતા શહેરભરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે તસ્વીરોમાં દ્દશ્યમાન થાય છે. જે બાદ અપહરણ એક તરકટ હોવાનો ખુલાસો થતા બાળકીના પરીવાર અને પોલીસે હાંશકારો અનુભવ્યો હતો. તસ્વીરમાં પોલીસના ધાડેધાડા ઉતરેલા અને બાળકી તેમજ તેના પરીવારજનો નજરે પડે છે.
વાલીઓ પોતાના કુમળી વયના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે દબાણ કરતાં હોય છે અને તેઓને સ્કૂલની સાથે-સાથે ક્લાસિસ પણ જોઈન્ટ કરાવતાં હોય છે, જે બાળક પાંચ કલાકથી વધું સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેના હોમવર્કમાં દબાયેલ રહેતો હોય અને વધુમાં ક્લાસિસમાં જવાનું વાલીના દબાણના કારણે કુમળી વયના બાળકો અભ્યાસ ન કરવા માટેના વિચિત્ર બહાના કાઢતા હોય છે, જેમાં ઘણીવાર વાલીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ જતાં હોય છે.
અપહરણનું તરકટ રચનાર બાળકી એક ભાઈ એક બહેનમાં મોટી છે. તે તેના ઘર નજીક આવેલ ઇનોવેટિવ સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. અને આટલી નાની વયે તેને પોતાનું અપહરણ થયાનો પ્લાન ઘડવાનો ઇનોવેટિવ વિચાર ક્યાંથી આવ્યો તે પરિવારજનો અને સમાજ માટે મુંજવતો પ્રશ્ન છે.
દસ વર્ષની બાળકીનું અપહરણ થયાનું સામે આવતા શહેરભરમાં થોડીવાર માટે ચકચાર મચી ગઇ હતી. જે બાદ ખુદ બાળકીએ જ અભ્યાસ કરવો ગમતો ન હોય અને ક્લાસિસમાં જવું ન હોય જેથી તરકટ રચ્યાનું ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે ઘર નજીક આવેલ હનુમાન મંદિર પાસેથી પસાર થતી હતી ત્યારે ત્યાં એક થાર કાર પડી હતી, જેથી તેને તેના પિતાને થાર કારમાં અપહરણ થયાનું જણાવ્યું હતું.
બાળકી સવારે 8.45 વાગ્યે ઘરેથી ક્લાસિસ જવા માટે નીકળી
9.45 વાગ્યે હંસરાજનગર નજીકથી કોઈ રાહદરીના ફોનમાંથી તેના પિતાને અપહરણ અંગે જાણ કરી
10 વાગ્યે પરિવારજનો પ્ર. નગર પોલીસ મથકે દોડી આવ્યા
બે કલાકના અંતે પોલીસે બાળકીને હૂંફ આપી પૂછપરછ કરતાં અપહરણ એક તરકટ હોવાનો ખુલાસો થયો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.