એક હજાર જોડ પગરખાં વિતરણનો લક્ષ્યાંક.
ઉનાળાની કાળઝાળ શરૂ થયેલી ગરમીથી સામાન્ય જન જીવન ઉપર અસર પડી રહી છે. આકાશમાંથી વરસી રહેલા અગનગોળામાં ઘરની બહાર નીકળતા લોકો ગભરાઇ રહ્યા છે. ત્યારે અંગ દઝાળતી ગરમીમાં ફૂટપાથવાસીઓ અને સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો ખૂલ્લા પગે ફરતા હોય છે. આવા બાળકોની વ્હારે વડોદરાની સામાજિક સંસ્થાએ ઉઘાડા પગે ફરતા બાળકોને એક હજાર જોડી ચપ્પલ પહેરાવવાનું બીડું ઝડપ્યું છે. નોંધનીય છે કે, આ સંસ્થા બારે માસ માત્ર પાંચ રૂપિયામાં જરૂરીયાત લોકોને ભોજન જમાડવાની પણ સેવા કરી રહી છે. પાંચ રૂપિયામાં ભોજન
ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના સભ્ય તરંગભાઇ શાહે સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા પ્રવર્તમાન કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે ફરતા બાળકોને ચપ્પલ પહેરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમારી સંસ્થા દ્વારા 'ઇન્દ્રપ્રસ્થ' અને 'સૌનું રસોડું' નામે જરૂરીયાતમંદોને ભોજન જમાડવાની સેવા કરે છે. ભોજનમાં દાળ, ભાત, શાક અને રોટલી માત્ર રૂપિયા પાંચમાં જમાડે છે. ઉઘાડા પગે ફરતા હોય છે બાળકો
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ફૂટપાથ ઉપર અને સ્લમ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ ગયો છે. ઘરમાં અસહ્ય ગરમીના કારણે રહી ન શકનાર બાળકો ઘરની બહાર ખૂલ્લામાં ઉઘાડા પગે રમતા હોય છે. તે જ રીતે ફૂટપાથ ઉપર રહેતા શ્રમજીવી પરિવારના બાળકો પણ ઉઘાડા પગે ફરતા હોય છે. ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર પણ મજૂરી કામ કરતા પરિવારના બાળકો પણ ઉઘાડા પગે રમતા હોય છે. આવા બાળકો જ્યાં દેખાય ત્યાં અમારી સંસ્થાના કાર્યકરો દ્વારા ચપ્પલ પહેરાવવામાં આવી રહ્યા છે. આ ઉનાળામાં 1 હજાર બાળકોને ચપ્પલ પહેરાવવાનું લક્ષ્યાંક છે.
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.