એક્સ્ટર્નલના ફોર્મ ભરવાનું સર્વર ડાઉન, વિદ્યાર્થીઓએ હંગામો કર્યો, પરીક્ષા નિયામકે કહ્યું, તારીખ લંબાવીશું
યુનિવર્સિટીની પરીક્ષાબારીએ વિદ્યાર્થીઓની લાઈનો લાગી, પરીક્ષા નિયામકે બહાર આવીને સૂચના આપવી પડી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ એક્સ્ટર્નલ કોર્સમાં પ્રવેશ લેવા માટેના ફોર્મ ઓનલાઈન ભરાઈ રહ્યા છે પરંતુ છેલ્લા બે દિવસથી ઓનલાઈન ફોર્મ ભરવામાં સર્વર ડાઉનની સમસ્યા સર્જાતા શુક્રવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં આવી જતા હંગામો થયો હતો. યુનિવર્સિટીએ અગાઉથી જ વિદ્યાર્થીઓને ઓનલાઈન વેરિફિકેશન ન થયું હોય તેમને તારીખ પ્રમાણે જ યુનિવર્સિટીમાં વેરિફિકેશન કરાવવા આવવાનું કહેવાતા કેટલાક વિદ્યાર્થીઓને શુક્રવારે છેલ્લો દિવસ હોવાથી વેરિફિકેશન થશે કે કેમ તેને લઈને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા.
એમએ, એમ.કોમ સહિતના એક્સ્ટર્નલના ફોર્મ ઓનલાઈન ભરવામાં, ઓટીપી અને પાસવર્ડમાં, ફોર્મ પ્રિન્ટ કરવામાં, ઓનલાઈન વેરિફિકેશન કરવામાં મુશ્કેલી થતા શુક્રવારે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં હંગામો મચાવ્યો હતો. બાદમાં પરીક્ષા નિયામકે બહાર આવીને વિદ્યાર્થીઓને સૂચના આપવી પડી હતી અને જે વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તે લેખિત અરજી આપે, નિરાકરણ લાવીશું તેવું કહ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા નિયામકે કહ્યું હતું કે જો વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તારીખ લંબાવી આપીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.