જમ્મુ-કાશ્મીરમાં ચોથા દિવસે અથડામણ શરૂ:જમ્મુમાં સૌથી મોટું ઓપરેશન, 24 આતંકવાદીનો સફાયો કરવા 7 હજાર જવાન મેદાને
જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં ગુરુવારે સવારે ફરી અથડામણ શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડામાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોના ઓપરેશનનો આજે ચોથો દિવસ છે. 84 દિવસમાં 10 આતંકવાદી હુમલામાં 12 જવાનના બલિદાન પછી સેનાએ જમ્મુ વિસ્તારમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૈન્યનાં સૂત્રોના કહેવા પ્રમાણે આ એન્ટિ-ટેરરિસ્ટ ઓપરેશનમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના 7000 જવાન, 8 ડ્રોન, હૅલિકોપ્ટરો, 40 જેટલા સ્નીફર ડૉગ તૈનાત કરાયા છે. જવાનોમાં મોટા ભાગના રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસના સ્પેશિયલ કમાન્ડો છે. જવાનોને ડોડા અને કઠુઆ જિલ્લાની પીર પંજાલ શ્રેણીનાં જંગલોમાં ઉતારાયા છે. અહીં 5 લોકેશન નક્કી કરાયાં છે, જે 1,291 ચોરસ મીટરનાં જંગલમાં આવેલાં છે. સુરક્ષાદળોને અહીં ડોડા અને ડેસા જંગલમાં સેના સાથે અથડામણ થઈ હતી, એ સહિત 24 જેટલા આતંકવાદીઓની હાજરી હોવાની કડી મળી છે. આ અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા. હવે સેનાએ આ વિસ્તારમાં આતંકવાદીઓનો સફાયો કરવાનું ઓપરેશન શરૂ કર્યું છે. લડાઈ લાંબી ચાલશે... ખાવા-પીવાના સામાન સાથે જવાનો પર્વતો પર તૈનાત
જમ્મુ-કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ડોડા અને કઠુઆ 5 મહિનથી આતંકવાદના એપીસેન્ટર બન્યા છે. કઠુઆના બદનોટાથી ડોડાના ધારી ગોટે અને બગ્ગી સુધીના અંદાજે 250 કિમીમાં આતંકવાદીઓ સંતાયા હોવાના પુરાવા મળ્યા છે. અહીં 20 વર્ગ કિમીનો એક મોટો વિસ્તાર છે, જ્યાંથી આતંકવાદીઓ સરળતાથી પર્વતો ચઢીને હુમલો કરે છે. આથી આ પર્વતોની ટોચ પર જંગી દારૂગોળા સાથે તૈનાત કરાયા છે. પર્વતો પર વિલેજ ગાર્ડ તૈનાત
સેનાએ ઊંચા વિસ્તારોમાં વિલેજ ગાર્ડ પણ તૈનાત કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 1995માં 25,000 વિલેજ ગાર્ડ સૈન્ય તાલીમ પછી રખાયા હતા. પછીથી દૂર કરાયા હતા. 14 ઑગસ્ટ, 2022એ ફરીથી તૈનાત કરાયા હતા. જમ્મુના આતંકવાદી વિદેશી, તાલીમ પણ ઉચ્ચ કક્ષાની પરંતુ ટૂંક સમયમાં ઠાર કરાશે-લે. જનરલ સંજય કુલકર્ણી નિવૃત્ત
જમ્મુ વિસ્તારમાં તાજેતરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના કદ-કાઠી કાશ્મીરના આતંકવાદીઓ કરતાં સારા છે. એ તમામ વિદેશી અને પાકિસ્તાન આર્મી પાસેથી તાલીમ લઈને આવ્યા છે. જ્યારે કાશ્મીરમાં તાલીમ વિના સ્થાનિક યુવકોને આતંકવાદમાં ધકેલી દેવાયા છે. પરંતુ સેના વિદેશી આતંકવાદીઓની તાકાત, નબળાઈ અને વ્યૂહરચના સમજી ગઈ છે. એ લોકોને ટૂંક સમયમાં જ ઠાર કરવા માટે આટલું મોટું ઓપરેશન શરૂ થયું છે. હવે આપણે રાહ ન જોઈ શકીએ. આપણી પાસે અનેકગણા વધુ તાલીમબદ્ધ જવાનો છે, શ્રેષ્ઠ હથિયારો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.