જામનગર શહેરમાં આજે કોરોના કેસમાં ઘટાડો: એક કોલેજીયન યુવતી અને દંપત્તિ સહિત ૭ પોઝિટિવ કેસ નોંધાયા
- ગ્રામ્ય વિસ્તારમાં કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામના વૃદ્ધ અને વૃદ્ધા સહિતના બે પોઝીટીવ કેસ નોંધાયા જામનગર તા 21 જુલાઈ 2022,ગુરૂવાર જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાનો ગ્રાફ ઊંચકાયો હતો.જેમાં આજે ઘટાડો નોંધાયો છે. અને ૭ પોઝિટિવ કેસ નોંધાયા.છે. જેમાં એક કોલેજીયન યુવતી અને એક દંપત્તિનો સમાવેશ થાય છે. કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામમાં પણ એક વયોવૃદ્ધ પુરુષ અને વયોવૃદ્ધ મહિલા કોરોના સંક્રમિત બન્યા છે.જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના કેસમાં રાહત જોવા મળ્યા બાદ ગઈકાલે શહેર વિસ્તારમાં કોરોના કેસમાં વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં આજે ઘટાડો નોંધાયો છે.આજે જામનગર શહેરમાં આજે ૫૪૮ લોકોના કોરોના લક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા.જેમા ૪ પુરુષ અને ૩ મહિલા સહિત ૭ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમાં ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા એક દંપતી તથા સરદાર નગરમાં રહેતી એક કોલેજીયન યુવતીનો સમાવેશ થાય છે. આજે શહેરમાં ૧૨ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે હાલની સ્થિતિએ ૪૯ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે ૭૮૯ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાંથી કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામના એક વૃદ્ધ પુરુષ તેમજ વૃદ્ધ મહિલાના રીપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. જો કે એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે તેઓના પરિવારના સેમ્પલો લેવાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતી.આજે શહેરી વિસ્તારમાં વેકસીનનો ૩૩ વ્યક્તિને પ્રથમ ડોઝ અપાયો છે, જ્યારે ૪૪ વ્યક્તિઓને બીજો ડોઝ જ્યારે ૩૧૨ વ્યક્તિને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.