આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા ચાંદીપુરા વાયરસ રોગ વિષે તબીબોને અપાયું માર્ગદર્શન રોગ અટકાયત માટે જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી પુરજોશમાં - At This Time

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા ચાંદીપુરા વાયરસ રોગ વિષે તબીબોને અપાયું માર્ગદર્શન રોગ અટકાયત માટે જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી પુરજોશમાં


રાજકોટ તા. ૧૯ જુલાઈ - રાજકોટ જિલ્લાના સરકારી તેમજ ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને ચાંદીપુરા એન્કેફેલાઈટીસ વાઇરસ વિશે માહિતી તેમજ માર્ગદર્શન આપવા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે સી.એમ.ઈનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી. કે. સિંઘ તેમજ પી.ડી.યુ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના અધિક્ષકશ્રી દ્વારા ચાંદીપુરા એન્કેફેલાઈટીસ રોગ શું છે? તેનાથી બચવાના ઉપાયો તેના લક્ષણો, ચાંદીપુરા રોગ કેવી રીતે ફેલાય છે, તેનું નિદાન, તેની સારવાર વગેરે વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.કે.સિંઘે જણાવ્યું હતું કે, આ રોગ અટકાયત ઝુંબેશના ભાગરૂપે આરોગ્ય કાર્યકરો દ્વારા જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આવા કોઈ પણ ચિન્હો ધરાવતા દર્દીઓ જોવા મળે તો તેમને તાત્કાલિક જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓને જણાવવામાં આવેલ છે. સેન્ડ ફ્લાય વેક્ટરથી થતો આ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોને વધુ અસર કરે છે, તો બાળકોમાં કોઈપણ પ્રકારના તાવ, ઉબકા- ઉલટી, ખેંચ આવવી, નબળાઈ આવવી કે અર્ધભાન કે બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.