સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ધાર:
'સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ધાર:
આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર
વનબંધુ કલ્યાણ યોજના-૨ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૨૨,૦૨૬ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ
વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૫૮૪.૨૦ કરોડ:આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કુલ્સ તેમજ ગર્લ્સ લિટરસી સ્કુલ્સના નવા બાંધકામ માટે કુલ રૂ.૫૩૯.૦૦ કરોડની જોગવાઇ
આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે પ૦૦ નવા મોબાઇલ ટાવર બે વર્ષમાં ઉભાં કરાશે
વિધાનસભા ખાતે આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ મંજૂર
આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭ માં નિયમ-૪૪ હેઠળ વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે સગવડો માટેના કામો થયા છે.
મંત્રી શ્રી ડિંડોરે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વનબંધુ કલ્યાણ યોજના ને આગળ ધપાવતાં રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે રૂ.૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-૨ હાથ ધરી છે. જેના માટે વિકાસની અનેકવિધ સફળતા હાંસલ કરવા આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૨૨,૦૨૬ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ આ સરકારે કરી છે
આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે આદિજાતિ વિભાગની અંદાજપત્રીય માંગણી પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, રાજયમાં આદિવાસી સમાજની જનસંખ્યાની વાત કરીએ તો અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૫,૮૦૦ કરતાં વધારે ગામડાઓ, અને ૧ કરોડ જેટલો આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં આદિજાતિ સમુદાયોના બાળકોને ગુણવત્તાપૂર્ણ શૈક્ષણિક સુવિધાઓનાં વિસ્તાર માટે રાજય સરકારે પ્રિ મેટ્રીક સ્કોલર શીપ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૫ લાખ વિધાર્થીઓ ને રાજય સરકારની શિષ્યવૃત્તિ સહાય માટે રૂા. ૧૧૨.૭૩ કરોડની જોગવાઈ કરી છે. અનુસૂચિત જનજાતિના ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૯૦૦ ગણવેશ સહાય પેટે આપવામાં આવે છે.જેના માટે રૂ.૧૨૦.૦૦ કરોડની જોગવાઈ. અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી વિદ્યાસાધના યોજના સાયકલ ભેટ આપવામાં આવે છે. જેનાથી અંદાજે ૩૮,૯૦૦ કન્યાઓને સાયકલ ભેટનો લાભ મળશે. જેના માટે રૂ.૨૦.૫૦ કરોડની જોગવાઇ કરી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આદિજાતિના બાળકોને ઉત્તમકક્ષાના આવાસીય વિદ્યાલયમાં ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમકક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરાબરી કરી શકે તે માટે ટેલેન્ટ પુલ યોજના હેઠળ અંદાજે ૨૧૬૨ જેટલાં તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ આપવા માટે રૂ.૧૩.૭૦ કરોડ, આદિ જાતિના ૨ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૫૮૪.૨૦ કરોડની જોગવાઇ કરી છે.ઉચ્ચ અભ્યાસક્રમો ક્ષેત્રે ખાસ કરીને પી.જી.મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દી બનાવનાર વિદ્યાર્થીનીઓ પણ સહાય અમે કરીએ છીએ.
તેમણે ઉમેર્યું કે, રાજયમાં કાર્યરત ૬૬૧ ગ્રાન્ટ-ઈન-એઈડ આશ્રમશાળાઓના અંદાજિત ૧,૦૧, ૪૯૩ બાળકોને જમવા, ગણવેશ, સ્ટેશનરી અને અન્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવી લાભાન્વિત કરવા માટે રૂ.૫૦૯.૪૨ કરોડ,રાજયમાં કાર્યરત ૯૨૦ ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા ૫૦,૩૩૬ વિદ્યાર્થીઓને નિવાસ અને ભોજનની સુવિધાઓ કાર્યક્ષમ વ્યવસ્થા પૂરી પાડવા રૂ.૧૩૮.૫૫ કરોડ,રાજયમાં કાર્યરત ૧૭૫ સરકારી છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા ૧૯,૩૪૦ વિદ્યાર્થીઓને નિવાસ અને ભોજનની સુવિધાઓ કાર્યક્ષમ વ્યવસ્થા પૂરી પાડવા રૂ.૧૩૦.૮૧ કરોડની જોગવાઈ કરાઈ છે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે, રાજયમાં અનુસૂચિત જનજાતિની વસ્તી મુખ્યત્વે અંતરિયાળ જંગલ વિસ્તારોમાં તથા ડુંગરાળ પ્રદેશોમાં વસવાટ કરે છે. જ્યાં શૈક્ષણિક સુવિધાઓ અપુરતી હોવાના કારણે શિક્ષણનું પ્રમાણ ઓછું હોઇ આદિજાતિના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી આદિજાતિ વિસ્તારોમાં ૭૫ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેમાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જે માટે રૂ.૧૨૨.૧૯ કરોડ, રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ભૂજ અને જામનગર ખાતે કાર્યરત અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત અંદાજે ૩૯૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને નિવાસી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રૂ.૨૪.૮૭ કરોડની જોગવાઇ કરી છે.
તેમણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીની રચના કરી છે. જેના ધ્વારા ૧૦૧ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. જેના માટે કુલ રૂ.૪૪૫.૫૯ કરોડની જોગવાઇ તેમજ કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS) માં ભણતી વિધાર્થીનીઓ માટે રીકરીંગ ગ્રાન્ટમાં પ્રતિ વર્ષ પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૫૭,૧૦૦ થી વધારીને રૂ. ૭૦,૦૦૦ કરવા માટે રૂ.૧૯.૬૭ કરોડની જોગવાઈ. આનો લાભ અંદાજે ૧૫,૨૫૦ વિદ્યાર્થીનીઓને થશે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટીની ૪૩ શાળાઓમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તે હેતુ થી NEET/JEE) કોચિંગ આપવા માટે વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ એમ આશરે ૧૪૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ.૨.૮૦ કરોડ કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન યોજના હેઠળ રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં વસ્તા આદિજાતિ શિક્ષિત વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીદીઠ રૂ.૧૫.૦૦લાખ મહત્તમ ૪% વ્યાજનાદરે લોન આપવામાં આવે છે.આ યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં વિદેશ અભ્યાસના કુલ-૨૮૩ વિદ્યાર્થીઓને રૂ.૩૯.૨૬ કરોડનુ ધિરાણ ચુકવીને વિદ્યાર્થીઓને લાભ આપવાવામાં આવ્યો છે. અને ૨૦૨૨-૨૩ માં ૪૯ વિધાર્થીને તથા ૨૩-૨૪ માં ૩૯ વિધાર્થીને લાભ આપવામાં આવ્યો છે.આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કુલ્સ તેમજ ગર્લ્સ લિટરસી સ્કુલ્સના નવા બાંધકામ માટે કુલ રૂ.૫૩૯.૦૦ કરોડની જોગવાઇ કરી છે.
રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી કાર્યરત છે આ યુનિવર્સિટી માટે રૂ.૩૪૧ કરોડના ખર્ચે આધુનિક કેમ્પસના નિર્માણની કામગીરી પૂર્ણતાના આરે છે. આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી નવા કેમ્પસમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી શરૂ થશે. આ નવું કેમ્પસ કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, ભોજનાલય, ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગ, એડમીન બિલ્ડીંગ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ વીથ ગ્રાઉન્ડ (ઈન્ડોર એન્ડ આઉટડોર) વગેરે સુવિધાયુકત હશે. યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન કાર્યો માટે રૂ.૬.૧૭ કરોડની જોગવાઈ કરી છે. ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓ પ્રોત્સાહન આપવા માટે નવી ઈન્સેન્ટીવ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૪૬.૭૫ કરોડની જોગવાઇ કરી છે જેમાં કુમાર માટે રૂા. ૨૫૦૦૦ અને કન્યા માટે રૂા. ૩૦૦૦૦ વાર્ષિક સહાય અપાશે અંદાજે ૧૭૦૦૦ વિધાર્થીઓને લાભ મળશે.
તેમણે કહ્યું કે,રાજયના પ્રાથિમક શાળાઓ, આશ્રમ શાળાઓના આદિજાતિ બાળકોના પોષણનું સ્તર વધે, બાળકો શાળાએ નિયમિત આવે અને વધારાનું પોષણ મળે તે માટે આદિજાતિ વિસ્તારના ૫ર(બાવન) તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના કાર્યરત છે જેમાં બાળકોને ૨૦૦ મી.લી. ફોર્ટીફાઈડ દૂધ અપાય છે. આ યોજના અંતર્ગત હાલ આપવામાં આવતા ૧.૫% ફેટના દૂધના ફેટમાં વધારો કરી ૪.૫% ફેટ કરવામાં આવશે. જેનાંથી હવે અંદાજે ૧૦ લાખ બાળકોને વધુ પોષણક્ષમ દૂધનો લાભ મળતો થશે. જેના માટે રૂ.૩૦૩.૧૫ કરોડ,અનુસુચિત જનજાતિના લોકોને મફત તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત, કેન્સર, સીકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ, સ્ત્રીઓને થતા પાંડુરોગ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરી વિવિધ રોગો મુજબ સહાય રૂ.૨૦૦૦ થી રૂ.૨૫૦૦ સુધી વધારવામાં આવશે જેના માટે રૂ.૪૩.૩૨ કરોડ,રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકોને આરોગ્યની અદ્યત્તન સુવિધાઓ મળી રહે અને યુવા MD/MS આદિવાસી ડોક્ટરોને સ્વરોજગાર થકી આર્થિક રીતે સક્ષમ બનાવવા તથા આદિવાસી વિસ્તારોમાં સ્પેશ્યાલિટી/મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલની સુવિધા નથી તેવા વિસ્તારોમાં હોસ્પીટલો શરૂ કરવા માટે બેંક લોન સામે ૫૦% સહાય વધુમાં વધુ રૂ.૬૦ લાખની મર્યાદામાં સહાય આપવાની યોજના માટે રૂ.૯.૪૫ કરોડ તેમજ MBBS/BDS વગેરે ડીગ્રી ધરાવતા હોય તેઓને જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટે બેંક લોન સામે ૫૦% સહાય વધુમાં વધુ રૂ.૨૫ લાખની મર્યાદામાં આપવાની નવી યોજના અંતર્ગત રૂ.૩.૯૩ કરોડની જોગવાઇ કરાઈ છે.
મંત્રી શ્રી ડિંડોરે કહ્યું કે,રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂપિયા ૨૦૦૦ કરોડથી વધારેની જોગવાઇ કરી ૬૫૦૦૦ થી વધારે કામો મંજૂર કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ કરવામાં આવેલ જોગવાઈનાં દરમાં બમણો વધારો કરી આગામી વર્ષથી દરેક વિભાગો દ્વારા કરવામાં આવતી ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ જોગવાઇમાં વધારો કરવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
હળપતિ બોર્ડ ધ્વારા ૨૪૭૫ જેટલા હળપતી આવાસોના નિર્માણ માટે રૂ.૨૯.૭૦ કરોડની જોગવાઇ જ્યારે અનુસુચિત જનજાતિના લોકોને આપવામાં આવતી વ્યક્તિગત આવાસ સહાય યોજના હેઠળ ૪૧૮૫ લાભાર્થીઓ માટે રૂ.૫૦.૨૨ કરોડની જોગવાઇ મળી કુલ રૂ.૭૯.૯૨ કરોડની જોગવાઇ કરી છે.
સંકલિત ડેરી વિકાસ યોજના(IDDP) હેઠળ દૂધાળા પશુ એકમદીઠ હાલની યુનિટ કોસ્ટ રૂ.૭૦,૦૦૦માં રૂ.૨૦,૦૦૦ નો વધારો કરી નવી યુનિટ કોસ્ટ રૂ.૯૦,૦૦૦ કરવામાં આવશે. જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની સહાયની કુલ રકમ રૂા. ૪૫,૦૦૦ થી વધીને રૂા. ૫૮,૦૦૦ થશે. જયારે ગુજરાત આદિવાસી વિકાસ નિગમ (GTDC) દ્રારા ઓછા વ્યાજના દરે આપવામાં આવતી લોનની રકમ રૂ.૨૨,૫૦૦ થી વધીને રૂ.૨૯,૦૦૦ થશે. જેના માટે રૂ.૧૩.૦૦ કરોડની વધારાની જોગવાઇ.આદિજાતિ વિસ્તાર માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આદિજાતિના ૧૦,૦૦૦ જેટલા લાભાર્થીઓ માટે રૂ.૪૫.૦૦ કરોડની ખાસ જોગવાઇ છે.
તેમણે કહ્યું કે,આદિજાતિના યુવાનો સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી બાંધકામ તથા કૃષિક્ષેત્રે મોટા કદના મશીનો ખરીદવા માટે બેંકમાંથી મેળવેલ લોન પર ૫૦% સહાય વધુમાં વધુ રૂ.૩૫ લાખની મર્યાદામાં આપવા માટેની નવી યોજના માટે રૂ.૫.૫૧ કરોડની જોગવાઇ. તેમજ આદિજાતિના કાયદા સ્નાતક વકીલાતની પ્રેક્ટિસ કરી સ્વનિર્ભર બની શકે તે હેતુથી ફાળવવામાં આવતા હાલના સ્ટાઇપેન્ડ રૂ.૫૦૦૦ થી રૂ.૧૦૦૦૦ સુધી વધારવામાં આવશે.જેના માટે રૂ.૨.૪૫ કરોડની વધારાની જોગવાઈ આદિજાતિ વિસ્તારમાં ખેતીમાં પાવર ટીલર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાયની યોજના હેઠળ રૂ.૭.૫૦ કરોડની જોગવાઈ.
આદિજાતિ વિસ્તાર માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિના ૭૮૦૦૦ જેટલા લાભાર્થીઓ માટે રૂ.૩૫.૦૦ કરોડની ખાસ જોગવાઇ. આ યોજના હેઠળ કીટ્સમાં બાજરો, સોયાબીન, મગફળી, જુવાર, તુવેર, ડાંગર, અડદ, નાગલી, ભીંડા, રીંગણના સુધારેલ બિયારણ તથા ૫૦ કિલો પ્રોમ (PROM) (Phosphate Rich Organic Manure), ૫૦૦ મી.લી. નેનો યુરિયા અને ૫૦ કિલો DAP આપવામાં આવે છે.
ગુજરાતના રાજયના આદિજાતિ ખેડુત લાભાર્થીઓને ક્રુષિ યાંત્રિકિકરણ માટે સાધન સહાય (રોટાવેટર / થ્રેશર મશીન) આપવા માટે સહાય યોજના હેઠળ રૂ.૫.૦૦ કરોડ,આદિજાતિ ખેડુતો માટે વ્યક્તિગત ૨૫ હોર્સ પાવર સુધીના મીની ટ્રેકટર આપવા માટેની યોજના હેઠળ રૂ.૧૦.૦૦ કરોડ,સરકારી/PPP મોડેલથી સંચાલિત સંસ્થાઓ મારફતે વ્યવસાયલક્ષી તાલીમ (VTC) આપવા માટે રૂ.૮.૦૦ કરોડ, બકરા ઉછેર યોજના હેઠળ રૂ.૯.૦૦ કરોડ, આદિજાતિ ખેડુતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ઉદ્વવહન સિંચાઈ યોજના માટે રૂ.૬૭.૨૧ કરોડની ખાસ જોગવાઇ આ વર્ષે કરાઈ છે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આવેલ ૫૦૦૦ થી વધુ દૂધઘરો ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા નાણાકીય સહાય પુરી પાડવા માટેની નવી યોજના માટે રૂ.૨૫.૯૧ કરોડની જોગવાઇ. તેનાથી દૂધ મંડળીઓના દૂધઘરોના વીજબીલનું ભારણ ઘટશે. હળપતિઓ અને આદિમજુથોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.૧૨૭.૨૧ કરોડ,મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.૧૦૦ કરોડ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ અંદાજે ૧૨,૪૦૦ જેટલા લોકોને સ્વરોજગારીનો લાભ આપવામાં આવનાર છે. જેના માટે રૂ.૧૬.૫૦ કરોડની જોગવાઈ પણ કરાઈ છે.
તેમણે કહ્યું કે,વન અધિકાર અધિનિયમ હેઠળના ખેડૂતો માટેની મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અતર્ગત વન અધિકાર અધિનિયમ હેઠળ રાજ્યમાં કુલ ૯૭,૩૪૨ મંજૂર વ્યક્તિગત દાવાઓ હેઠળ ૬૬,૩૧૫ હેક્ટર જમીનના ખેડાણ હક્ક આપવામાં આવ્યા છે. આ વન અધિકાર અધિનિયમ હેઠળ ખેડૂતો દ્વારા આધુનિક પધ્ધતિ દ્વારા ખેતી કરતા થાય તે માટે જમીનનું લેવલીંગ, સિંચાઇની સુવિધા તથા ખેતીના આધુનિક સાધનો દ્વારા ખેતી કરી શકે તે માટે લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓનો લાભ આપવા માટે આગામી વર્ષ-૨૦૨૪-૨૫ માટે રૂ.૧૦.૦૬ કરોડની જોગવાઇ કરી છે.
તેમણે ઉમેર્યું કે,વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કા માટે ૧ લાખ કરોડની જોગવાઇ કરી છે.આદિજાતિ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તાર આવેલા છે ત્યાં દરેક વ્યકિત પાસે મોબાઇલ છે, હવે મોબાઇલના ટાવર પકડાતા નથી તેના માટે પણ અમારી સરકારે આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે પ૦૦ નવા મોબાઇલ ટાવર બે વર્ષમાં ઉભાં કરવા માટેની યોજના દાખલ કરી છે.
વિધાનસભા ખાતે આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ મંજૂર કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.