પરિવર્તન એજ જીવંતતા – રેખા પટેલ( ડેલાવર , યુએસએ)
પરિવર્તન એજ જીવંતતા - રેખા પટેલ( ડેલાવર , યુએસએ)
પરિવર્તન જે સતત ચાલ્યા કરે છે
અને એજ કારણ નીતનવા અનુભવ થયા કરે છે. સ્થિરતા કે સ્થિતપ્રજ્ઞ નિર્જીવ સમા લાગે છે. પરિવર્તન વિના પરિવર્તિત થવાતું નથી. કોઈ એક બદલાવ પછી બીજા રૂપાંતરની વચ્ચેની સરખામણી એકબીજાનું મહત્વ દર્શાવે છે. દરેક ચેતન વસ્તુ પરિવર્તનશીલ હોય છે. પછી એ શરીર હોય, મન, વૃક્ષ કે પ્રાણી. બદલાવ એજ જીવંતતા દર્શાવે છે, કેટલાક પરિવર્તન નરી આંખે જોઈ શકાતા નથી, આવા બદલાવની ખાસ નોંધ નાં પણ લેવાય જ્યારે કેટલાક ઝડપભેર નજરે ચડે તેવા હોય છે.
જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આવેલા ફેરફારને કારણે ઉર્જા, કાર્યદક્ષતાઅને વિચારશક્તિમાં વધારો થાય છે. હેપી હોઈએ ત્યારે પોઝેટીવ ઉર્જા વધે છે. ખુશીમાં વધુ મેળવવાની ઇચ્છાઓ વધારે જોર કરે છે. દુઃખમાં આવેલી સમસ્યાઓ દુર કરવા માટે વપરાતી શક્તિ અને મનોબળને મજબુત રાખવા માટે હિંમત સ્વરૂપે આ બેવડાય છે. દુઃખમાં તેને ભગાડવા માટે અને મેળવવા માટે જોશ વધે છે. આમ બદલાવને કારણે સતત શક્તિ મળતી રહે છે.
અંધકારને ભગાડવા જેમ પ્રકાશની જરૂર પડે છે તેમ આવેલી સમસ્યાઓને દુર કરવા માટે હિંમતની જરૂર પડે છે. જ્યારે પણ લાગે ભાર વધી રહ્યો છે ત્યારે દુઃખી થઇ એકલતામાં રહેવા કરતા ચહેરા ઉપર સ્વસ્થતા રાખી બીજાઓ સાથે ભળવું જરૂરી બને છે. આમ કરતા માનસિક તણાવ ઘટે છે અને યોગ્ય રસ્તો લેવા વિચારવા માટેની શક્તિ મળે છે. ટૂંકમાં આત્મવિશ્વાસની વધઘટ એ પણ બદલાવ ઉપર આધારિત છે.
આજકાલ વિશ્વપરિવર્તનની વાતો બહુ સાંભળવા મળે છે. આ માટે ખુદ પોતાનાથી શરૂવાત કરવી જરૂરી છે. બીજાને બદલાતા પહેલા ખુદમાં બદલાવ જોઈએ. જેમ દરેક ગમતી વસ્તુ કે વ્યક્તિ સાથે એટેચમેન્ટ વધે છે તેમ સમય આવે પરિસ્થિતિ પ્રમાણે ડિટેચ થતા એટલેકે વિમુખ થતા પણ શીખવું જોઈએ. આ પણ પરિવર્તનનો ભાગ છે.
કેટલાક માને છે કે બીજાઓ માટે કે તેમને પ્રિય રહેવા પોતાને શું કામ બદલવા. હકીકતમાં સમય સાથે એકલતા વધવાની અને એવા સમયમાં સાથ સંગાથ અને સારા માણસોની જીવનમાં ખુબ જરૂર રહેવાની. એવામાં સ્વભાવની કડવાશ બધાથી દુર રાખે છે. એકલતા બહુ તકલીફ દાયક બની જાય છે. ક્યારેક જીવનમાં એવું કૈક બની જાય છે કે વ્યક્તિ સાથે તેની આજુબાજુ વાળા પણ બદલાવને ઝંખે છે.
આશુતોષ ખુબ માયાળુ અને મહેનતુ હતો. પરિવાર સાથે આજુબાજુ સહુમાં એ પ્રિય હતો. તેની હાજરી દરેક પ્રસંગને જીવંતતા આપતી. એક દુર્ઘટનામાં તેની બધી ચેતના માત્ર ધીમા ધબકારમાં સમાઈને રહી ગઈ. સાવ નિર્જીવ શરીર બનીને નાનકડાં પલંગમાં સમાઈ ગયો. આમને આમ એક વર્ષ નીકળી ગયું. ડેડ વેજીટેબલ બની ગયેલા શરીરને છોડવા તેનો અંતરાત્મા પણ કદાચ કરગરતો હશે, તેના પરિવારજનો પણ હવે તેની મુક્તિની પ્રાર્થના કરતા હતા. રોજની તેની દેખભાળ હવે ભારે લાગતી હશે, કે પછી તેનું દુઃખ તેના અંગત વ્યક્તિઓને પણ સ્પર્શતું હશે. આવા સમયે કોઈને પણ દોષ આપવો નકામો છે.
વર્ષોના થર ચડે એ સાથે જીવનમાં પરિવર્તન પણ ઘણા આવે છે. સમય જતા જો સ્વભાવમાં ઠહેરાવ આવે તો માનવું સમજણની દિશામાં આપણે જઈ રહ્યા છીએ. બાકી અનુભવોના પોટલા લઈને પણ વ્યક્તિ કશુ શીખતો નથી ત્યારે ઉંમરના ઢોળાવમાં એકલતામાં તન સાથે મન ઉપરનો ભાર અસહ્ય બની જાય છે.
સમય સાથે શરીર નબળું બને ત્યારે તણાવ જેટલું ઓછું હોય એટલું જીવવું સહેલું બને છે. આપણા જીવનની દિશા આપણેજ નક્કી કરી શકીએ તેમ છીએ. જેટલી સાદાઈ જીવનમાં આવે છે, તેટલું વધારે સુખ આવે છે એ હકીકત છે. મોઘા કપડાં, ગાડી, જ્વેલરી,બંગલા બધું વાપરી ચુક્યા પછી લાગે કે બસ હવે બહુ થયું, આ બધાથી જ્યારે કોઈ ફર્ક ના પડે ત્યારે માનવું આપણે સુખી થઇ ગયા. જે મોજશોખ પહેલા સુખ આપતા હોય તેનો પણ ભાર હોય છે. સમય સાથે પરિવર્તનના ભાગ રૂપે આ ભાર હવે અકળામણ પણ આપે છે.
ટૂંકમાં સમય સમયે આવતા પરિવર્તનોને બહુ સમજદારી અને પ્રેમપૂર્વક અપનાવી લેવાથી શાંતિનો અનુભવ મળે છે.. સ્વસ્થ શરીરનો આધાર પણ સ્વસ્થ મન છે. બીજાઓની સારી ખોટી વાતોની અસર પ્રથમ મન ઉપર, પછી શરીર ઉપર થાય છે. જેમજેમ ઉંમર વધે તેમ નબળા પડતા શરીર સાથે મન પરિપક્વ થવું જોઈએ. સમજણ સાથે નિખાલસતા અને બીજાને મદદરૂપ થવાની ભાવના ઉંમર વધતા વધવી જોઈયે. આટલું પરિવર્તન સમજદારી જરૂર માંગે છે.
પોતાના અહંને ભૂલી બીજાઓના વિચારોને સમજતા થયા, તેમનું ભલું વિચારતા થયા તો જાણવું આપણે સમજુ થયા. આપણે સાચા છીએ એ જાણવા છતાં જ્યાં આપણી સલાહ કામ નથી લાગવાની ત્યાં સંબંધોમાં કડવાશ લાવવા કરતા ચુપ રહેવું સમજદારી બને છે. દરેકના મન અને બુદ્ધિ જો સરખા હોત તો જગત સાધુ હોત. બીજાની ભૂલોને ભૂલી આગળ ચાલવામાં જો આપણું ભલું થતું હોય તો શા માટે ના કરવું?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.