ભારતીય ભાષાની જનની એવી સંસ્કૃત અને સંસ્કૃતિને આગવું ગૌરવ બક્ષતી ‘શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી’* ———-
*ભારતીય ભાષાની જનની એવી સંસ્કૃત અને સંસ્કૃતિને આગવું ગૌરવ બક્ષતી 'શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી'*
----------
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાથી સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનવારસાને આગળ ધપાવતી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી*
----------
*સ્વાધ્યાય, સંશોધન, સંસ્કૃતના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટેનું સાંસ્કૃતિક કેન્દ્ર*
----------
*પ્રભાસક્ષેત્રમાં હરિ અને હરના સાન્નિધ્યમાં ગુરૂકુળ પ્રણાલીથી આધુનિક અને સાંસ્કૃતિક સમન્વયથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ*
----------
*‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં યુનિવર્સિટીની સક્રિય ભાગીદારી,*
*‘સૌરાષ્ટ્રતમિલસંગમપ્રશસ્તિઃ’ ગ્રંથનું વડાપ્રધાનશ્રીના હસ્તે થયું હતું વર્ચ્યુઅલી વિમોચન*
----------
સંસ્કૃત ભાષા અને સાહિત્યના સંવર્ધન સાથે ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્ય અને હેતુઓને સમગ્ર વિશ્વમાં ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના બીજાંકૂર વર્ષ ૨૦૦૫માં રોપાયાં હતાં. જે હવે વટવૃક્ષ બની અને સમગ્ર વિશ્વના ખૂણે-ખૂણામાં સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યાં છે.
ઋષિ-મનીષીઓ દ્વારા સચવાયેલી અને પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતના જ્ઞાનવારસાને આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. મહાકવિ શ્રી કાલિદાસના મેઘદૂત મહાકાવ્યમાંથી લેવાયેલું સૂત્ર ‘પૂર્ણતાગૌરવાય’ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ધ્યેય રહ્યું છે. જેના થકી ભારતીય જ્ઞાન પ્રણાલીના વિવિધ પાસાઓને ઉજાગર કરવા માટેના પૂર્ણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
વડાપ્રધાનશ્રીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્રને મૂર્તિમંત કરી અને પારંપરિક વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાનોની સાથે નૂતન ઉપક્રમોના આયોજન થકી વિદ્યાર્થીઓને આધુનિક અને સાંસ્કૃતિક સર્વાંગી વેગ મળી રહ્યો છે. જેથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સ્વાધ્યાય, સંશોધન, સંસ્કૃતના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટેનું સાંસ્કૃતિક કેન્દ્ર બની છે.
‘સર્વત્ર સંસ્કૃતમયતા:’ના સૂત્રને સાકાર કરતા શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કાર્યપદ્ધતિમાં સંસ્કૃતનો ઉપયોગ, યુનિવર્સિટીના કેમ્પસમાં સંસ્કૃતમાં સુવાક્યો તેમજ મહાનુભાવોનો પરિચય, દિવાલો પર સંસ્કૃત ઉક્તિઓ, સુવાક્યોનો પ્રયોગ, ફાઈલોમાં પણ સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવે છે. કુલપતિ શ્રી સુકાંતકુમાર સેનાપતિના સબળ નેતૃત્વ થકી સંસ્કૃત અને સાહિત્યના પ્રચારને વેગ આપતી આ યુનિવર્સિટી ૦૩ સંશોધન કેન્દ્ર, ૩૯ મહાવિદ્યાલયો, ૪૭ ડિપ્લોમા અને ૧૫ પીજીડીસીએ એમ કુલ ૧૦૪ સંસ્થાઓ સાથે જોડાણ ધરાવે છે.
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને NAAC દ્વારા 3.42 CGPA સાથે A+ ગ્રેડ મળ્યો છે. જેને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ માન્ય યુનિવર્સિટીઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. ભારતીય જ્ઞાન પ્રણાલીને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યો દ્વારા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના માધ્યમથી સંસ્કૃતભાષાના ગ્રંથોમાં રહેલા જ્ઞાન અને વિજ્ઞાનને વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાજિક લોકો સુધી પહોંચી રહ્યાં છે.
રાજ્ય સરકારશ્રીની મંજૂરીથી યુનિવર્સિટી પરિસરમાં પ્રાચ્યવિદ્યા સંશોધન અને પ્રશિક્ષણ કેન્દ્ર, શિવતત્વ અનુસંધાન પીઠ, વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ સેન્ટર મળી કુલ ૦૪ સંશોધન કેન્દ્રોની સ્થાપના તથા કેન્દ્રોના વિશિષ્ટ હેતુઓની પ્રાપ્તિ માટે વિવિધ ઉપક્રમોનું સમયાંતરે સુનિયોજીત આયોજન કરવામાં આવે છે.
ભારતીય જ્ઞાન પરંપરા (IKS) કેન્દ્રની સ્થાપના થકી ઓનલાઇન શોર્ટ-ટર્મ કોર્સ અને ૦૭ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા કર્મકાંડ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર, કથા પ્રવચન, યોગ, પાઠ-પારાયણ, પ્રગત સંસ્કૃત અધ્યયનમાં કન્સલ્ટન્સીની સેવા આપવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન હેતુસર સેવામાં તેમનો લાભ લેવામાં આવે છે તથા યુનિવર્સિટીમાં કન્સલટન્સીની આવક ઊભી કરવામાં આવી છે.
સ્વર્ણિમ સંસ્કૃત મહાકુંભ-૨૦૧૦ અંતર્ગત ૦૧ લાખથી વધુ લોકોને સંસ્કૃત સંભાષણની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના સમાપનમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પ્રભાસક્ષેત્રની ભૂમિ પર ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવા ભવ્યાતિભવ્ય ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’માં યુનિવર્સિટીની સક્રિય ભાગીદારી રહી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્હસ્તે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રતમિલસંગમપ્રશસ્તિઃ ગ્રંથનું પ્રકાશન અને વર્ચ્યુઅલી વિમોચન કરાયું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કાર્યપ્રણાલી એવી રહી છે જેમાં વેદ, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, દર્શન, પુરાણ, યોગ, કર્મકાંડ, કથાપ્રવચન, જ્યોતિષ, વાસ્તુ વગેરે વિવિધ વિષયોનું જ્ઞાન મળી રહ્યું છે. આ તમામના સમન્વય તેમજ શિક્ષણ, તાલીમ, સ્વાધ્યાય અને સંશોધન દ્વારા વિશ્વવિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની ક્ષમતાઓ અને કૌશલ્યને ઉત્તમ બનાવે છે.
ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૩, વર્ષ-૨૦૧૫, વર્ષ-૨૦૧૭માં આયોજીત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એજ્યુકેશન પેવેલિયનમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ બદલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. યોગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આસનો દ્વારા વર્લ્ડ રેકોર્ડ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્રી્ષય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ઉપરાંત વર્ષ-૨૦૨૩માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્યની સરકારી વિનયન કોલેજોમાં સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ૨૭માંથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી/સંલગ્ન કોલેજોના ૧૬ ઉમેદવારો પસંદગી પામ્યાં હતાં. જેમાં મેરિટ પર પ્રથમ ૧૦ વિદ્યાર્થીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના હતાં.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ સંસ્કૃત સંભાષણ વર્ગો, યોગ દિવસની ઉજવણી, એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ સપ્તાહ અંતર્ગત નિબંધ, ચિત્ર, વકૃત્વ સ્પર્ધાઓ, NEP-2020 “संस्कृत में पाठ्यक्रम एवं पाठ्यचर्चा पर्यालोचन” વિષયક દ્વિદિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા, શિક્ષણ-પ્રશિક્ષણ પ્રકલ્પ અંતર્ગત શૈક્ષણિક કર્મચારીઓ માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વિવિધ વર્કશોપ, શાસ્ત્રાર્થ, શલાકા, છંદ-પ્રશિક્ષણ અને કાવ્યરચના જેવા વિશેષ તાલીમ વર્ગ જેવા વિશિષ્ટ કાર્યોથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું કૌશલ્ય નીખરે છે.
આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પ્રાચીન ગ્રંથોના અભ્યાસ અને સુનિયોજીત આયોજન થકી શ્રી સંસ્કૃત યુનિવર્સિટીના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્કૃતભાષાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.