બોટાદ : ગઢડાના અલ્પેશભાઈ મકવાણા માટે પી.એમ.આવાસ યોજના બની આશીર્વાદરૂપ - At This Time

બોટાદ : ગઢડાના અલ્પેશભાઈ મકવાણા માટે પી.એમ.આવાસ યોજના બની આશીર્વાદરૂપ


બોટાદ : ગઢડાના અલ્પેશભાઈ મકવાણા માટે પી.એમ.આવાસ યોજના બની આશીર્વાદરૂપ

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે ત્યારે લાખો જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના, આ યોજના થકી અનેક જરૂરિયાતમંદ લોકોના પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયાં છે ત્યારે ગઢડાના રાધાકૃષ્ણ સોસાયટીના રહીશ શ્રી અલ્પેશભાઈ મકવાણાએ પ્રતિભાવ આપતાં કહ્યું કે, અમારા ઘરની પરિસ્થિતિ બહુ સારી ન હતી, અને છુટક મજુરી કરીને અમારા પરિવારનું ગુજરાત માંડ માંડ ચલાવતાં હતાં. અમારે રહેવા માટે કાચું મકાન હતું એટલે ચોમાસામાં ઘરમાં પાણી આવતું હતું, ટોયલેટની પણ વ્યવસ્થા ન હતી એટલે પારાવાર તકલીફો વેઠવી પડતી હતી એટલે આવી પરિસ્થિતિમાં અમારા માટે ઘરના ઘરનું સ્વપ્ન એ સ્વપ્ન જ રહેતું હતું.

અલ્પેશભાઈ મકવાણા વધુમાં કહે છે કે, પીએમ આવાસ યોજના (શહેરી) હેઠળ પાકું આવાસ બનતા તેમનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બાંધકામ માટે રૂ.૩.૫૦ લાખની સહાય મળી છે, જેમાં ખૂટતી રકમ ઉમેરીને મકાનને સુવિધાયુક્ત બનાવ્યું છે. અમારા પોતાના પાક્કા આવાસની ચિંતા દૂર થતાં હવે અમે વધુ સારી રીતે રહી શકીએ છીએ અને વધુ મહેનત કરી શકીએ છીએ. સરકારની આ યોજના વગર આવું પાકું ઘર બનાવવું અમારા માટે શક્ય ન હતું. અમારા પોતાની માલીકીના ઘરમાં હવે અમે સુખેથી રહીએ છીએ. સહાય આપવા બદલ સરકારશ્રીનો આભાર અલ્પેશભાઈ મકવાણાએ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.