ગોપાલ પાર્કમાં નિવૃત આર્મીમેનના બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરોઃ પોણા ત્રણ લાખની ચોરી - At This Time

ગોપાલ પાર્કમાં નિવૃત આર્મીમેનના બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરોઃ પોણા ત્રણ લાખની ચોરી


રાજકોટ તા. ૨૭ઃ મવડીની અંકુર સોસાયટી મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં રહેતાં નિવૃત ફોૈજીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો આશરે પોણા ત્રણેક લાખની માલમત્તા ચોરી ગયા છે. એટલુ જ નહિ કપડા, સાબુ, શેમ્પુ, બિસ્કીટ, નમકીન સહિતની ચીજવસ્તુ પણ લઇ ગયા છે.
જાણવા મળ્યા મુજબ ગોપાલ પાર્કમાં જય મુરલીધર નામના મકાનમા રહેતાં નિવૃત મિલ્ટ્રીમેન કલ્પેશભાઇ વીરાભાઇ લોખીલ (ઉ.વ.૩૮)ના મકાનમાં ચોરી થયાની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૃ કરી હતી. કલ્પેશભાઇ લોખીલે જણાવ્યું હતું કે પોતે ગત ડિસેમ્બર મહિનામાં મિલ્ટ્રી સેવામાંથી નિવૃત થયા છે.
ગઇકાલે રવિવારની રજા હોઇ પોતે તથા પોતાના ભાઇના પરિવારના સભ્યો મળી બગદાણા અને ઉંચા કોટડા સહિતના ધામિર્ક સ્થળોના દર્શન કરવા માટે વહેલી સવારે ઘરને તાળા લગાવીને નીકળ્યા હતાં. આજે સવારે સાડા દસેક વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની ખબર પડી હતી. તસ્કરો કબાટમાંથી રોકડા ૨.૩૦ લાખ, અડધા કિલો જેટલા ચાંદીના દાગીના, પોણા બે તોલા જેટલા સોનાના દાગીના ચોરી ગયા છે.
કલ્પેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે તસ્કરો રોકડ, દાગીના લઇ ગયા એ ઉપરાંત ઘરમાંથી મહિલા સભ્યોના કપડા, બાળકોના કપડા, બિસ્કીટ, નાસ્તો, સાબુ, શેમ્પુ, સ્પ્રે, ત્રણ જેટલી કિમતી કાંડા ઘડીયાળ પણ ચોરી ગયા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. જ્યાં ચોરી થઇ એ શેરીમાં કયાંય કેમેરા નથી. આસપાસના રસ્તાઓ પર કેમેરા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.