રાજકોટ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ અંગે આયોજીત બેઠકમાં કલેક્ટરશ્રી ઓનલાઈન જોડાયા. - At This Time

રાજકોટ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ અંગે આયોજીત બેઠકમાં કલેક્ટરશ્રી ઓનલાઈન જોડાયા.


રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૨૩,૨૪,૨૫ જૂન દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. આ અંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં સચિવાલય ગાંધીનગર ખાતે બ્રીફીંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જીલ્લા કક્ષાએથી જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ વિડિયો કોન્ફરન્સ મારફતે સામેલ થયા હતા. આ બેઠકમાં શિક્ષણમંત્રીશ્રીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, જી-શાળા એપ જેવા વિવિધ પ્રકલ્પોની સફળતા દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પાયો મજબૂત કર્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં વિદ્યાર્થીઓને પડેલી મૂંઝવણમાંથી તેઓને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. હાલમાં રાજ્યની શાળાઓમાં હાલમાં આશરે ૨૧ હજાર જેટલા ઓરડા બની રહ્યા છે. બાળકોની જરૂરિયાતો અને પ્રતિભાવો રાજય સરકાર સુધી પહોંચે તો વ્યવસ્થામાં સુધારો કરી પ્રગતિ સાધી શકાય. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ચલાવેલા ગ્રોથ એન્જીનને વધુ ઝડપી બનાવવા શિક્ષણ ક્ષેત્રમાં વિકાસ થવો અત્યંત આવશ્યક છે. આથી શાળા પ્રવેશોત્સવના ૩ દિવસ દરમિયાન છેવાડાના ગામના બાળકોને શિક્ષણથી વંચિત ન રહી જાય, તેવી કામગીરી કરી શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ પાર પાડવા ઉપસ્થિત અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સૂચના આપી હતી. શિક્ષણ વિભાગના સચિવશ્રી દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦માં નામાંકન વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી સહિતની બાબતોની સમીક્ષા તેમજ વર્ષ ૨૦૨૨ની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓને દરેક તાલુકાના ક્લસ્ટરવાઈઝ શાળાઓની ફાળવણી, CRC ની રીવ્યુ બેઠકનું આયોજન રૂટની યાદી, શાળા પસંદગીના ધોરણો, કીટનું વિતરણ કુમાર-કન્યા વચ્ચે ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો, બાળકોના નામાંકનની સમિક્ષા, લર્નિંગ લોસ માટે સમયદાન વર્ષ ૨૦૧૯-૨૦માં વિદ્યાર્થીઓનું શાળામાં ૧૦૦% નામાંકન, ૧૦૦% એનરોલમેન્ટ, ૧૦૦% ઓનલાઇન હાજરીના પ્રયાસ, સંત્રાત પરીક્ષાઓની સુચારુ કામગીરી સહિતના મુદ્દાઓ અંગે આવરી લીધા હતા. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા આયોજન અધિકારીશ્રી નીતિનભાઈ ટોપરાની, નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલ સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.