*ફરજ દરમિયાન દીકરી સાચવવાની ચિંતા ટળી :- લીનાબહેન મકવાણા* ———
*ફરજ દરમિયાન દીકરી સાચવવાની ચિંતા ટળી :- લીનાબહેન મકવાણા*
---------
ગીર સોમનાથ,તા.૭: બદલાતાં સમય સાથે ઘરના બે છેડા ભેગા કરવા માટે આજે પુરુષો સાથે મહિલાઓ પણ ખભેખભો મિલાવીને ધંધો-રોજગાર કરી રહી છે. ખાસ કરીને, સરકારી નોકરી કરતી મહિલાઓના પતિ પણ નોકરી કે ધંધો કરતા હોવાના કારણે બાળકો પર પતિ કે પત્ની બન્નેમાંથી કોઈ પૂરતું ધ્યાન આપી શકતાં નથી. વળી, આજકાલ વિભક્ત કુટુંબના કારણે આવાં નાના બાળકોને સાચવવાં માટે ઘરનાં નાના-નાની, દાદા-દાદી વગેરેની ખોટ સાલી રહી છે. તેવા સમયે સરકારી નોકરી કરતી મહિલાઓને પોતાના બાળકોને કેવી રીતે સાચવવાં એ મોટો યક્ષપ્રશ્ન બની રહે છે.
તેવા સમયે આવી વર્કિંગ વૂમનની મુશ્કેલી સમજીને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના કાર્યસ્થળ એવા કલેક્ટર કચેરી ખાતે જ ઘોડિયાઘરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી મહિલાઓ નોકરીના સમયગાળા દરમિયાન પોતાના બાળકને આ ઘોડિયાઘરમાં નિશ્ચિંત થઈને રાખી શકશે.
આ અંગે કલેક્ટર કચેરીમાં કાર્યરત સંકલિત બાળ વિકાસ એકમમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત લીનાબહેન મકવાણાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘોડિયાઘર શરૂ થયા પછી મારી દીકરીને સાચવવાની ચિંતામાંથી મને મુક્તિ મળશે અને હું શાંતિથી મારૂ કામ કરી શકીશ.
આ ઉપરાંત, કલાક દર કલાકે બાળકને પણ માતાની જરૂરિયાત વર્તાતી હોય છે. ત્યારે હું વચ્ચે-વચ્ચે મારી બાળકીને પણ મળી શકીશ. જેથી તે પણ શાંતિથી ઘોડિયાઘરમાં રહી શકે, વળી મારી બાળકી સાથે તેના જેવા જ અન્ય બાળકો ઘોડિયાઘરમાં હોવાથી એકબીજા સાથે સારી રીતે સમય પસાર કરી શકશે.
આ ઘોડિયાઘરમાં બાળકોને ગમે તેવા રમકડાં, બાળકોને ગમે તેવા કાર્ટૂનચિત્રો સાથે વાતાનુકૂલિત ઘોડિયાઘર બનાવવામાં આવ્યું છે. જેથી આવી ગરમીમાં પણ મારી બાળકીને રાહત મળશે. જિલ્લા વહીવટી તંત્રએ આવી વ્યવસ્થા ઉભી કરીને મારા જેવી વર્કિંગ વૂમનની નોકરીના સમયગાળા દરમિયાન બાળક સાચવવાની જવાબદારીમાંથી મુક્તિ અપાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.