6 સેક્ટર 600થી વધુ પોલીસ જવાન સુરક્ષાનો મોરચો સંભાળશે - At This Time

6 સેક્ટર 600થી વધુ પોલીસ જવાન સુરક્ષાનો મોરચો સંભાળશે


સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો જેની રાહ રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રભરના લોકો જોતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મેળાનો લ્હાવો માણતા હોય છે. ત્યારે આગામી તા.24થી 28ના યોજાનાર લોકમેળામાં શહેરીજનો અને બહારથી મેળો માણવા આવતા લોકો સુરક્ષીત રીતે મેળાની મજા લઇ શકે તે માટે શહેર પોલીસ દ્વારા લોકમેળામાં ચકલુ પણ ન ભરકે તેવો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. જેમાં અલગ-અલગ 6 સેક્ટર પાડવામાં આવ્યા છે. જેમાં ડીસીપી, 2 એસીપી, 12 પીઆઇ, 40 પીએસઆઇ સહિતના 600થી વધુ પોલીસ જવાનો સુરક્ષાનો મોરચો સંભાળશે.
થોડા સમય પહેલા જ અગ્નિકાંડ જેવી દુર્ઘટના રાજકોટવાસીએ જોઇ છે અને તંત્ર પણ હવે આવી દુર્ઘટના ન ઘટે તે માટે ખાસ પોલીસને વધુ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા પણ પોતાની કાર્યશૈલી મુજબ લોકમેળો શહેરીજનો કોઇ વિઘ્ન વગર માણી શકે તે માટે સજ્જ થયા છે.
પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડીસીપી જગદીશ બાંગરવા અને ટીમે લોકમેળાના બંદોબસ્તની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ લોકમેળા ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં હાલ અંદાજીત બે એસીપીની રાહબરીમાં 12 પીઆઇ, 40 પીએસઆઇ અને 600 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
જેમાં ખાસ રોમીયો સ્કવોડની રચના કરવામાં આવી છે. જે મેળામાં આવતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કે પજવણી કરતાં લુખ્ખાઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવશે. તેમજ લોકોના ખીસ્સા કાપી તેમાં રહેલા પર્સ, મોબાઇલ, રોકડ સહિતની કિંમતી વસ્તુઓ ચોરી કરી નાસી છૂટતા ખીસ્સા કાતરુઓ ઉપર પોકેટ સ્કવોડ નજર રાખશે તેમજ 24 વોર્ચસ ટાવર બનાવવામાં આવશે.
જે આકાશી તેમજ જમીની સુરક્ષાની જવાબદારી સંભાળશે તેમજ મેળામાં વધુ પડતા થતાં ટ્રાફીક પર પણ વોચ રાખશે. ઉપરાંત મેળામાં આવતા નાના બાળકો જો ગુમ થઇ જાય તો તેના માટે પણ એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે સી-ટીમ પણ ખડે પગે રહેશે તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ફરતે બેસતા ફેરીયાઓ લોકોને હાલવા-ચાલવામાં મુશ્કેલીરૂપ ન થાય તે માટે પણ ખાસ સ્કવોડની રચના કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.