બોટાદ પી.બી.એસ.સી સેન્ટરે દંપતીનો 23 વર્ષનો ઘરસંસાર તૂટતો બચાવ્યો
બોટાદ પી.બી.એસ.સી સેન્ટરે દંપતીનો 23 વર્ષનો ઘરસંસાર તૂટતો બચાવ્યો
પી.બી.એસ.સી સેન્ટરના નિરંતર પ્રયત્નો થકી દંપતી અને તેમના સાત સંતાનોનું ભાવિ બગડતા અટક્યુ બોટાદમાં પી.બી.એસ.સી સેન્ટરે એક દંપતીનું પુન: મિલન કરાવ્યું છે. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દંપતી વચ્ચે કામ બાબતે રકજક થતાં પત્ની પિયર જતી રહી હતી, ત્યારે પુરુષ અરજદારે સામાજિક કાર્યકરની સલાહ અનુસરીને બોટાદ પી.બી.એસ.સી સેન્ટરની મદદ લીધી હતી અરજદારના પત્નીને કાઉન્સિલિંગ માટે પી.બી.એસ.સી સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા. મહિલાને કાઉન્સિલિંગ દરમિયાન પી.બી.એસ.સી સેન્ટર દ્વારા માનસિક સાંત્વના આપવામાં આવી અને બંને પક્ષ સાથે જૂથ મિટિંગ યોજી કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પી.બી.એસ.સી સેન્ટરે સાત સંતાનો ધરાવતા આ દંપતી અને તેમના પરિવારનું લાંબા ગાળાનું કાઉન્સિલિંગ કર્યું હતું અને આખરે બંને પક્ષો વચ્ચે સુ:ખદ સમાધાન કરવામાં આવ્યું હતું. અરજદારે પત્ની અને સંતાનોનું સારી રીતે ધ્યાન રાખશે તેવી લેખિત બાંહેધરી આપતા પત્નીએ રાજીખુશીથી પતિના ઘરે જવાનો નિર્ણય લીધો હતો પી.બી.એસ.સી દ્વારા અઠવાડિયામાં બે વાર આ દંપતીનું ટેલિફોનિક ફોલોઅપ લેવામાં આવે છે, તેમજ 15 દિવસે સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. જે દરમિયાન આ દંપતી પરિવારમાં કોઈ જ તકલીફ ન હોવાનો સંતોષ વ્યક્ત કરી રહ્યું છે. આમ, પી.બી.એસ.સી સેન્ટરના નિરંતર પ્રયત્નો દ્વારા આ દંપતીનું અને તેમના સાત સંતાનોનું ભાવિ બગડતા અટક્યું છે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી ઈજાજ મન્સૂરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવેના દેખરેખ હેઠળ કાર્યરત છે, સાથોસાથ મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ શ્રી આઈ. બી. જાડેજા દ્વારા કાઉન્સિલિંગમાં જરૂર જણાય ત્યારે અરજદારોની વ્યથા સાંભળી તેનું નિરાકરણ લાવવામાં સંભવિત તમામ પ્રયાસો કરવામાં આવે છે, આ સાથે જ પી.બી.એસ.સી કાઉન્સેલર રીનાબેન વ્યાસ તેમજ રિંકલબેન મકવાણા અરજદારોને કાયદાકીય મદદ કરી પૂરતો સહયોગ આપી કર્મનિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.