કાલે સ્ટે.કમીટીની બેઠક : પ્રજા પર કરબોજ વધારતું અંદાજપત્ર ફાઇનલ - At This Time

કાલે સ્ટે.કમીટીની બેઠક : પ્રજા પર કરબોજ વધારતું અંદાજપત્ર ફાઇનલ


રાજકોટ મનપાનું નવા નાણાંકીય વર્ષનું કમિશ્નરે શાસકો સમક્ષ રજૂ કરેલું 101 કરોડના નવા કરબોજ સાથેનું અંદાજપત્ર કાલે ભાજપ શાસકો ફેરફાર સાથે મંજૂર કરવાના છે. કાળઝાળ મોંઘવારી, કોરોના કાળની થપાટ, દૂધથી માંડી સ્કુલ ફીના મોટા આર્થિક બોજ સહિતના સંજોગોમાં ભાજપ શાસકો પણ કોર્પો.નું ગાડુ ગબડાવવાની ઉંડી ચિંતામાં હોય તેમ કાલે થોડા ઘટાડા સાથે પણ અર્ધા કરબોજ મંજૂર કરીને પ્રજાના બીલમાં ચડાવે તેવી પૂરી શકયતા છે. કાલે સવારે 10.30 કલાકે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટે.કમીટીની બેઠક મળશે અને તેમાં અંદાજપત્રને મંજુરી આપીને જનરલ બોર્ડ તરફ રવાના કરવામાં આવશે.
જોગાનુજોગ કહો કે સરકાર (પાર્ટીલાઇન)ની સુચના, રાજયના તમામ કોર્પોરેશનના કમિશ્નરોએ રજૂ કરેલા બજેટમાં કરબોજ વધારા મુકવામાં આવ્યા હતા. તેમાં બે દિવસ પહેલા જૂનાગઢ કોર્પો.એ કમિશ્નરે મુકેલા 36 કરોડના કરબોજમાંથી 18 કરોડના વેરા મંજુર કર્યા હતા. પાણી વેરામાં વધારો કર્યો ન હતો તો આજે જામનગર કોર્પો.ના શાસકોએ પણ 53 કરોડની વેરા વધારાની દરખાસ્ત સામે 23 કરોડનો વેરો વધારો કરીને અર્ધાથી વધુ બોજ તો મંજૂર કર્યો જ છે. આ પેટર્ન મુજબ રાજકોટ કોર્પો.ના શાસકો પણ આગળ વધે તેમ છે.
શહેરમાં હાલ પાણી વેરો રહેણાંકમાં વાર્ષિક રૂા.840 અને કોમર્શિયલમાં 1680 છે. કમિશ્નરે રહેણાંકમાં રૂા. ર400 અને કોમર્શિયલમાં રૂા.4800 વોટર ચાર્જ મુકવા દરખાસ્ત કરી છે. પાણી વેરામાં ત્રણ ગણો વધારો પ્રજાને ડામ જેવો પડે તેમ છે. પરંતુ 2008-09 બાદ આ ચાર્જ વધ્યો ન હોય અને કુલ આવક કરતા વાર્ષિક ખર્ચ ચાર ગણુ જેટલુ થતું હોય, શાસકો રૂા. 1600 આસપાસ પાણીવેરો મંજુર કરે તેવી શકયતા છે. સ્ટે.કમીટીમાં આ મામલે મોટા ભાગે ઓકેની ચર્ચા પણ થઇ ગઇ છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન હાલ રહેણાંકમાં રૂા.365 અને કોમર્શિયલમાં રૂા.730 છે. આ વેરો પણ ડબલ કરવા ભલામણ કરવામાં આવી હતી. નવા વર્ષના 2586.82 કરોડના બજેટમાં પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ સુચવવામાં આવ્યો છે. બિન રહેણાંક અને તે પણ 500 ફુટ ઉપરની કોમર્શિયલ મિલ્કતમાંથી 7 કરોડની આવકનો અંદાજ મુકાયો છે. ખુલ્લા પ્લોટ પર 10 કરોડ અને થિયેટર પર દોઢ કરોડનો ટેકસ વધારવામાં આવ્યો છે.
મિલ્કત વેરામાં રહેણાંકમાં પ્રતિ ચો.મી. રૂા.11ના બદલે રૂા. 13 અને દુકાનોમાં રૂા. 25નો દર લાગુ કરીને પ્રોપર્ટી ટેકસ પણ વધારવા ભલામણ કરવામાં આવી છે. તો જુના બાકીદારો માટે ટેકસમાં હપ્તાની યોજના પણ કમિશ્નરે મુકેલી છે. એકંદરે પાણી વેરામાં 26 કરોડ, મિલ્કત અને ગાર્બેજ કલેકશનમાં 56.65 કરોડ, ખુલ્લા પ્લોટ પર 10 કરોડ, થિયેટર ટેકસમાંથી 1.5 કરોડની આવક વધારવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે. સામે કમિશ્નરે 471 કરોડના વેરા સહિતની આવક અને અંદાજો સાથે વાસ્તવિક બજેટમાં મર્યાદિત યોજનાઓ જોડી છે. કાલે સવારે 10 વાગ્યે ભાજપ સંકલન, 10.30 કલાકે સ્ટે.કમીટીની બેઠકમાં બજેટ મંજુર કરાશે.
તે બાદ 11 વાગ્યે ચેરમેન પુષ્કર પટેલ નવા નાણાંકીય વર્ષના અંદાજપત્રને મંજૂર કરી જનરલ બોર્ડ સમક્ષ મુકશે. કાલે જ જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડે અને તા.17ના રોજ સભા બોલાવાય તેવી શકયતા છે. સાથે જ લોકો માટે કેટલીક યોજના જાહેર થવાની પણ શકયતા છે. બજેટ અને રીવાઇઝ બજેટ સાથે ટેકસમાં વન ટાઇમ સેટલમેન્ટ યોજના, ર0ર3-24માં એડવાન્સ વેરામાં વળતર, ઓનલાઇન ટેકસમાં વધુ વળતરની દરખાસ્તો પણ મંજૂર કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.