60 વર્ષ પછી કેનેડી હત્યાની યાદ અપાવી:યુએસના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને કેનેડી પરના હુમલાની સામ્યતા, અંતર, સ્થળ અને મોડસ ઓપરેન્ડી એકસરખાં - At This Time

60 વર્ષ પછી કેનેડી હત્યાની યાદ અપાવી:યુએસના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને કેનેડી પરના હુમલાની સામ્યતા, અંતર, સ્થળ અને મોડસ ઓપરેન્ડી એકસરખાં


અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચાર વખતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયાના બટલરમાં ફાયરિંગથી હુમલો થયો. ટ્રમ્પ ચૂંટણી રેલી સંબોધી રહ્યા હતા એ સમયે નજીકની ઈમારત પરથી હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતાં એક ગોળી ટ્રમ્પના કાનને અડીને પસાર થઈ અને લોહીનો રેલો ટ્રમ્પના ગાલ પર આવ્યો હતો. આ ઘટનાએ 60 વર્ષ અગાઉ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીની હત્યાની યાદ અપાવી. આવો જાણીએ ટ્રમ્પ પરના હુમલા અને કેનેડીની હત્યા કેસ અંગેની સામ્યતા... 1- ચૂંટણી પ્રચાર વખતે જ થયો હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે નજીકની જ એક ઈમારત પરથી હુમલાખોરે તેમના પર ફાયરિંગ કર્યું અને ઘાયલ થયા. કેનેડીઃ ટેક્સાસના ડગલાસમાં ડીલી પ્લાઝામાંથી મોટર કાફલામાં જ્હોન એફ. કેનેડી જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી. એ સમયે, પ્રમુખ જ્હોન એફ. કેનેડી અને તેમના રાજકીય સલાહકારો આગામી પ્રમુખપદની ઝુંબેશની તૈયારી કરી રહ્યા હતા. જોકે તેમણે ઔપચારિક રીતે તેમની ઉમેદવારીની જાહેરાત કરી ન હતી, પરંતુ તે સ્પષ્ટ હતું કે રાષ્ટ્રપતિ કેનેડી ચૂંટણી લડવાના હતા. 2- ટ્રમ્પ અને કેનેડી પર 70-80 મીટર ડિસ્ટન્સથી થયું ફાયરિંગ
ડોનાલ્ડ ટ્રમ્પઃ પેન્સિલ્વેનિયાના બટલરમાં ચૂંટણી રેલીમાં ટ્રમ્પ સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના પર નજીકની જ એક ઈમારત પરથી હુમલાખોરે ફાયરિંગ થયું હતું. જેમાં તેઓ ઘાયલ થયા. હુમલાખોર અને ટ્રમ્પના સ્ટેજ વચ્ચેનું અંતર લગભગ 70-80 મીટર જેટલું હતું.
કેનેડીઃ ટેક્સાસના ડગલાસમાં મોટર કાફલામાં જ્હોન એફ. કેનેડી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઊંચી બિલ્ડિંગ પરથી હુમલાખોરે તેમના પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી હતી. હુમલાખોર અને કેનેડી વચ્ચેનું અંતર લગભગ 81 મીટર જેટલું હતું. 3-બંને પૂર્વ પ્રમુખો પર છત પરથી જ હુમલો થયો
ડોનાલ્ડ ટ્રમ્પઃ પેન્સિલ્વેનિયાના બટલરમાં ચૂંટણી રેલી વખતે ટ્રમ્પ પર નજીકની એક બિલ્ડિંગની છત પરથી હુમલાખોરે ફાયરિંગ કર્યુ હતું.
કેનેડીઃ ટેક્સાસના ડગલાસમાં કાફલામાં કેનેડી પસાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરે ઊંચી બિલ્ડિંગની છત પરથી જ ગોળીબાર કરી તેમની હત્યા કરી હતી. 4 - ટ્રમ્પ અને કેનેડી પર ફાયરિંગ કરનારાને ઠાર કરાયા
ડોનાલ્ડ ટ્રમ્પઃ અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર હુમલાખોરને સિક્રેટ સર્વિસના એજન્ટોએ તત્કાળ ઠાર કર્યો હતો.
કેનેડીઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના હત્યારાની એક નાઈટ ક્લબના માલિકે હત્યા કરી હતી. કેનેડીની હત્યા પછી હુમલાખોરને બે દિવસ પછી મોતને ઘાટ ઉતારાયો હતો. સૌથી નાની વય અને વયોવૃદ્ધ પૂર્વ પ્રમુખ પર હુમલો કેનેડી અને ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી પ્રચાર વખતે જ હુમલો થયો હતો. જેમાં કેનેડી અને ડોનાલ્ડની વયમાં લગભગ 45 વર્ષનો તફાવત છે. ડોનાલ્ડ ટ્રમ્પની વય 78 વર્ષ છે. તેઓ ચૂંટણી પ્રચાર વખતે તેમના પર ફાયરિંગ થતા તેઓ ઘાયલ થયા. આજથી બરાબર 60 વર્ષ અગાઉ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ. કેનેડી પર ગોળીબાર કરીને તેમની હત્યા નિપજાવાઈ હતી. એ સમયે કેનેડીની વય 46 વર્ષ હતી. દુનિયાના મોટા નેતાઓ પર થયેલા જીવલેણ હુમલા સ્લોવાકિયાના પીએમ પર જીવલેણ હુમલો
આ વર્ષે મે મહિનામાં સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે ફિકો પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ફિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફિકો પર હુમલો રાજધાની બ્રાતિસ્લાવાથી લગભગ 180 કિલોમીટર દૂર હેન્ડલોવામાં થયો હતો, જ્યારે પીએમ ફિકો સરકારી મીટિંગ સમાપ્ત કર્યા પછી એક સાંસ્કૃતિક સમુદાય કેન્દ્રમાં લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. હુમલામાં જાપાનના પીએમનો જીવ ગયો
8 જુલાઈ, 2022ના રોજ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલામાં આબેનું મૃત્યુ થયું હતું. આબે જ્યારે નારા શહેરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા. કહેવાય છે કે હુમલાખોરે આબે પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ આબેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર પણ હુમલો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાન પર આ હુમલો 3 નવેમ્બર 2022ના રોજ થયો હતો. આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈમરાન ખાન ઉપરાંત 14 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. બેનઝીર ભુટ્ટોની પણ પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી
પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોની પણ 27 ડિસેમ્બર 2007ના રોજ હત્યા કરવામાં આવી હતી. જ્યારે ભુટ્ટો પર હુમલો થયો ત્યારે તે પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્રચાર કરી રહ્યાં હતાં. આ હુમલો ત્યારે થયો જ્યારે ભુટ્ટો પોતાનું ભાષણ આપ્યા બાદ ચૂંટણી રેલીમાંથી બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. દરમિયાન હુમલાખોર તેમની નજીક આવ્યો અને તેમને ગોળી મારી દીધી. ઈન્દિરા ગાંધીની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના જ બે બોડીગાર્ડ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડને અંજામ આપનારા હુમલાખોરો ઓપરેશન બ્લુ સ્ટારથી નારાજ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.