પરિણામના 6 દિવસ બાદ પાકિસ્તાને મોદીને અભિનંદન પાઠવ્યા:PM શાહબાઝે લખ્યું- શપથ ગ્રહણ પર શુભેચ્છાઓ; અગાઉ કહ્યું હતું કે સરકાર બનશે પછી જ હું કંઈક કહીશ - At This Time

પરિણામના 6 દિવસ બાદ પાકિસ્તાને મોદીને અભિનંદન પાઠવ્યા:PM શાહબાઝે લખ્યું- શપથ ગ્રહણ પર શુભેચ્છાઓ; અગાઉ કહ્યું હતું કે સરકાર બનશે પછી જ હું કંઈક કહીશ


ચૂંટણી પરિણામોના 6 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન તરફથી અભિનંદન મળ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોદીને એક લીટીનો અભિનંદન સંદેશ આપ્યો અને લખ્યું, 'નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.' શાહબાઝ શરીફ શનિવારે જ ચીનના પ્રવાસેથી પાકિસ્તાન પરત ફર્યા હતા. અગાઉ જ્યારે ભારતના ચૂંટણી પરિણામો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે સરકાર બનવા સુધી રાહ જોઈશું. એ પછી કંઈક કહીશું. ભારત સાથેના તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છીએ
ભારતમાં નવી સરકાર અંગે પાકિસ્તાને કહ્યું હતું કે તે તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. તે કોઈપણ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે શુક્રવારે કહ્યું હતું કે, "ભારતના નિવેદનબાજી અને તમામ મુશ્કેલીઓ છતાં અમે જવાબદાર વલણ અપનાવ્યું છે." મુમતાઝે વધુમાં કહ્યું, "અમે જમ્મુ અને કાશ્મીર વિવાદ સહિત ભારત સાથેના તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છીએ. અમે શાંતિપૂર્ણ રીતે આગળ વધવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમને આશા છે કે બંને દેશોમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભારત વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલવાના પ્રયાસ કરશે. 'ભારત-પાકિસ્તાન સંબંધોનો વિશેષ ઇતિહાસ છે'
છેલ્લા 4 મહિનામાં પાકિસ્તાનના અલગ-અલગ મંત્રીઓએ ભારત સાથે સંબંધો સુધારવાને લઈને અનેકવાર નિવેદનો આપ્યા છે. એપ્રિલમાં સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે. તેમણે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન સંબંધોનો પોતાનો એક ખાસ ઈતિહાસ છે. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ પરિસ્થિતિ બદલાય તેવી આશા છે. અગાઉ 23 માર્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર ફરીથી શરુ કરવા માંગે છે. સરકાર આ મામલે સંબંધિત લોકોની સલાહ લઈને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે. PAK મંત્રીએ કહ્યું- મોદીને હરાવવા જ પડશે, તેનાથી ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરશે
બીજી તરફ, લોકસભા ચૂંટણીના પરિણામોના થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી આ ચૂંટણી હારી જાય. ફવાદે કહ્યું હતું કે પાકિસ્તાનમાં દરેક લોકો આવું જ ઈચ્છે છે. ભારત-પાકિસ્તાનના સંબંધો ત્યારે જ સુધરશે જ્યારે બંને દેશોમાં આતંકવાદ ખતમ થશે, ફવાદે વધુમાં કહ્યું હતું કે ભારતમાં આરએસએસ અને ભાજપ સતત લોકોના દિલમાં પાકિસ્તાન પ્રત્યે નફરત ભરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીની વિચારસરણી કટ્ટરપંથી છે. તેમના માટે પરાજિત થવું ખૂબ જ જરૂરી છે. જે કોઈ પણ તેને હરાવે, પછી તે રાહુલ હોય, કેજરીવાલ હોય કે મમતા બેનર્જી, તેમની સાશે અમારી શુભેચ્છા છે. કલમ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વધુ ખરાબ થયા છે
ભારતની કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. આ કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. તેને નાબૂદ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી ગયા હતા. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરી લગુ નહીં થાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહીં થાય. અહીં ભારતે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાતચીતનો સવાલ જ નથી. ત્યારથી લઈને ચાર વર્ષ પછી 5મી ઓગસ્ટે પાકિસ્તાન દેશભરમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.