ભગવતીપરામાં બે શખ્સોનો છરી લઈ આતંક:બે લૂંટને અંજામ આપ્યો - At This Time

ભગવતીપરામાં બે શખ્સોનો છરી લઈ આતંક:બે લૂંટને અંજામ આપ્યો


રાજકોટના ભગવતીપરામાં આવેલા સુખસાગર હોલ પાસે ગઈકાલે બપોર દરમિયાન બે કલાકમાં બે લૂંટના બનાવ બનવા પામ્યા હતા ભગવતીપરામાં જ રહેતા બે શખ્સોએ એક વ્યક્તિ પાસેથી રોકડ અને રીક્ષા સહિત રૂ.2.60 લાખની મતા અને બીજી લૂંટમાં મુસ્લિમ આધેડને છરી બતાવી રૂ.7500ની રોકડ લૂંટી લીધાની ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ ફરિયાદમાં સુખસાગર હોલ પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાળોદરા(ઉ.વ.30) એ ફરિયાદમાં ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતા સલીમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર તેમજ સુખસાગર હોલ પાસે રહેતો સાવન મીઠાભાઈ પરમાર નું નામ આપતા બંને વિરુદ્ધ લૂંટ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે સકંજામાં લેવા તજવીજ આદરી છે.મહેન્દ્રભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારે બજાજ કંપનીની રીક્ષા જીજે03 બીએક્સ 9500 હોય તેનું ડ્રાઈવિંગ કરી પેસેન્જરનાં ફેરા કરી મારું તથા મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.આ રીક્ષા મારા ભાઈ જગદીશભાઇ ગોવિંદભાઈ વોળદરાનાં નામે છે.
આ રીક્ષા ત્રણ મહીના પહેલા રોકડેથી ખરીદી હતી. ગઈકાલે તા.02/11 ના બપોરનાં અઢી વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા લઇને ભગવતીપરા સુખસાગર સોસાયટી શેરી નં.05 નાં ખુણા પાસે ચોકમાં પેસેન્જરની રાહ જોઈને ઉભો હતો.ત્યારે ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતો સલીમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર તથા ભગવતીપરા સુખસાગર હોલ પાસે રહેતો સાવન મીઠાભાઇ પરમાર મારી પાસે આવી મારી રીક્ષામાં બેસી ગયેલા અને સલીમ ઉર્ફે સલ્લુબાપુએ મને કહેલ કે તું અમને સુખસાગર હોલ પાસે આવેલ ભારત પાન પાસે ઉતારીજા તેમ કહેતા મેં મારી રીક્ષા ચાલુ કરી ભારત પાન ભગવતીપરા તરફ લઈ જતા આ બંને જણાએ મને કહેલ કે હવે તું રીક્ષા સુખસાગર હોલ પાછળ લઈલે અમારે ત્યાં કામ છે તેમ કહેતાં મેં ત્યાં ઉભી રાખતા પાછળની સીટમાં બેસેલ સલીમ ઉર્ફે સલ્લુબાપુએ મારું ગળું પાછળ થી પકડી અને સાવન પરમાર મને માથામાં જાપટો મારવા લાગ્યો હતો.
આ સલીમ ઉર્ફે સલ્લુબાપુએ મને કહેલ કે તારી પાસે જેટલા પૈસા હોય તેટલા આપીદે તેમ કહેતા મે તેમને કહેલ કે મારી પાસે કોઈ પૈસા નથી તેમ કહેવા છતાં સલીમ ઉર્ફે સલ્લુબાપુએ મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો અને સાવન પરમારે તેની પાસે રહેલી છરી કાઢેલી અને બંને જણાએ મને પકડી મારા શર્ટનાં ખીસ્સામાં રાખેલા ધંધાનાં તથા મોબાઈલ લેવાનાં રાખેલા રૂ.10,000 કાઢી લીધેલા અને હું રીક્ષામાંથી નીચે ઉતરી ભાગવા જતાં સલીમ ઉર્ફે સલ્લુબાપુએ મને પકડી અને સાવન પરમારે તેની પાસે રહેલ છરીનાં હાથાનાં ઉંધા બે ત્રણ ઘા મને મોઢા ઉપર મારેલા અને સાવન પરમારે તથા સલીમે આપી રોકડ અને રીક્ષા સહિત રૂ.2.60 લાખની લૂંટ ચલાવી હતી.બીજી ફરિયાદમાં ભગવતીપરા મા જય પ્રકાશ નગર હુસેની ચોક પાસે આવેલી ગોવિંદભાઈ ની વાડી પાસે રહેતા મુનીરભાઈ બસીરભાઇ તરીયા(ઉ.વ.45) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સરકારી હોસ્પીટલ ખાતે કોન્ટ્રાક્ટ બેઝથી પટ્ટાવાળા તરીકે નોકરી કરી મારૂ ગુજરાન ચલાવુ છું.
તા.02/11ના સવારના દસેક વાગ્યે સલીમ હનીફભાઇ ફકીર મારા ઘરે આવ્યો હતો અને મારા પત્ની તથા મારી દીકરી ઘરે એકલા હતા ત્યારે મારી પત્ની પાસે એક હજાર રૂપિયા માંગ્યા હતા.જેથી મારી પત્નીએ પુછેલ કે શેના હજાર રૂપિયા આપવાના? તો આ સલીમભાઇએ કહેલ કે મારા ઘરમા ગેસનો બાટલો નથી એટલે તું હજાર રૂપિયા સાંજના છ વાગ્યા સુધીમા આપી જાજે નકર જરાય મજા નહી આવે તેમ ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ હું ત્રણેક વાગ્યે ઘરે ગયેલ ત્યારે કરેલ અને હું ઘરે સુતો હતો ત્યારે આ સલીમભાઇ અને સાવનભાઈ મીઠાભાઇ પરમાર ઘરે આવ્યા હતા અને પૈસા આપવા બાબતેની ધમકીઓ આપીને જતા રહ્યા હતા.જેથી મારા પત્ની સબાનાબેન આ સલીમભાઇના ઘરે ગયેલ અને ત્યાં હાજર સલીમભાઇના પત્ની સબાનાબેનને કહેલ કે તમારા પતિ સલીમભાઇ મારી પાસે એક હજાર રૂપિયા માંગવા આવેલ અને સાંજ સુધીમા આપવાનું કહેલ છે તેમ કહેતા આ સલીમભાઇના પત્નીએ કહેલ કે તમે એની સાથે જ વાત કરી લ્યો.
બાદ મારા પત્ની અમારા ઘરે આવતા રહેલ અને પછી હું તથા મારા પત્ની સબાનાબેન તથા મારી દીકરી તમન્ના અમારા બાજુમા રહેતા મોસીનભાઇ અમારા સગા થતા હોય તેની ઘરે જતા રહ્યા હતા અને ત્યાં ઘરની બહાર ફરીથી આ સલીમભાઇ તથા સાવનભાઈ બન્ને આવતા હતા. અને પૈસાની માંગણી કરી મારી તથા મારા પત્ની સબાનાબેન તથા મારી દીકરી તમન્ના સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને કહેલ કે તું પૈસા નહી આપે તો હું તારી દીકરીને લઇ જઇશ અને તેની સાથે લગ્ન કરી લઇશ તેમ કહી મારા પત્નીના હાથમાંથી પર્સ ઝુટવી લઇ તેમાં રહેલા રૂ.7500 જે અમારા એક્સેસના હપ્તા ભરવા માટે રાખેલ હતા તે લૂંટી લીધા હતા અને અમારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમારી ભાગી ગયા હતા.આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઈ એચ.એમ.જાડેજા,સલીમભાઈ માડમ અને કેતનભાઈ પટેલ સહિતના સ્ટાફે બંને આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.