બોટાદ જિલ્લામાં પશુઓની વેદના સમજી ઉપચાર કરતી ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ
(અજય ચૌહાણ દ્વારા)
“જીવદયા એ જ સાચી માનવતા”ના સૂત્રને સાર્થક કરતા બોટાદ ખાતે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સના કર્મયોગીઓ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પશુપાલન ખાતું તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા બોટાદ જિલ્લામાં પશુ-પક્ષીઓની રક્ષા માટે કાર્યરત ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હંમેશા તત્પર છે. બોટાદમાં નરેન્દ્રભાઈ નામના જાગૃત નાગરીકના ઘર નજીક માદા શ્વાનને પ્રસૂતિમાં ગંભીર તકલીફ હતી. નાગરિકે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સને ફોન કરી મદદ માંગી. ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને શ્વાનને પશુ દવાખાને લઈ આવી. માદા શ્વાનનું એક મૃત બચ્ચું તેના ગર્ભાશયમાં ફસાઈ ગયું હતું જે બહાર કાઢવું ખૂબ મુશ્કેલભર્યુ હતું. પરંતુ ડો. અભિષેક શર્મા, ડો. હરપાલસિંહ ગીડા અને તેમની ટીમ દ્વારા સૂઝબૂઝથી આ મુશ્કેલભર્યુ કાર્ય સફળતાથી પાર પાડ્યું હતું. માદા શ્વાનની સર્જરી કરી મૃત બચ્ચાને તેના ગર્ભાશયમાંથી બહાર કાઢી અન્ય બચ્ચાઓને જીવીત બહાર કાઢી માદા શ્વાન અને તેના બચ્ચાઓને નવું જીવન આપ્યું હતું. ટીમ દ્વારા દર બે દિવસે માદા શ્વાનનું ડ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. ૧૯૬૨ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દ્વારા આવા રખડતા અને નિ:સહાય પશુ-પક્ષીઓના જીવ બચાવવા જેવા પુણ્ય કામમાં સહભાગી બનવા ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો તુરંત સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે. તા.૧૧ ઓકટોબર, ૨૦૧૮ના રોજ રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા અબોલ પશુ - પક્ષીઓની સારવાર અને નવજીવન આપવાના હેતુસર "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ"ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૯૬૨ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને જાગૃત નાગરિક અબોલ પશુઓની સારવાર માટે "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ"ને બોલાવી શકે છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ બિનવારસુ મુંગા જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે. તેમજ જો જરૂર જણાય તો સ્થળ પર જ પશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.