જસદણના ભાડલા ગામે તસ્કરોએ ટેલિફોન એક્સચેન્જને નિશાન બનાવ્યું: પોલીસ ફરિયાદ
જસદણના ભાડલા ગામે તસ્કરોએ ટેલિફોન એક્સચેન્જને નિશાન બનાવ્યું: પોલીસ ફરિયાદ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલ ટેલીફોન એકસચેન્જને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસના બારીના સળીયા તોડી ઓફિસમાં પ્રવેશ કરી બેટરી અને મોબાઈલ ટાવરના કાર્ડ સહિત 67 હજારની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કર ગેંગનું પગેરૂ દબાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ શારદાનગરમાં બીએસએનએલ કોલોનીમાં રહેતા રજનીશભાઈ હિંમતભાઈ ટાંક (ઉ.40)એ ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી બીએસએનએલમાં જુનિયર ટેલીકોમ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેઓની નીચે જસદણ અને ભાડલા એકસચેન્જ આવેલ છે જેનું કામકાજ તેઓ સંભાળી રહ્યાં છે.
ગત તા.3-12-2023નાં ફરિયાદીને તેજસભાઈ પરમારનો ફોન આવેલ અને જણાવ્યું કે ભાડલા ટેલિફોન એકસચેન્જમાં ચોરીનો બનાવ બનેલ છે જેની જાણ થતાં ફરિયાદી ભાડલા ટેલીફોન એકસચેન્જ ખાતે દોડી ગયા હતા અને તપાસ કરતાં ભાડલા ટેલીફોન એકસચેન્જના મેઈન દરવાજાની બાજુમાં આવેલ બારીના સળીયા તોડી ઓફિસમાં પ્રવેશ કરી 16 બેટરી અને ટ્રાન્સમિશન સીસ્ટમના જુદા જુદા કાર્ડ, ફીડલ કેબલ વાયર મળી 67 હજારની માલમત્તાની ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ભાડલા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કર ગેંગનું પગેરૂ દબાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.