પોરબંદરના જન સેવા કેન્દ્રમાં લોકોને વેઠવી પડતી હેરાનગતીને દૂર કરવા થઈ માંગ
*બે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાથી કામગીરી ખોરંભે ચડતા અગ્રણીઓ દ્વારા રૂબરૂ રજૂઆત થતા તાત્કાલિક એક ઓપરેટરની નિમણૂક કરી અપાઈ: સિક્યુરિટી ગાર્ડ મુકવા સહિત નાયબ મામલતદાર ની નિમણૂક કરવા પણ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રજૂઆત*
પોરબંદરના જન સેવા કેન્દ્ર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર બેજ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે ઉપરાંત અન્ય સમસ્યાઓ હોવાથી આ અંગે આગેવાનનું ધ્યાન દોરવામાં આવતા તેઓ રૂબરૂ દોડી ગયા હતા અને અધિક કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવતા કોમ્પ્યુટર ઓપરેટરના પ્રશ્નનું નિરાકરણ કરી આપ્યું હતું, તેથી અન્ય પ્રશ્નો પણ વહેલી તકે સોલ્વ થઈ જાય તે માટે માંગ કરવામાં આવી છે.
પોરબંદરના જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જન સેવા કેન્દ્ર ખાતે હાલમાં મોટી સંખ્યામાં અરજદારો જુદી જુદી કામગીરી માટે ઉંમટી પડે છે હાલમાં વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે થઈને અહીંયા આવવું પડે છે તેથી માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાભરના દૂરના ગામડાના વિદ્યાર્થીઓ પણ અહીંયા વહેલી સવારથી ઉભા રહી જાય છે. વિદ્યાર્થીઓને ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર સર્ટી અને આવક ના દાખલા તથા જાતિના દાખલા ખૂબ જરૂરી છે કારણ કે તેમાંથી તેઓને સ્કોલરશીપ સહિતના વિવિધ ફોર્મ અને પ્રવેશ પ્રક્રિયા હોય છે તેથી તેના માટે આ અગત્યના દસ્તાવેજો સમયસર નીકળી જાય તે જરૂરી બન્યું હતું. તે ઉપરાંત રૂટિન સોગંદનામાં જાતિનું પ્રમાણપત્ર સહિત અન્ય દસ્તાવેજો કરાવવા માટે જન સેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવે છે પરંતુ બે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાને લીધે સ્વાભાવિક રીતે સમયસર કામ થતું ન હતું. અને અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા હતા હાલમાં વેકેશનના સમયમાં પણ વિદ્યાર્થીઓની વારંવાર પરેશાની વધી હતી અને તેથી આ અંગે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા નું ધ્યાન દોરવામાં આવતા તેઓ ઉપરાંત સામાજિક આગેવાન પ્રવીણભાઈ ખોરાવા અને નરેશભાઈ થાનકી વગેરે તાત્કાલિક જનસેવા કેન્દ્ર ખાતે દોડી ગયા હતા.
રામદેવભાઈ મોઢવાડિયા એ પૂછપરછ અને તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે અગાઉ ચાર કોમ્પ્યુટર ઓપરેટર હતા પરંતુ હવે માત્ર બે જ ઓપરેટર હોવાથી લોકો હેરાન થતા હતા આથી તેમના દ્વારા તાત્કાલિક કલેક્ટરને જાણ કરવામાં આવી હતી અને વહીવટી તંત્રએ પણ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક એક કોમ્પ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરી દીધી હતી તેથી ત્રણ ઓપરેટરો થઈ ગયા છે અને હજુ વધુ જરૂરિયાત હશે તે પ્રમાણે એક કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરી દેવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.
તે ઉપરાંત અહીંયા સિક્યુરિટી ગાર્ડ નહીં હોવાથી અવારનવાર અરજદારો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતું હતું કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને રાહ જોતા અને અરજદારોને વધુ પડતી ગરમીના કારણે તાપમાનનો પારો ઊંચો હોવાથી લાંબો સમય રાહ જોવી પડતી હોય છે તેથી નાની મોટી લપઝપ થતી હોય છે આથી આવી માથાકૂટ ઉગ્ર રૂપ ધારણ કરી લે નહીં તે માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવાની રજૂઆત પણ કરવામાં આવતા તે અંગે પણ વહેલી તકે યોગ્ય થશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
અગાઉ અહીંયા નાયબ મામલતદાર કક્ષાના અધિકારી બેસતા હતા જેથી વહીવટી પ્રક્રિયાના સરળતા રહેતી હતી પરંતુ હાલમાં આવા અધિકારીને ત્યાં બેસાડવામાં આવ્યા નહીં હોવાથી અન્ય વહીવટી કામગીરીમાં પણ મુશ્કેલી પડતી હતી આ અંગે પણ તેમનું ધ્યાન દોરવામાં આવતા અધિક કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે વહેલી તકે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
આમ પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિત પ્રવીણભાઈ ખોરાવા અને નરેશભાઈ થાનકી વગેરેની રજૂઆતો અનુસંધાને જિલ્લા વહીવટી તંત્રએ હકારાત્મક અભિગમ દાખવી અને જનસેવા કેન્દ્રના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરાવવાની ખાતરી આપતા અને અમુક પ્રશ્નોનું નિરાકરણ કરાવી દેતા લોકોએ પણ આગેવાનોનો આભાર માન્યો હતો
તેથી રામદેવભાઈ મોઢવાડિયા સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે અન્ય પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવી જવું જરૂરી છે લોકોને મુશ્કેલીઓનો અંત આવે તે માટે વહીવટી તંત્રએ વહેલી તકે યોગ્ય કરવું જ રહ્યું તેવી માંગ થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.