અગ્નિકાંડ માટે જવાબદારીની વાત કરો; સવાલો વરસતા ભાજપ નેતાઓ પત્રકાર પરિષદમાંથી રવાના!
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે ગઈકાલે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં નેતાઓની ભાગાભાગી થઈ ગઈ હતી તા.4 જુને ચૂંટણી પરીણામમાં ભાજપનો વિજય થાય તો પક્ષ કોઈ ઉજવણી નહિં કરે તેવી જાહેરાત કરવા મિડીયાને બોલાવાયું હતું. પરંતુ અગ્નિકાંડ અંગે સવાલો પૂછાતા પ્રમુખ, મેયર, સાંસદ સહિતના નેતાઓએ ચાલતી પકડી હતી આ દિવસે કાર્યકરોને પણ ટોળે નહિં વળવા જણાવી તમામ મૃતકોનાં અંતિમ સરકાર બાદ ભાજપ શ્રધ્ધાજંલી સભા યોજશે તેમ જણાવ્યુ છે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં 27 લોકોના મોત નિપજયા છે અને અગ્નિકાંડમાં ગેમઝોનનાં સંચાલકો ઉપરાંત સરકારી તંત્ર તેમજ રાજકીય પદાધિકારીઓ નેતાઓની પણ મિલિભગતની ચર્ચા છે.ત્યારે લોકોનો રોષ જોઈને ભાજપના નેતાઓએ ચાર દિવસ જાહેરમાં આવવાનું ટાળ્યુ હતું.
ગઈકાલે ચોથા દિવસે રાજકોટ કમલમ ખાતે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પત્રકારોનાં આકરા સવાલો સાંભળીને ભાજપના નેતાઓ તેમજ મેયર રીતસરના ભાગ્યા હતા.
રાજકોટ શહેર ભાજપે બોલાવેલી પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ લોકસભાથી ઉમેદવાર પરસોતમ રૂપાલા, રાજયસભા સાંસદ રામ મોકલીયા, મેયર નયના પેઢડીયા તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.શહેર ભાજપ પ્રમુખ 4 જુને રાજકોટમાં ચૂંટણી પરીણામને લઈને કોઈ ઉજવણી ન કરવાની જાહેરાત કરી હતી.
પ્રેસ દરમ્યાન રૂપાલા એકપણ શબ્દ બોલ્યા નહોતા અને જયારે રામ મોકરીયા અને મુકેશ દોશીને મીડીયા કર્મીઓએ મૃતકોને ન્યાય અને જવાબદારો પર કડક કાર્યવાહી અંગે સવાલ પૂછતા તેમણે ચાલતી પકડી હતી.
નયના પેઢડીયા પત્રકારોના સવાલ સાંભળીને કે જવાબદારો સામે કાર્યવાહી માટે એક શબ્દ પણ ઉચ્ચાર્યા નહોતો એટલુ જ નહિં પત્રકારોએ મેયર પાસે જવાબ માગ્યો ત્યારે મેયર એકટીવા પાછળ બેસીને રીતસરના ભાગ્યા હતા. આમ આ પત્રકાર પરિષદમાં ભાજપનો ફજેતો થઈ ગયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.