ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, સાબરકાંઠા દ્વારા બોટાદનાં સાળંગપુરમાં પ્રાકૃતિક કૃષિલક્ષી તાલીમ યોજાઈ - At This Time

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, સાબરકાંઠા દ્વારા બોટાદનાં સાળંગપુરમાં પ્રાકૃતિક કૃષિલક્ષી તાલીમ યોજાઈ


ત્રિદિવસીય તાલીમમાં તજજ્ઞો દ્વારા કુદરતી ખેતીના ફાયદા, રસાયણો વિના જમીનની ફળદ્રુપતા વધારવાની રીત સહિતની બાબતો પર ઉંડાણપૂર્વક સમજ અપાઈ. પ્રાકૃતિક કૃષિ એટલે ઝેરમુક્ત કૃષિ, પ્રાકૃતિક કૃષિ એટલે માનવજીવન માટે આર્શીવાદ સમી કૃષિ... પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત રાજ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વણથંભા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, સાબરકાંઠા દ્વારા બોટાદ જિલ્લામાં બરવાળા ખાતે સાળંગપુરમાં પ્રમુખસ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળા દ્વારા ખેડૂતોને વિશેષ માર્ગદર્શિત કરાયા હતા.

શ્રી વાળાએ જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક કૃષિ માનવજીવનમાં સંતુલનને જાળવવામાં મહત્વપૂર્ણ છે. અત્યારે આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત છે, આપણે રોજબરોજ જોઈએ છીએ કે અનેક લોકોને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ થઇ રહી છે, જેના નિવારણ માટે આપણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરવી ખૂબ જરૂરી બની જાય છે.” તાલીમમાં તજજ્ઞો દ્વારા કુદરતી ખેતીના ફાયદા, રસાયણો વિના જમીનની ફળદ્રુપતા વધારવાની રીત સહિતની બાબતો પર ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્રણ દિવસનાં તાલીમ સત્રમાં અરસપરસ જ્ઞાનની આપ-લે થઈ શકે તે માટે વિશેષ પ્રયત્નો કરાયા હતા, જેથી ખેડૂતો આ પદ્ધતિને તેમની રોજિંદી પ્રથાઓમાં સરળતાથી આવરી શકે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા)ની કચેરી, સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર દ્વારા આયોજિત આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરાયા હતા. આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મૂળ તરફ પાછા ફરવા, ટકાઉપણાં તરફ આગળ વધવા અને તંદુરસ્ત ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા દાખવતા મહત્તમ ખેડૂતોને સ્વદેશી કૃષિ પદ્ધતિ સ્વીકારવા માર્ગદર્શિત કરી રહ્યા છે, ત્યારે રાજ્યના ખેડૂતો પણ ઉત્સાહ દાખવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.