શિશુવિહાર અને કવિતાકક્ષ દ્વારા "ભાષામાં વ્યાકરણશિસ્ત" શીર્ષકથી બે દિવસની કાર્યશાળા યોજાઈ - At This Time

શિશુવિહાર અને કવિતાકક્ષ દ્વારા “ભાષામાં વ્યાકરણશિસ્ત” શીર્ષકથી બે દિવસની કાર્યશાળા યોજાઈ


શિશુવિહાર અને કવિતાકક્ષ દ્વારા "ભાષામાં વ્યાકરણશિસ્ત" શીર્ષકથી બે દિવસની કાર્યશાળા યોજાઈ

ભાવનગર ખાતે શિશુવિહાર બુધસભા અને કવિતાકક્ષના ઉપક્રમે વ્યાકરણજાગૃતિના ઉદ્દેશથી "ભાષામાં વ્યાકરણશિસ્ત" શીર્ષક હેઠળ બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યશાળાના પ્રથમ દિવસે જાણીતા ભાષાવિદ્દ ડૉ. રક્ષાબહેન દવેએ કક્કાના વૈજ્ઞાનિક ક્રમની વિસ્તૃત સમજૂતી સાથે અનેક ઉદાહરણો સાથે અનુસ્વારની ઉપયોગિતા વિશે વક્તવ્ય આપેલ. જાણીતા વ્યાકરણ શિક્ષક શ્રી ઉમાકાંત રાજ્યગુરુએ પણ અલગ અલગ ઉદાહરણો દ્વારા હ્રસ્વ-દીર્ઘના ઉચિત ઉપયોગ તેમ જ ક્રિયાપદો વિશે રજૂઆત કરી હતી.
કાર્યશાળાના બીજા દિવસે જાણીતા ભાષાતજ્જ્ઞ અને પ્રૂફરીડર શ્રી જિતુ ત્રિવેદીએ જોડણીના અભ્યાસ અને પ્રૂફરીડિંગ બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડેલ. અંતિમ સત્રમાં "વ્યાકરણનો વર્ગખંડ" શીર્ષક હેઠળ શિબિરાર્થીઓ પાસે સ્વાધ્યાયકાર્ય કરાવવામાં આવેલ, જેમાં પણ જોડણી અને પ્રૂફરીડિંગનાં મહત્વનાં પાસાંઓને આવરી લેવામાં આવ્યાં હતાં.
આ કાર્યશાળામાં ભાવનગર અને અન્ય શહેરોના ૫૫ જેટલા જિજ્ઞાસુ શિબિરાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આ નવતર આયોજનને પાર પાડવામાં શિશુવિહારના મંત્રીશ્રી નાનકભાઈ ભટ્ટ અને કવિતાકક્ષના પ્રમુખ પ્રા. હિમલ પંડ્યાના માર્ગદર્શન તળે સંયોજક શ્રી ઉદય મારુ, સહસંયોજકો ડૉ. જિતુભાઈ વાઢેર, ડૉ. માનસી ત્રિવેદી વિગેરેએ વિશેષ જહેમત ઉઠાવી હતી. માતૃભાષા અને વ્યાકરણ સંદર્ભે જરૂરી પહેલસમી આવી કાર્યશાળાઓ રાજ્યના અન્ય શહેરોમાં પણ થાય એ બાબતે જરૂરી આયોજનો સંદર્ભે પણ વિચારણા કરવામાં આવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.