બોલેરો ચોરીના CCTVએ કારચોરને પકડાવ્યો, તેના મોબાઇલમાંથી BMW-AUDI જેવી 200 કારનો ખજાનો નીકળ્યો…
હવે તો ક્રાઈમ કરવા માટે પણ ફિલ્મ અને વેબ સિરિઝનો ઉપયોગ કરવામાં આવી ગયો છે. ગુજરાતના એક ચોરે તો હોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી મોડસ ઓપરેન્ડીથી હાહાકાર મચાવી દીધો છે. 2000ની સાલમાં રિલિઝ થયેલી નિકોલસ કેજની Gone in 60 Seconds ફિલ્મમાં જે રીતે હાઈએન્ડ લક્ઝુરિયસ કારની માત્ર 60 સેકન્ડમાં ચોરી થતી તેવી જ રીતે ગુજરાતમાં બોબડા નામના ચોરે પળવારમાં 200 કારની ઉઠાંતરી કર્યાનું બહાર આવ્યું છે. આ તો ઠીક પણ બોબડો તો એટલો શાતિર નિકળ્યો કે તે ચોરેલી કાર જેને વેચતો તેની જ રેકી કરી કારને ફરી ચોરી લેતો.. ફરી ત્રીજાને વેચતો.. ફરી ચોરી લેતો ને ચોથાને વેચતો..
વાત છે 2022ના નવેમ્બર મહિનાની કે એક બોલેરો કારની ચોરીના ગુનામાં પોલીસે બે આરોપી મહમદઈમ્તિયાઝ વોરા અને અશરફ મયુદીન ફકીરની ધરપકડ કરી...હવે સામાન્ય બોલેરો કારની ચોરીએ આખા સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે. પહેલાં તો પોલીસ ગોથે ચડી ગઈ કે આ બધુ કેવી રીતે શક્ય છે. માત્ર એક બોલેરોની ચોરી અઢી મહિનાની તપાસના અંતે 200 કારની ચોરી સુધી પહોંચી તો પોલીસ તો હાંફળી-ફાંફળી થઈ ગઈ...
રાજકોટમાં ગત નવેમ્બરમાં 150 ફૂટ રિંગ રોડ પર સરસ્વતી નગરમાંથી આઠ લાખની કિંમતની બોલેરો પીકઅપની ચોરી થઈ હતી. ત્રણ દિવસમાં જ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અમદાવાદની ગેંગ દ્વારા ચોરાઉ કે લોન પરના વાહનોને જીપીએસ ટ્રેકર લગાવી ફરી એ વાહન બજાર કિંમત કરતા સસ્તા ભાવે વેચી દેતા હતા. આરસી બુક કે અન્ય કાગળો થોડા સમય બાદ આપશે એવું કહીને પેમેન્ટ પણ બાકી રાખતા હતા. આનાથી વાહન ખરીદનારને વિશ્વાસ બેસતો હતો. બોલેરો પીકઅપ સાથે અમદાવાદના બે શખસોને પકડયા હતા અને અન્ય શખસોના નામ ખુલ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.