રવિવારે રાજકોટની રંગત માણવા નીકળેલા લોકોને પોલીસે જ ટ્રાફિકજામ કરીને કલાકો ફસાવી દીધા
કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં જાહેરનામા વિના બેરિકેડ મૂકી વાહનચાલકોને પરેશાન કરાયા
કોટેચા ચોકમાં રવિવારે સાંજે 7 વાગ્યે યુનિવર્સિટી રોડ તરફ અને નિર્મલા કોન્વેન્ટ રોડ તરફ જવાના માર્ગ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા જેથી મહિલા કોલેજ અન્ડરબ્રિજથી આવતા વાહનચાલકો ઇન્દિરા સર્કલ કે નિર્મલા કોન્વેન્ટ રોડ તરફ વળવા ઇચ્છતા હોય તેમને તે તરફ જવા દેવાતા નહોતા. મહિલા કોલેજથી આવતા વાહનચાલકોને કાલાવડ રોડ પર બ્રિજ નીચેથી કેકેવી ચોક સુધી જવું પડતું હતું અને તેમણે ત્યાંથી યૂ-ટર્ન લઇને કોટેચા ચોક સુધી આવી નિર્મલા રોડ તરફ વળવાનું રહેતું હતું.
આવી જ સ્થિતિ ઇન્દિરા સર્કલથી કોટેચા ચોક આવી અમીનમાર્ગ તરફ જવા ઇચ્છુક વાહનચાલકો માટે હતી. કોટેચા ચોકમાં મુકાયેલા બેરિકેડને કારણે ઇન્દિરા સર્કલથી આવતા વાહનચાલક કોટેચા ચોકથી જમણી બાજુ વળી શકતા નહોતા તેમણે મહિલા કોલેજ સર્કલ સુધી જઇ ત્યાંથી એસ્ટ્રોન તરફ વળવું પડતું હતું. કોઇપણ પ્રકારની અગાઉથી જાહેરાત કે જાહેરનામા વગર જ રવિવારે સાંજે બેરિકેડ મૂકી દેવાયા હોવાથી વાહનચાલકોએ એકાદ કિલોમીટર સુધી ફરવું પડ્યું હતું. આ મામલે ટ્રાફિક શાખાના એસીપી ગઢવીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, નવો ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા તેમજ મોહરમ સહિતના તહેવાર નિમિત્તે આ માર્ગ પર સતત ટ્રાફિક રહેતા ટ્રાફિકની સ્થિતિમાં કોટેચા ચોકમાં બેરિકેડ રાખવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય દિવસોમાં બેરિકેડ રાખવામાં આવશે નહીં. જોકે પોલીસે અગાઉ આ અંગે કોઇ જાહેરાત નહીં કરી હોવાથી રવિવારની રજાની રંગત માણવા નીકળેલા લોકો પરેશાન થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.