હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી:53 દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ, વિટામિન્સ, શુગર અને બ્લડપ્રેશર ઉપરાંત કેટલીક એન્ટીબાયોટિક્સનો પણ સમાવેશ - At This Time

હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી:53 દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ, વિટામિન્સ, શુગર અને બ્લડપ્રેશર ઉપરાંત કેટલીક એન્ટીબાયોટિક્સનો પણ સમાવેશ


પેરાસિટામોલ સહિત 53 દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ ગઈ છે. વિટામિન્સ, શુગર અને બ્લડપ્રેશરની દવાઓ ઉપરાંત એન્ટીબાયોટિક્સ પણ સામેલ છે. દેશની સૌથી મોટી ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CSDSO)એ એની યાદી બહાર પાડી છે. CSDSO યાદીમાં કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ્સ, એન્ટીડાયાબિટીસ ગોળીઓ અને હાઈ બ્લડપ્રેશર માટેની દવાઓનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત દવાઓની યાદીમાં ખેંચ આવવી અને એન્ગ્ઝાઇટીમાં વપરાતી ક્લોનાઝેપામ ટેબ્લેટ, પેઇનકિલર ડિક્લોફેનાક, શ્વાસસંબંધી રોગો માટે વપરાતી એમ્બ્રોક્સોલ, ફંગલવિરોધી ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન અને કેલ્શિયમની ટેબ્લેટ્સનો પણ સમાવેશ થાય છે. આ દવાઓ હેટેરો ડ્રગ્સ, એલ્કેમ લેબોરેટ્રીઝ, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ (HAL), કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ જેવી મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. CSDSOએ 53 દવાની યાદી બહાર પાડી
પેટના ચેપ માટે આપવામાં આવતી દવા મેટ્રોનિડાઝોલ પણ આ ટેસ્ટમાં ફેઇલ થઈ છે, જે હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે. એ જ રીતે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની શેલ્કલ ટેબ્લેટ પણ ટેસ્ટમાં ફેઇલ ગઈ છે. CSDSOએ 53 દવાની યાદી બહાર પાડી છે, જે ટેસ્ટમાં ફેઇલ ગઈ છે, જેમાંથી 5 દવા નકલી હતી, એટલે કે દવા બનાવતી કંપનીઓએ કહ્યું હતું કે આ તેમની દવાઓ નથી, બલકે તેમના નામે નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે. ઓગસ્ટમાં 156 ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે આ વર્ષે ઓગસ્ટમાં 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તાવ અને શરદી ઉપરાંત આનો સામાન્ય રીતે પેઇનકિલર, મલ્ટી-વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગ થતો હતો. સરકારે કહ્યું હતું કે એના ઉપયોગથી મનુષ્યો માટે ખતરાની સંભાવના છે, તેથી દેશભરમાં આ દવાઓનાં ઉત્પાદન, વપરાશ અને વિતરણ પર પ્રતિબંધ રહેશે. ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડની ભલામણો પર સરકારે આ આદેશ જાહેર કર્યો છે. બોર્ડે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ FDC દવાઓમાં હાજર ઘટકો માટે કોઈ મેડિકલ સમર્થન નથી. એક ગોળીમાં એક કરતાં વધુ દવાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવતી દવાઓને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન ડ્રગ્સ (FDC) કહેવામાં આવે છે, આ દવાઓ કોકટેલ દવાઓ તરીકે પણ ઓળખાય છે. વાળની ​​સારવાર, સ્કિનકેર અને એન્ટી-એલર્જિક દવાઓનો પણ સમાવેશ
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, એમિલેઝ, પ્રોટીઝ, ગ્લુકોએમિલેઝ, પેક્ટિનેઝ, આલ્ફા ગેલેક્ટોસિડેઝ, લેક્ટેઝ, બીટા-ગ્લુકોનેઝ, સેલ્યુલેઝ, લિપેઝ, બ્રોમેલેન, ઝાયલેનેઝ, હેમિસેલ્યુલેઝ, માલ્ટ ડાયસ્ટેઝ, ઇન્વર્ટેઝ અને પેપેઇનના ઉપયોગથી જોખમ થવાની શક્યતા છે. પ્રતિબંધિત દવાઓની યાદીમાં વાળની ​​સારવાર માટે વપરાતી દવાઓ, એન્ટીપેરાસાઇટિક (પરોપજીવી ઉપદ્રવમાં વપરાય છે), સ્કિનકેર, એન્ટી-એલર્જિક વગેરેનો પણ સમાવેશ થાય છે. સરકારે કહ્યું કે આ દવાઓને બદલે અન્ય દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. તેમના પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. રાજસ્થાનમાં મુખ્યમંત્રી મફત દવા યોજનાની 10 દવાનાં સેમ્પલ ફેઇલ
આ વર્ષે મે મહિનામાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી મફત દવા યોજના હેઠળ સપ્લાય કરવામાં આવેલી 10 દવાનાં સેમ્પલ ફેઇલ થયાં છે. રાજસ્થાન મેડિકલ સર્વિસ કોર્પોરેશન (RMSC)એ 8 કંપનીઓની 10 દવાના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. આ દવાઓમાં ફંગલ ઇન્ફેક્શનમાં વપરાતી ટેબ્લેટ્સ, મલેરિયાના ગંભીર દર્દીઓને અપાતાં ઇન્જેક્શન, આંખનાં ટીપાં અને શ્વાસ લેવામાં તકલીફના કિસ્સામાં ઉપયોગમાં લેવાતી દવા અસ્થાલિનનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.