જામનગર શહેરમાં લમ્પી વાયરસનો હાહાકાર : 11 દિવસ દરમ્યાન 519 ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં કચવાટ - At This Time

જામનગર શહેરમાં લમ્પી વાયરસનો હાહાકાર : 11 દિવસ દરમ્યાન 519 ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં કચવાટ


જામનગર તા.25 જુલાઈ 2022,સોમવાર જામનગર શહેરમાં વાયરસના કારણે ગૌ વંશના મૃત્યુના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને છેલ્લા ૧૧ દિવસના સમયગાળા દરમિયાન ૫૧૯ ગાયોના મોતને લઈને ભારે હાહાકાર મચી ગયો છે, અને ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લમ્પિ વાયરસના કારણે ગાયોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ૧૧ દિવસના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં કુલ ૫૧૯ ગાયો મોતને ભેટી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આવી તમામ મૃત ગાયોને ઠેબા ચોકડી પાસે મોટા ખાડાઓ કરી તેઓની અંતિમવિધિ કરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિદિન ૫૦ થી ૬૦ જેટલી ગાયોના લમ્પિ વાયરસના કારણે મોત થયાના અહેવાલોના કારણે ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.  મહાનગરપાલિકાનું તંત્ર તથા પશુપાલન વિભાગ વહેલી તકે સતર્ક નહીં બને તો મોટાભાગનું ગૌ વંશ લમ્પિ વાયરસના રોગચાળામાં ખતમ થઈ જશે. તેવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા અને પશુપાલન વિભાગ દ્વારા શહેરમાં લમ્પિ વાયરસ ની રસી મુકવાની કામગીરી પણ ચલાવવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૪,૨૧૯ ગાયોને લમ્પિ વાયરસની વેક્સીન આપવામાં આવી છે, અને હજુ પણ આ પ્રક્રિયાઓ ચાલુ રખાઇ છે. જામનગર શહેરમાંથી રસ્તે રઝળતા ખૂંટીયાઓને પકડવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગાયોને પણ હવે પકડવામાં આવી રહી છે. જેમાં ૧૧ દિવસના સમયગાળા દરમિયાન ૩૧૫ ખૂંટિયાઓને પકડી લઈ રણજીતસાગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મૂકવામાં આવ્યા છે, જયારે ૧૧૦ જેટલી ગાયોને પકડી લઈ બેડેશ્વરની વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મૂકવામાં આવી છે. હાલ વરસાદના કારણે પશુઓને અમદાવાદ ગાંધીનગર તરફથી ગૌશાળામાં મોકલવાની કામગીરી સ્થગિત રખાઇ છે. વાતાવરણ ખુલ્લું થયા પછી તમામ પશુઓને અમદાવાદ ગાંધીનગર તરફની ગૌશાળામાં મોકલી દેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.