મેટોડા ફેકટરીમાં બ્લાસ્ટ: એકનું મોત, ઓપરેટર સામે ગુન્હો નોંધાયો
લોધિકાના મેટોડા જીઆઈડીસીના ગેઈટ નં-3 પાસે આવેલ પર્વ મેટલ નામના કારખાનામા ગઇકાલે સવારે ઈલેકટ્રીક ભઠ્ઠી પ્રચંડ ધડાકા સાથે ફાટયા બાદ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી.તેમજ કારખાનામાં કામ કરતા 11 મજુરો દાઝયા અને ઘવાયા હતા.જેમાંથી એકનું મોત નિપજયું હતું.એક મજુરની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના અડધો કિલોમીટર જેટલા વિસ્તારમાં સંભળાયો હતો.
જેને કારણે લોકો ભયભીત બની ગયા હતા.સંભવત:ટેમ્પરેચર વધી જતા ફાટેલી ઈલેકટ્રીક ભટ્ટીનો પ્રચંડ અવાજ અડધા કિલોમીટર સુધી સંભળાતા આસપાસના લોકોને ધરતીકંપ થયો હોય તેવો અહેસાસ થયો હતો.આ ઘટનામાં લોધિકા પોલીસ મથકમાં મનુષ્ય વધની કલમ હેઠળ અભિમન્યુ મિથુન ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવ અંગે લોધિકા પોલીસના પીએસઆઈ એચ.આર.જાડેજાને ફરિયાદી બનાવાયા હતા અને તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સહદેવસિંહ ડોશુભા ઝાલાએ જાણ કરી હતી કે મેટોડા જી.આઈ.ડી.સી પ્લોટ નંબર જી.834 અને 831માં આવેલા પર્વ મેટલ પ્રોસેસીંગ કંપનીમા આવેલી ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા કુલ સાતેક માણસો ઈજાગ્રસ્ત થયા હતા.જેઓને અલગ અલગ હોસ્પીટલમા સારવારમા ખસેડાયા હતા.
જેની તપાસ પીએસઆઈ વિ.બી.ચૌહાણને સોપાતા કંપનીમા મેટલ પ્રોસેસ ભઠ્ઠી જે ઈલેકટ્રિક છે જેમા સ્ક્રેપ હોય તેમા કોઈ ખરાબીના કારણે ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયેલ છે અને શેડના પતરા બેસી ગયેલ છે અને આશરે પાંચેક કરોડનુ નુકશાન થયેલની રૂબરૂ જાહેરાત કરી હતી.બાદમાં આ પર્વ મેટલ પ્રોસેસીંગ કંપની કે જે મેટોડા જી.આઈ.ડી.સી મા સહદેવસિંહ ડોશુભા ઝાલા(રહે.રાજકોટ એ -502 પ્રધ્યુમન એસ્પાયર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ),સંજયભાઈ ઈશવરભાઈ સોની,કિરણ સિંહ જનકસિંહ જાડેજા,બ્રીજરાજસિંહ સહદેવસિંહ જાડેજા અને ગજરાજસિંહ કિરણસિંહ જાડેજા એમ બધા ભાગીદારો છે.
આ પર્વ મેટલ પ્રોસેસિંગ કંપનીમા આશરે ત્રીસથી ચાલીસ જેટલા માણસો કામ કરે છે અને બે શેડ એરીયા પ્લોટની આશરે 2000 સ્કેવર મીટર જગ્યા છે અને કંપનીમા સવારના આઠ થી રાત્રીના આઠ વાગ્યા સુધી માણસો કામ કરે છે અને વિજ કનેકશન 1000 કે.વી એચ.ટી કનેકશન ટાઈપનું છે જે જી.ઈ.બી યમુના ફીડરમાંથી 11 કે.વી વિજલાઈન પસાર થઈ કારખાનામાં આવેલા સી.ટી.પી.ટી યુનીટ સુધી વિજમીટર આવેલા છે.તેમા પી.જી.વી.સી.એલ ના એન્જીનીયરના પ્રાથમિક અહેવાલમા કોઈ વીજ ખરાબી થયેલી નથી તેમ જાણવા મળ્યું હતું.આ કારખાનામા ખાનગી ટિ.સી લગાડેલ છે અને ભઠ્ઠી ઈલેકટ્રીક છે તે ભાગ સંપુર્ણ બ્લાસ્ટ થઈ અને ડેમેજ થઈ ગયેલ અને કારખાનાની ઓફીસમાં મોટું નુકસાન થયું હતું.
કંપનીમા બ્લાસ્ટ થતા બનાવ વખતે ભઠ્ઠી ઓપરેટ2 અભીમન્યુ જગદીશભાઇ ચૌહાણ સાંજે અને રાત્રે પડેલ ભારે વરસાદ ના કારણે સ્ક્રેપ પલળેલ હોવા છતા ભઠ્ઠીનુ ટેમ્પરેચર કે પાણી કે જરૂરી ચકાસણી કર્યા વગર ઈલેક્ટ્રીક સેન્સર વાળી ભઠ્ઠીમા સ્ક્રેપ નાખતા કોઈ ટેકનીકલ કારણોસર બ્લાસ્ટ થયો હતો.જેમાં 11 મજૂરો ઘવાયા હતા તેઓને રાજકોટ ગીરીરાજ હોસ્પીટલમા સારવાર માટે મોકલતા ગંભીર જણાયેલા અરવિંદભાઈ જયરામભાઈ ચૌહાણને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા મૃત્યુ નીપજ્યું હતું.જેથી અભીમન્યુ તેમજ તપાસમાં ખુલે તેઓની વિરુદ્ધ મનુષ્યવધની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.તેમજ એફએસએલ દ્વારા કારણ જાણવા તજવીજ આદરી છે.
મેટોડાની કંપનીમાં ગઈકાલે બોઈલર ભઠ્ઠી ફાટતા થયેલા બ્લાસ્ટમાં એક શ્રમિકનું મોત નિપજયું જયારે અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા, હાલ પોલીસે ભઠ્ઠીના ઓપરેટર એવા યુપીના શખ્સ સામે ગુનો નોંધ્યો છે, જો કે, આવા કિસ્સાઓમાં કંપનીના જવાબદાર એન્જીનીયરોની ભૂમિકા પણ તપાસવામાં આવતી હોય છે અને તેઓને પણ આરોપી બનાવવામાં આવે છે, આ કીસ્સામાં પણ પોલીસે કંપનીના જવાબદાર એન્જીનીયરને પુછપરછ માટે બોલાવાયા છે. ઘટના સમયે તેઓ કયાં હતા અને તેની શું-શું જવાબદારી છે તે પોલીસ અને કંપની ઈન્સ્પેકટરો ચકાશશે તે બાદ પગલા લેવાશે.
પર્વ મેટલમાં ભટ્ટી ફાટવાની ઘટનામાં જે મજુરો દાઝી ગયા અને ઈજા પામ્યા તેમના નામ આ પ્રમાણેછે. પોલીસે જણાવ્યું કે મોટાભાગના મજુરો પરપ્રાતિયો અને ખાસ કરીને યુપીના છે.ઘાયલોમાં સુનિલ હરિકૃષ્ણ ચૌહાણ, સંજય શ્રીરામજી ચૌહાણ, પપ્પુ સુગર ગોર, શ્યામલાલ ભુરખનાથ ચૌહાણ, હરીન્દ્ર સોહન ચૌહાણ, શ્યામશંકર ઉર્ફે બબલુ રાકેશ યાદવ, મનોજ રામભુજ મહંતો, સોનુ રાજેશ ચૌહાણ, સુનિલ ભરત મહંતો અને જીતેન્દ્ર સ્વામિનાથ ચૌહાણનો સમાવેશ થાય છે.
જયાં ઘટના બની તે કારખાના અને તેની આસપાસના 200 મીટર જેટલા વિસ્તારમાં આવેલી સેકશનની બારીઓ અને કાચના ભુક્કા બોલી ગયા હતા.પર્વ મેટલના શેડના છાપરા ધડાકાભેર ઉડીને દુર દુર સુધી ફંગોળાયા હતા. સમગ્ર શેડ છત વગરનો થઈ જવાની સાથે કાળી મેશમાં તબદીલ થઈ ગયો હતો.આગને કારણે ફાયરબ્રિગેડના સ્ટાફે જઈ બુઝાવી હતી.ક્રેઈનની મદદથી કાટમાળ કે જેમાં મુખ્યત્વે પતરા હતા તેને દુર કરાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.