નારીનાં નિર્મળ બલિદાનો
૧૯૩૦ના મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બ્રિટિશરો દ્વારા કરવામાં આવેલી ધરપકડમાં બાવીબહેન પણ શિકાર બન્યાં હતાં. તેમણે આજીવન ખાદીનું વ્રત લીધું હતું
ચેસ્ટર ગાર્ડિયન નામનું લંડનનું જાણીતું માં વર્તમાનત્ર, રાજકીય લોકશાસનની શરૂઆત’” એ શીર્ષક હેઠળ અગ્રલેખમાં હિન્દની સ્ત્રીઓની અજબ જેવી પ્રગતિનું સૂચન કરતાં લખાયું હતું કે, “હિન્દમાં સ્ત્રીઓએ પહેલી વખત અને હંમેશ માટે આગળ પ્રગતિ કરી છે. હવે સર્વ પક્ષો તેઓના ટેકા માટે વધુ કિંમત આપવા તૈયાર છે, અને તેઓના આગેવાનો પોતાની મરજી પડે તેમ શરતો કરી શકે છે. હાલમાં જો તેમનાં કાર્ય તરફ ઓછું ધ્યાન અપાતું હોય તો તેનો વધુ બદલો અસ્પૃશ્ય પ્રત્યે લેવાતા અસાધારણ રસથી મળી રહે છે. 'ચોટદાર હકીકત આજે પણ એટલી જ લાગુ પડે છે! ગાંધીજી આઝાદીના યજ્ઞમાં આહુતિ આપવા મહિલાઓને પણ પ્રેરિત કર્યા હતાં. તેમણે જે રીતે બહેનોની કદર કરી હતી અને આત્મપ્રેરણા જગાવેલા, એ કિસ્સાઓ અનેક રીતે ઇતિહાસમાં નોંધાયેલા પડ્યા છે. પરંતુ કમનસીબી એ રહી કે એમાંથી અમુક બહેનોનાં બલિદાનોની ગાથા આજ સુધા સ્મૃતિનો અપભ્રંશ બની આપણી આસપાસ મંડરાઈ રહી છે, જેના થકી હજુ કેટલીય અખ્યાત વીરાંગનાઓના અણમૂલ બલિદાન પોંખાયા વિના રહી ગયા હશે. કચ્છ પ્રદેશના કિસ્સામાં તો એવું થયું છે, જે માટેની લેખકની મથામણ હંમેશાંથી રહી છે અને આજે ફરી એકવાર લાંબી અવધિથી સંશોધન-મહેનત હાથ ધર્યા બાદ ભુલાઈ ગયેલી નારી સ્વાતંત્રયસેનાનીને રજૂ કરવાની તક મેળવી છે.
‘વાનર સેના હૂપ ગ્રૂપ’ જેનો સ્લોગન હતું એવા, વાનરસેનામાં છોકરા-છોકરીઓની એક ટોળકી સાથે ઈન્દિરા ગાંધીએ ઝુંબેશ ઊભી કરી હતી. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનો નાનકડો પણ નોંધનીય
હિસ્સો છે. તેમાં બાવીહેન પણ વિરોધ નોંધાવતા,ધ્વજ લઈને કૂચ કરતા તેમજ કૉંગ્રેસના રાજનેતાઓને સંવેદનશીલ અને પ્રતિબંધિત સામગ્રીઓ-પ્રકાશનો વિતરણ કરવામાં મદદ કરતા. ૧૯૨૩માં સ્થપાયેલી ઓલ ઇન્ડિયા બાલ્કન-જી-બારી સંસ્થા કે જે ૧૮ વર્ષથી નાની વયના બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત હતી, તેના પણ બાવીબાઈ સભ્ય હતાં અને વર્ષો સુધી નિસ્વાર્થ તેમણે સેવા આપી હતી.
બ્રિટિશ સરકારનું વલણ સત્યાગ્રહીઓ તરફ વધુ ઉગ્ર હોવાથી તેમજ ન્યાયાધીશો અંગ્રેજો તરફી ચુકાદા આપતા હોવાથી આ લડવૈયાઓ જેલની સજા પામતા હતા. ૧૯૩૦ના મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બ્રિટિશરો દ્વારા કરવામાં આવેલી ધરપકડમાં બાવીબહેન પણ શિકાર બન્યાં હતાં. આ સિવાય ૧૯૪૩માં મહાસભા અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જવાબદારી નિભાવી હતી. ‘વિદેશીનો બહિષ્કાર કરી સ્વદેશીને અપનાવો ના સૂત્રને લઈને તેમણે ખાદીનો પ્રચાર પણ કરેલો. રાજે સ્વાલી કહે છે કે, “મેં તેમને હંમેશાં ખાદીનો સાડલો પહેરતાં જોયેલાં છે, તેમણે ૧૯૨૦ના અસહકાર આંદોલન સમયે સ્વદેશી વ્રત લીધું હતું જેને આજીવન પાળ્યું હતું.
આ નારીપાત્ર વિષે ખણખોદ કરતાં માલુમ પડયું કે, બાવીબહેન કે તેના પરિવારના સભ્યોમાંથી કોઈ જ કચ્છ માટે અજાણ્યા નથી. એક્સેલ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અશ્વિનભાઈ શ્રોફ સાથે તેમના પારિવારિક તાર જોડાયેલા છે. બાવીબહેનનાં એક બેન મરીવાલા પરિવારમાં પરણ્યા હોવાથી, સ્વતંત્રતા ચળવળના ભાગીદાર અને સફળ ઉદ્યોગગૃહનો એ નાતો પણ વધુ ગાઢ બને છે. બાવીબહેનનાં લગ્ન મુંબઈ થયાં હોવાથી તેમનો સમગ્ર વિસ્તાર ત્યાંજ વિસ્તર્યો હતો. તેમની બે દીકરી નલિની સ્વાલી અને હેમલતા મરીવાલાએ પણ આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા, પ્રેમાળ હૃદય અને સરળ સહજ સ્વભાવ સાથે તેમની દૂરંદેશીપણું અજાયબ હતું. તેમણે મારવાડી, હિન્દી તથા ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો હતો. તે જમાનામાં બાવીબહેને એમની દીકરીને બોમ્બે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી કોલેજ પૂરી કરાવી હતી. આ સિવાય બાવીબહેનના ચાર દીકરા પૈકી એક, મનુભાઈ ઠક્કર ‘મંગળદાસ ક્લોથ માર્કેટ’ના અગ્રેસર ટ્રેડર હોવાની સાથે કથકના કુશળ નૃત્યકાર હતા. ૧૯૩૦- ૪૦ના એ અરસામાં કોઈ પુરુષ નૃત્યકાર હોય અને એ પણ મૂળ ભાટિયા કુળના, એ ખરેખર પોતામાં એક વિરલ સત્ય હતું. તેમણે જીવનપર્યંત કારીગરો અને નૃત્યકારોને પોતાની પ્રેરક નીતિથી સેવા કરેલી. અને તેમના સૌથી નાના દીકરા રણજીત મુળજી બોમ્બે સ્વદેશી સ્ટોકના વેપાર સહયાત્રી હતા. જેમણે માત્ર સ્વદેશી માલને પ્રોત્સાહક નીતિઓ અપનાવેલી. આ પરથી સાબિત થાય છે કે માતા-પિતાના ઉચ્ચ સંસ્કારો બાળકોમાં પણ ચરિતાર્થ થયા હતા.
પતિ મુળજીભાઈનું ૧૯૫૫માં દેહાંત થવાથી બાવીબહેનને નાની ઉંમરે વૈધવ્ય આવ્યું, એ પછી તેમણે એકલા હાથે આખા પરિવારની જવાબદારી સંભાળી હતી. પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું, પરમાર્થ જેમની ભક્તિ હતી, એવાં બાવીબહેને ૧૯૭૦માં કાર અકસ્માતને લીધે અંતિમ શ્વાસ લીધા હતા. વિસ્મૃતિના અભિશાપને પડકારતો ‘પાંજી બાઈયું’નો આ લેખ સ્વાભાવિક જ તેમને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે. સદેહ તેઓ ભલે આજે હયાત નથી પરંતુ અસ્તિત્વની મીઠી સુવાસ પ્રદેશ જીવંત રાખે તેવી અભિલાષા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.