પતિ કામધંધો કરતો નહીં,સમજાવું તો વાસણના છુટા ઘા કરતો:શિક્ષિકાની પોલીસમાં ફરિયાદ
રૈયા રોડ પરના શિવાજી પાર્ક મેઈન રોડ પર સુમતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને પી.બી.કોટક મેમોરિયલ ઈગ્લીશ સ્કૂલમાં 18 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતા ઉર્મિબેન નામના 54 વર્ષના પરિણીતાએ પતિ કૌશિક કાંતિલાલ અજાબીયા (રહે.સીટી ઈલાઈટ,ડી- વીંગ, ફલેટ નં.204, સંતોષ પાર્ક મેઈન રોડ,રૈયા રોડ) વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે,1993માં તેના લગ્ન થયા હતા. લગ્નજીવનથી બે બાળકો છે.જેમાં મોટી પુત્રી અમદાવાદ સાસરે છે.નાનો પુત્ર હાલ એમ.બી.એ.નો અભ્યાસ કરે છે.લગ્ન બાદ સંયુકત કુટુંબમાં જામનગર રહેવા ગયા હતા. જયાં 10 વર્ષ રહ્યા બાદ પતિ સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા.રાજકોટ આવ્યા બાદ ઘણા સમય સુધી પતિ સાથે સારી રીતે ઘરસંસાર ચાલ્યા બાદ પતિએ નોકરી કરવાનું અને છોડવાનું શરૂ કરી દીધું હતું.પરિણામે ઘરનો તમામ ખર્ચ તે જ કરતા હતા. જોકે સાસરિયાઓ તેને સપોર્ટ કરતા હતા.
બીજી તરફ પતિ કોઈ કામધંધો કરતો નહિ અને તેની પાસે પૈસા માંગ્યા કરતો એટલું જ નહીં આ બાબતે તેની ઉપર અવાર નવાર ગુસ્સો પણ કરતો હતો.ધીરે ધીરે પતિનો ગુસ્સો વધવા લાગ્યો છેલ્લા એકાદ વર્ષથી ગુસ્સે થઈ ગાળો આપવાનું પણ શરૂ કરી દીધું હતું.આટલેથી નહીં અટકતા ઘણીવાર વાસણોના છૂટાં ઘા પણ કરી મારકૂટ કરતો હતો.
આ રીતે પતિનો ત્રાસ વધી જતાં ગઈ તા.15-10-2022ના રોજ પુત્રને લઈ અલગ રહેવા જતા રહ્યા હતા.તેમ છતાં પતિએ ગઈ તા.11ના રોજ તેના એપાર્ટમેન્ટમાં આવી ચોકીદારે રોકતા તેની સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં ગઈટની બહાર આવી જોર જોરથી દરવાજો ખટખટાવી,બૂમાબૂમ કરી તમાશો કર્યો હતો.જેથી 181માં કોલ કરતાં પોલીસ આવી હતી.જેને અરજી આપી હતી.ફરીથી પતિએ ઝઘડો અને મારકૂટ કરતાં આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.