રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે, પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી અને કેરળ વચ્ચેની એક સીટ પસંદ કરી છે. રાહુલ યુપીની રાયબરેલી સીટથી લોકસભા સાંસદ રહ્યા. જ્યારે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. તેમની બહેન અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી જીત્યા હતા. નિયમ મુજબ પરિણામ જાહેર થયાના 14 દિવસમાં સીટ ખાલી કરવાની હોય છે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. એટલે કે અંતિમ તારીખ 18મી જૂન સુધી હતી.
કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠક બાદ લેવાયો આ નિર્ણય
કોંગ્રેસ નેતાઓની સોમવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક થઈ હતી. તેમાં કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે અને પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણીમાં લડશે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાહેરાત કરી.
ગાંધી પરિવારની પરંપરાગત બેઠક
રાહુલ ગાંધી લોકસભાની રાયબરેલી બેઠક જાળવી રાખીને કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા. 2024ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ ચૂંટણીની રાજનીતિથી પોતાને દૂર રાખ્યા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.
રાયબરેલી અને વાયનાડમાં રાહુલને કેટલા વોટ મળ્યા?
2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી સીટ પરથી 3 લાખ 90 હજાર મતોના માર્જીનથી જીત્યા છે. તેમને કુલ 6 લાખ 87 હજાર 649 વોટ મળ્યા. તેમની વોટ ટકાવારી 66.17% હતી. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી 59.69% મતો સાથે જીત્યા. તેમને કુલ 6 લાખ 47 હજાર 445 વોટ મળ્યા હતા. જીતનું માર્જીન 3 લાખ 64 હજાર 422 મત હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.