રાજકોટમાં મનપાની 3 લાયબ્રેરીમાં UPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ થશે, 31.49 કરોડનો ખર્ચ મંજુર
રામનાથ મંદિર ડેવલોપમેન્ટ માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ માટે સરકાર પાસે દરખાસ્ત કરાશે
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે અલગ અલગ કામોની 36 દરખાસ્ત મંજુર કરી 31.49 કરોડના ખર્ચને બ્હાલી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, દરખાસ્ત મુજબ આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિર ડેવલોપમેન્ટ માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ મેળવવા માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડીંગમાં 36 દરખાસ્તનો ખર્ચ મંજુર કરવામાં આવેલ. વોર્ડ નં. 3માં ફ્લાવર બેડ ટાઈપના રોડ ડિવાઈડર માટે 29.91 લાખ, કોટેચા સ્કૂલ રોડ ઉપર ડામર કાર્પેટ કરવાના 1.33 કરોડ, 150 ફૂટ રીંગ રોડ પર મોદી સ્કૂલથી સોજીત્રાનગર સુધી 508મીમી વ્યાસની નવી પાઈપલાઈન નાખવા માટે 2.22 કરોડ, વોર્ડ નં. 2માં હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં મેયરની ગ્રાન્ટમાંથી 120 લીટર કેપેસીટીના ડસ્ટબીન વિનામુલ્યે આપવા માટે રૂા. 99 હજાર, તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓના પોતાના અથવા પુત્ર-પુત્રીઓના પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ રિઝર્વ રાખવા સહિતની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાંચનપ્રેમીઓ માટે અલગ-અલગ આઠ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.6માં નવી અદ્યતન લાઇબ્રેરી નિર્માણ પામી રહી છે. આઠ લાઇબ્રેરીમાં આશરે 32 હજાર સભ્યો છે. તમામ લાઇબ્રેરીમાં આશરે 835 બેઠક વ્યવસ્થા છે. દરમિયાન કોર્પોરેશનની ત્રણ લાઇબ્રેરીમાં જીપીએસસી અને રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.