પરવાનેદારોને હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ - At This Time

પરવાનેદારોને હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ


રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા આચારસંહિતાના ચુસ્તપણે અમલીકરણ શરૂ કરી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ રાજકોટ જિલ્લાના પરવાનેદારોને તેમના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે પણ આદેશ કરી દેવામાં આવેલ છે.
ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લામાં શાંતિ અને સુલેહભર્યુ વાતાવરણ જળવાઇ રહે તેમજ ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ધડાધડ 10 જેટલા જાહેરનામા પ્રસિધ્ધ કરી દેવામાં આવેલ છે. જેમાં હથિયાર પરવાનેદારોને તેમના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા આદેશ કરવામાં આવેલ છે.
કલેકટર જોષી દ્વારા જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે જે હથિયાર પરવાનાઓની મુદત તા.31-12-23ના રોજ પૂર્ણ થયેલ હોય અને રીન્યુઅલ માટે અત્રેની કચેરીમાં દરખાસ્ત રજૂ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુઅલ અરજી રજૂ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઇઝ પહોંચ કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઇ કરી જમા લેવાના રહેશે. તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.
આ ઉપરાંત આ ચૂંટણીના પ્રચાર સમયગાળા દરમ્યાન ખાનગી અને જાહેર મિલ્કતની વિકૃતિ અને બગાડ અટકાવવા પણ જાહેરનામું પ્રસિધ્ધ કરાયેલ છે તેની સાથોસાથ જિલ્લામાં ચાર કરતા વધુ વ્યકિતઓને એકત્રીત થવા પર રોક લગાવવામાં આવેલ છે. સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. સભા સરઘસની પરવાનગી માટે મદદનીશ ચૂંટણી અધિકારીની મંજૂરી લેવાની રહેશે.
તેમજ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક રજુ કરવા સમયે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી માટે ઉમેદવાર અને ચાર વ્યકિતની માત્ર પાંચ વ્યકિતઓને દાખલ થવા તેમજ કચેરીના 100 મીટર આસપાસના વિસ્તારોમાં ત્રણથી વધારે વાહનો સાથે નહીં પ્રવેશવા પણ તાકીદ કરતું જાહેરનામું કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત પોસ્ટર, પ્લેમપ્લેટ વગેરે ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મુદ્રક તથા પ્રકાશકે છાપકામ કર્યાના ત્રણ દિવસના ડેકલેરેશન રજુ કરવા તેમજ ટેલીવિઝન ચેનલ અને લોકલ કેબલ નેટવર્ક પરથી ચૂંટણી વિષયક પ્રચાર, જાહેરાત, જીંગલ્સ વગેરેનું પ્રસારણ ડિસ્ટ્રીકટ લેવલ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કરવા તાકીદ કરવામાં આવી છે.
સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહો, દુરદર્શન, આકાશવાણી કેન્દ્ર, રેડિયો સહિત ઇલેકટ્રોનિકસ પ્રસાર માધ્યમોએ પ્રત્યેક દિવસ દરમ્યાન કરેલ પ્રસારણની સીડી રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત મોબાઇલ સર્વિસ, પ્રોવાઇડર કંપનીઓએ કાયદાનો ભંગ થાય તેવા ચૂંટણી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવો એસએમએસ કરવા પર પણ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.