રાજકોટ ઔદ્યોગિક વિસ્તારોમાં મતદાર જાગૃતિ વધારવા ઉદ્યોગકારો સાથે જીલ્લા ચૂંટણી તંત્રની સમજૂતિ કરાર.
રાજકોટ શહેર તા.૨૯/૯/૨૦૨૨ ના રોજ ‘‘મતદાન એ લોકશાહીની પવિત્ર ફરજ છે’’ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વધુમાં વધુ નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે જીલ્લા ચૂંટણી તંત્ર અને વિવિધ ઔદ્યોગિક વસાહતોના સંગઠનો વચ્ચે બેઠક યોજાઈ હતી. જીલ્લા ચૂંટણી અધિકારી તથા જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જીલ્લા ચૂંટણી તંત્ર અને ઔદ્યોગિક વસાહતના સંગઠનોના ૨૨ જેટલા ઉદ્યોગો વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. જે અંતર્ગત મતદારયાદીમાંથી બાકી રહેલા શ્રમિકોની ૧૦૦% નોંધણી સુનિશ્ચિત કરવા તેમજ મતદાનના દિવસે મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા, મતદાર જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટીના કાર્યક્રમો કરવા, મતદાર જાગૃતિ ફોરમ રચવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ અંગે જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ ઉદ્યોગકારોને મતદાનના દિવસે સવેતન સંપૂર્ણ રજા રાખવા અપીલ કરી હતી. આ સાથે રજાના દિવસે શ્રમિકો મતદાન કરે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. આ તકે અધિક ચૂંટણી અધિકારી તથા અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચરે જણાવ્યું હતું કે ૧૦મી ઑક્ટોબર સુધી સતત સુધારણા કામગીરી ચાલી રહી છે. જ્યારે ‘નો વન લેફ્ટ બિહાઈન્ડ’ જે કોઈ મતદાર હજુ નોંધણીમાંથી બાકી છે કે સ્થળાંતરિત થયા છે. તો તેમની વહેલાસર નોંધણી કરાવી લેવા તેમણે અપીલ કરી હતી. આ નોંધણી રૂબરૂ, તેમજ વેબસાઈટ (www.nvsp.in) કે ‘વોટર હેલ્પલાઈન’ મોબાઈલ એપથી પણ કરાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં મતદાન જરૂરી છે. મતદારો પોતાના આત્મના અવાજ મુજબ ગમે તેને મત આપે પરંતુ તેઓ મતદાન કરે તે જરૂરી છે. એથિકલ વોટિંગ વધારવા માટે તેમણે વધુમાં વધુ મતદાર જાગૃતિના પ્રયાસો કરવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં રાજકોટ જીલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગોના સંગઠનોના પ્રતિનિધિઓ, ચૂંટણી શાખાના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.