રાજકોટ જશવંતપુર ખાતે મુખ્યમંત્રી હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું.
રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે ૧૦ એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકાર તેમજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા "સેવ કલ્ચર" ઝુંબેશ હાથ ધરી વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક કહ્યું હતું કે, પાટીદાર સમાજ દ્વારા આરોગ્ય, શિક્ષણ (છાત્રાલયો) જેવા ધર્મ સેવા સાથે જનસેવાના ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. ઉમિયાધામના નિર્માણ માટે જોડાનાર દાતાઓ, સ્વયંસેવકો અન્ય સમાજોને પ્રેરિત કરે છે. પાટીદાર સમાજે પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સહભાગી થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમાજ શક્તિથી રાષ્ટ્ર નિર્માણ અને ધર્મ સેવા સાથે સાંસ્કૃતિક ધરોહર, આધ્યાત્મિક ચેતનાના વિશિષ્ટ કાર્યો થયા છે. વડાપ્રધાન દ્વારા અયોધ્યામાં રામ મંદિર, કાશી, અંબાજી, મહાકાલ કોરિડોર, સોમનાથ તેમજ રામાયણ સર્કિટ, બૌદ્ધ સર્કિટ, વિવેકાનંદ સર્કિટ સાથે વિકાસ અને વિરાસતને ગૌરવાન્વિત ઊંચાઈ પર લઈ જવાનું કાર્ય થયું છે. રાજકોટ ખાતેના ઉમિયાધામના નિર્માણ હેતુ રાજ્ય સરકારે દસ એકર જમીન ફાળવી છે. જેમાં યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ, વૃદ્ધો માટે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના સમાજોપયોગી કાર્ય થશે. આ માટે મુખ્યમંત્રીએ ઉમિયાધામના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મા ઉમાની ભક્તિ સાથે સમાજના સર્વાંગી વિકાસના કાર્યો થતાં ભક્તિ સાથે સમાજમાં શકિતનો પણ સંચાર થશે તેમ જણાવી સમાજને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આહવાહ્ન કર્યું હતું. સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલાએ આ તકે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજકોટનું ઉમિયાધામ શ્રધ્ધાનું કેન્દ્ર તો બનશે જ સાથો સાથ આ ઉમિયાધામ સામાજિક સંસ્થાના માધ્યમથી યુવાનોને વિકસવાની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવશે. ઉમિયાધામનાં માધ્યમથી વિરાસત સાથે વિકાસને જોડવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. આ ખાતમૂહુર્ત પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો શુભેચ્છા સંદેશ વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે દાતાશ્રી, આગેવાનોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ નંદલાલભાઈ માંડવીયા તેમજ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય સર્વઓ ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, રમેશભાઈ ટીલાળા, કાંતિભાઈ અમૃતીયા, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, આગેવાન રાજુભાઈ ધ્રુવ, ડો.વલ્લભભાઈ કથીરિયા, સિદસર મંદિરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણી સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.