રૈયોલીમાં રૂ.૧૬.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ– ૨ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ
મહીસાગર ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાની રાજ્ય સરકારની નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી
મહીસાગર જિલ્લાના રૈયોલીમાં રૂ.16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક - ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ 5-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, 3-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરી નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રૈયોલી ખાતે નિર્માણ થયેલા આ ડાયનાસોર મ્યુઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા સાથે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વ કક્ષાના આયોજનો કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કરીને રાજ્યના ટુરીઝમને જીવંત કર્યું છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારીના અવસરો ઊભા થયા છે, રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરિણામે રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજે રિલીજીયસ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, બીચ ટુરિઝમ જેવા વિવિધ પ્રવાસન ક્ષેત્રો વિકસ્યા છે. રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે એમ જણાવતાં તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે. ગુજરાત પ્રાચીન ભૂમિ છે અને તેના મૂળિયા છેક પ્રાગૈતિહાસિક યુગ સુધી લંબાય છે. રૈયોલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પુરે છે અને આપણે આ ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મુક્યો છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ભારતના પ્રાગૈતિહાસિક યુગને જીવંત કરનારો આજનો પ્રસંગ છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, સ્ટીવન સ્પીલબર્ગે "જુરાસિક મ્યૂઝિયમ" નામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. 1993માં રિલીઝ થયેલી એ ફિલ્મ અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું. લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો. તે જ રોમાંચ ગુજરાતમાં આ મ્યુઝિયમમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને નિહાળવા મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ડાયનાસોર વિશે માત્ર કલ્પનાઓ કરી હતી, કેવા મહાકાય દેખાતા હશે, શું ખાતા હતા, કેવી રીતે જીવતા હતા, આ બધી કલ્પનાઓનો જવાબ અહીં મ્યુઝીયમ જોયા પછી મળશે. વિશ્વનું આ ત્રીજું ડાયનાસોર મ્યુઝીયમ વિશ્વના અનેક પ્રવાસીઓ, પુરાતત્વ વિદો અને વિષય નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મ્યુઝીયમની કામગીરી સાથે જોડાયેલા સૌને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે, આ ડાયનાસોર મ્યુઝિયમ રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે. જેને પરિણામે ગુજરાતનું ટુરિઝમ સેક્ટર વધુ મજબૂત બનશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વડાપ્રધાનની પ્રેરણાથી પ્રવાસન સર્કિટ વિકસાવીને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ અપનાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મહાકાલી ધામ પાવાગઢ, રતનમહાલ રીંછ અભ્યારણ્ય અને રૈયોલી ડાયનાસોર મ્યુઝિયમને ટુરિઝમ સર્કિટમાં સમાવી રિલિજયસ ટુરિઝમ, વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, પ્રાગૈતિહાસિક પ્રવાસન અને વિશ્વની આધુનિક અજાયબી ધરાવતા પ્રવાસન ચારેયનો સમન્વય સાધીને વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે.
મહીસાગર જિલ્લો તેના અદ્દભત કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસન ક્ષેત્રના વિકાસની અનેક સંભાવનાઓ ધરાવે છે. રાજ્ય સરકારે પ્રવાસન દ્વારા સ્થાનિકોને રોજગારી મળે, જિલ્લાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ‘મહીસાગર ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનું આયોજન હાથ ધર્યું છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં કડાણા એરિયા ડેવલપમેન્ટ, સ્વરૂપ સાગર લેક ડેવલપમેન્ટ, કલેશ્વરી ડેવલપમેન્ટ, કેદારેશ્વર ધામોદ ડેવલપમેન્ટ, માનગઢ હિલ ડેવલપમેન્ટ તેમજ ગલતેશ્વર ડેવલપમેન્ટ, ડાકોર ડેવલપમેન્ટ જેવા અનેક કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વામાં દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં પ્રવાસન પ્રવૃત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર કરવાનું સર્વોત્તમ ક્ષેત્ર છે. આ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપીને રાજ્યમાં ટુરિઝમ સેક્ટરનો અમૃતકાળ લાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મ્યુઝિયમમાં લગભગ 40 જેટલા ડાયનોસોરના સ્કલ્પચર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે તેમના કદ, આકાર, આદતો અને રહેણાંક વિસ્તારની સચોટ માહિતી પુરી પાડે છે. અહી બાળકોના મનોરંજન માટે ‘ડિનો ફન’ પણ બનાવવામાં આવ્યું છે. ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બાળકથી લઇને વડીલો સુધી તમામ ઉંમરના લોકો માટેનું એક આગવું પ્રવાસન સ્થળ છે. અહીં આવતા પ્રવાસીઓ પાર્ક અને મ્યુઝિયમમાં લગાવવામાં આવેલા ડાયનોસોરના સ્ટેચ્યુ સાથે ફોટા - સેલ્ફી પણ લઈ શકે છે.
આ પ્રસંગે નાણાં મંત્રી કનુ દેસાઈ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશ સેવક, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, ગુજરાત પ્રવાસન નિગમના સચિવ હરિત શુકલા, એમ.ડી. આલોકકુમાર પાંડે, કલેકટર મનીષ બંસલ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.