મકાનો ખાલી કરનાર ગરીબ કુટુંબના માલ-સામાનની લૂંટફાટ - At This Time

મકાનો ખાલી કરનાર ગરીબ કુટુંબના માલ-સામાનની લૂંટફાટ


વીજ કનેક્શન કાપી નખાયા હોવાથી કેટલાક અસામાજિક તત્ત્વોએ અંધારાનો લાભ લઈ બારી-બારણાં, લોખંડની ચીજવસ્તુઓ સરાજાહેર લૂંટી

હાઉસિંગ બોર્ડે દૂધસાગર રોડ પર જર્જરિત મકાન સંદર્ભે કરેલી સીલ મારવાની આકરી કાર્યવાહી બાદ અંધાધૂંધીનો માહોલ

રાજકોટના દૂધસાગર રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીના 696 આવાસ કે જે હાઉસિંગ બોર્ડે બનાવેલા છે તે જર્જરિત હોવાથી મનપાએ મંગળવાર સુધીમાં ખાલી કરવા અલ્ટિમેટમ આપ્યું છે. જેને લઈને ઘણા રહેવાસીઓ ક્વાર્ટર ખાલી કરી રહ્યા છે પણ ત્યાં આવાસ ખાલી થતાં જ લૂંટફાટ ચાલુ થઈ છે. આવાસ ખાલી કરીને ક્વાર્ટરને તાળું મારીને લોકો નીકળી રહ્યા છે ત્યારે જ સાંજના સમયે મહિલાઓ અને પુરુષોની એક ટોળકી ઘૂસી આવી હતી. રસ્તા પર ઝૂંપડપટ્ટીમાં તેમ જ ગમે ત્યાં પડ્યા પાથર્યા રહેતા આ અસામાજિક તત્ત્વોએ અલગ અલગ બ્લોકમાં ઘૂસીને આવાસોના તાળાં તોડ્યા હતા. દરવાજા અને બારી તોડીને કાઢી નાખી હતી તેમજ રૂમમાં વાયરિંગ પણ ખેંચી નાખી લૂંટ ચલાવી હતી. આ દરમિયાન ગેસનો લોખંડનો પાઈપ કાઢવા જતા ગેસ પણ લીકેજ થયો હતો. ધોળા દિવસે આ રીતે લૂંટફાટ થતા રહેવાસીઓમાં ભય ફેલાયો હતો જેને લઈને પોલીસને કરાતા બંદોબસ્ત ગોઠવાયો છે. મહાનગરપાલિકાને આ લૂંટફાટની ઘટના અંગે માહિતી મળતાં તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સૂચના આપી હતી અને આવાસો પાસે ફ્લડ લાઇટિંગ મુકાવવા રોશની શાખાને દોડાવી હતી, સ્થળ પર રાત્રે ચાર પોલ ઊભા કરાયા છે હજુ કામગીરી ચાલુ છે. બીજી તરફ હુડકો આવાસમાં પણ નોટિસ આપવાનું ચાલુ કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.