રાજકારણને ક્યારેય પૈસા કમાવવાનું સાધન ન સમજવું. તે સેવા ક્ષેત્ર છે. અને સેવા કરવા માટે સત્તાની નહીં નિષ્ઠાની જરૂર હોય છે : જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ડો.ભરતભાઈ બોઘરા - At This Time

રાજકારણને ક્યારેય પૈસા કમાવવાનું સાધન ન સમજવું. તે સેવા ક્ષેત્ર છે. અને સેવા કરવા માટે સત્તાની નહીં નિષ્ઠાની જરૂર હોય છે : જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ડો.ભરતભાઈ બોઘરા


આજે નિસ્વાર્થભાવે સમાજસેવા અને રાજકારણનાં ક્ષેત્રમાં હોય એવાં કેટલાં વ્યક્તિઓ? વળી, સમાજસેવા અને રાજકારણ થકી ચંદનની જેમ ઘસાઈ, અગરબત્તીની જેમ સળગી બીજાને ઉજળા અને સુગંધિત કરનારા તો બહુ જ જૂજ. જયારે- જ્યારે સૌરાષ્ટ્રનાં પ્રામાણિક, નિષ્ઠાવાન, સ્વાવલંબી અને બહુમુખી પ્રતિભા ધરાવતા રાજકારણી અને સમાજસેવીની વાત કરવામાં આવે ત્યારે-ત્યારે ડો. ભરતભાઈ બોઘરાનું નામ મોખરે આવે. સમગ્ર જસદણ પંથકથી લઈ છેક દિલ્હીની સિયાસી ગલીઓ સુધી રાજકારણનાં ધુરંધરો જેમનાં પ્રત્યે પૂર્ણ માન-સમ્માન અને આદર સેવે છે અને જેમની પાસેથી યુવાનો રાજનીતિથી લઈ સમાજસેવાનાં પાઠ શીખે છે તેવા ડો. ભરતભાઈ સૌરાષ્ટ્રની શાન છે. એક રીતે કહીએ તો ડો. ભરતભાઈ બોથરા જેવું વ્યક્તિત્વ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મી દિલ્હી સુધી ડંકો વગાડે એ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે.

ડો. ભરતભાઈ ખોડાભાઈ બોઘરાનો જન્મ જસદણ તાલુકાના ગામ કમળાપુરમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં ૨૨ જૂન ૧૯૭૮ના રોજ થયો. તેમણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત તેમના મૂળ વતન કમળાપુરમાંથી કરી. નાનપણથી જ ધર્મ, સંસ્કાર, લોકસેવા, સદભાવનાનાં રંગે રંગાયેલા ડો.ભરતભાઈએ માધ્યમિક શિક્ષણ જૂનાગઢની સ્વામિનારાયણ ગુરુકુળમાંથી મેળવ્યું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ રાજકોટની એલ.બી.એસ. સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ડોકટરની પદવી હાંસલ કરવા માટે તેઓ આયુર્વેદિક કોલેજમાં કાર્ય કુશળતા તથા વ્યાવહારિક ભણવા ગયા પરંતુ માતા-પિતા નિરક્ષર અને સાધારણ હોવાથી ડો. ભરતભાઈને અભ્યાસ માટે આર્થિક મુશ્કેલી પડી પરિણામે વડોદરામાં ડોકટરી અભ્યાસક્રમની સાથે સાથે તેમણે આર્થિક ઉપાર્જન માટે એક હોસ્પીટલમાં મેડિકલ ઓફિસર તરીકેની નોકરી શરૂ કરી. શરૂઆતમાં બે મહિના સેવા આપી મહિને ૧૨૦૦ રૂપિયાની નજીવી કિંમતથી તેઓ નોકરીમાં કાર્યરત રહ્યા. દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવતો જ હોય છે, કોઈ તેનો સામનો કરી પ્રગતિ કરે છે તો કોઈ નિરાશ થઈ બેસી રહે છે. માતાપિતા-કુટુંબીજનો, દૂર દૂર સુધીના સ્નેહીજનોમાં નિરક્ષરતા. કોઈ જ માર્ગદર્શન કે સહકાર આપે તેવું નહીં ત્યારે સ્વ બળે ભરતભાઈએ કપરા સમય સામે લડીને ડોક્ટરની પદવી મેળવી. ડોક્ટર બન્યા બાદ પોતાનાં રસ્તામાં પડેલાં પથ્થરોને પગથિયા બનાવી ભરતભાઈ સફળતા હાંસલ કરતા ગયા.

સમાજ અને દેશ માટે સદ્ભાવનાનાં કાર્ય કરી મદદગાર થવાની ખેવના રાખનાર ડો. ભરતભાઈને કિશોરાવસ્થાથી નિસ્વાર્થપણે માનવસેવા સંકલ્પ લીધો હોય તેમણે પોતાના વતન કમળાપુરને આરોગ્યની ઉત્તમ સારવાર મળે તે માટે ૨૦૦૨ની સાલમાં હોસ્પિટલની શરૂઆત કરી. તેમના ધર્મપત્ની પણ આરોગ્યના સેવાર્થ કાર્ય સાથે જોડાયા. ડોકટર દંપતીએ ૩૫૦થી વધુ લોકોની વિનામૂલ્યે હાર્ટની સર્જરી અને કિડની ટ્રાન્સફર કરી આપી છે. આટલું જ નહીં પરંતુ જયારે કુદરતી આપત્તિને કારણે ગ્રામ્યવિસ્તારના રસ્તાની હાલત કથળી હતી ત્યારે ગર્ભવતી સ્ત્રીની પ્રસૂતિ માટે ડો. ભરતભાઈએ હેલિકોપ્ટરની સેવા પૂરી પાડી બાળક અને માતાને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સમાજના દુઃખી, ગરીબ અને નિઃસહાય લોકોને મદદરૂપ થવા માટે તેમણે વધુ એક મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ આટકોટ ખાતે બનાવવાનું કાર્ય હાથ ધર્યું. સમાજ અને દેશ માટે કંઈક કરવાની ભાવના ધરાવતા ડો.ભરતભાઇનો રાજકારણ પ્રિય વિષય. પરંતુ રાજકારણની સ્થિતિ એવી છે કે જો આપ આર્થિક સધ્ધર ના હોય તો તમે સેવા કરી શકો નહીં. આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રથમ તો પોતે આર્થિક સક્ષમતા કેળવવી જોઈએ. આથી તેમણે ઈન્ડસ્ટ્રીઝના પાયા નાખવાની શરૂઆતકરી દીધી.

જસદણમાં કપાસનું સારું વાવેતર થાય છે કપાસની ખેતીને વ્યવસાયિક ધોરણે વેગ મળે અને ખેડૂતને તેનું યોગ્ય વળતર મળે તે હેતુસર ડો.ભરતભાઈએ ૨૦૦૬ની સાલથી વેપાર-ધંધામાં રસ દાખવ્યો. તેમણે ધ્રુવ કોટન પ્રોસેસિંગ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીમાંથી પ્રેરણા લઈને બે સ્પીનિગ મિલ બનાવી. જેના દ્વારા આજુબાજુનાં વિસ્તારના ઘણાં લોકોને રોજગારી મળી રહી. હાલમાં ૧૭૦૦થી વધુ લોકોને આ મિલ રોજગારી પૂરી પાડે છે. ડો. ભરતભાઈ પણ પોતાની કંપનીમાંથી જ આવક થાય છે તેનો અમુક ભાગ લોકસેવાર્થે ઉપયોગ કરે છે. કાર્યથી પ્રેરાઈને : ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી અને બાળપણથી જ રાજકારણના અંકુર ફૂટયા છે. કોલેજકાળ દરમિયાન તેઓ જીએસ અને ફક્શન સેક્રેટરી તરીકે ફરજ બજાવતા. પોતાને આત્મસાત થયેલાં રાજનીતિ અને સંચાલનના ગુણોને કારણે તેમણે જસદણ અને વિછિયા તાલુકાવાસીઓને એક પ્રગતિશીલ ભવિષ્ય મળે તેવી ભાવના સાથે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેઓ રાજકારણમાં જોડાવા પાછળનું મુખ્ય કારણ જણાવતા કહે છે કે, ‘મારો વિસ્તાર પછાત છે. તેનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય સ્તરે વિકાસ જરૂરી છે. વિકાસના કાર્યને વેગવંતુ કરવા ભાજપ દ્વારા ધારાસભાની ચૂંટણી લડવાનું જણાવવામાં આવ્યું અને ૨૦૦૯ની સાલમાં જસદણ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા. જેમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો. ડો. ભરતભાઈની આ જીત એટલા માટે ઐતિહાસિક બની કેમ કે, વિસ્તાર પછાત ડો. ભરતભાઈમાં આઝાદીના સમયથી લઈને ૬ દાયકાઓ સુધી બીજેપી જસદણમાં જીત્યું ન હતું, પહેલીવાર ડો.ભરતભાઈનાં નેતૃત્વમાં બીજેપીએ વિક્રમજનક જીત પ્રાપ્ત કરી.

પોતાના જન્મક્ષેત્ર, કર્મક્ષેત્ર જસદણમાં ધારાસભ્ય બનતા ડો. ભરતભાઈએ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચતર શિક્ષણની સુવિધા, ટ્રાન્સપોર્ટેશન માટે પાકા રસ્તા, ખેડૂતોને ખેતી માટે પૂરતી વીજળી અને પાણી, હોસ્પિટલ, ઉદ્યોગો વગેરેને પ્રોત્સાહન આપ્યું. ધારાસભ્ય બન્યા પછી તેમણે બજેટ સત્ર દરમિયાન ચર્ચાઓમાં સૌથી વધુ વખત ભાગ લેવાનો રેકોર્ડ પણ સજર્યો. જસદણ માર્કેટિંગ યાર્ડમાં વેપાર વિભાગમાંથી ચૂંટણી લડી તેમાં પણ તેમનો વિજય થયો. જસદણ APMCમાં બે ટર્મ સુધી ફરજ બજાવી ચેરમેન તરીકે પણ સેવા આપી. ૨૦૧૦ની સાલમાં ગુજરાત રાજય તરફથી CCIMમાં ચૂંટણી જીતી ૬ વર્ષ સુધી કાર્યરત રહ્યા. ૨૦૧૦થી ૨૦૧૩ની સાલ સુધી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોપવામાં આવી. ૨૦૧૩ની સાલથી ગુજરાત ભાજપ પ્રદેશ વોટર મેનેજમેન્ટ સેલના કન્વીનર તરીકે બે વર્ષ જવાબદારી સ્વીકારી અને આ સિવાય જુદા-જુદા ૨૯ વિભાગોમાં નિષ્ઠા, આત્મસંતોષ અને પ્રામાણિક્તાથી કામ કરનાર ડો. ભરતભાઈને ૨૦૧૬ની સાલથી રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી. તેઓ વિવિધ પેટા ચૂંટણીઓમાં પણ ભાજપના ઇન્ચાર્જ તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ડો.ભરતભાઈ વિભિન્ન ક્ષેત્રો અને વ્યવસાયો સાથે જોડાયેલા છે. તેમનું આદર્શ વ્યક્તિત્વ જોઈને તેમની આજુબાજુના યુવાનો પણે તેમના જેવું પ્રભાવશાળી જીવન જીવી નામના મેળવવા ઈચ્છે છે. આ યુવાવર્ગને સંબોધી તેઓ જણાવે છે કે, 'હું બે દિવસ બિઝનેસમેન છું તો ચાર દિવસ પોલિટિશયનની ફરજ બજાવું છું. સેવા કરવા માટે સત્તા જરૂરી નથી. છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ પ્રકારની સત્તા ન હોવા છતાં પણ હું સમાજસેવા સાથે જોડાયો છું. કામ કરવા માણસની નિષ્ઠા મહત્વની છે.' યુવાનોની રાજકારણ પાછળ રહેલી દોટ વિષે તેઓ જણાવે છે કે, ‘આર્થિક રીતે યુવાન સક્ષમ હોવો જોઈએ અથવા અન્ય ક્ષેત્રમાં કાર્ય કરતો હોવો જોઈએ. રાજકારણમાં આવીને પૈસા કમાવાની અભિલાષા રાખવી જોઈએ નહીં. દરેક કામ કરવા માટે આત્મસંતોષ મળવો જરૂરી છે. હું મારા આત્મસંતોષ માટે જ રાજકારણ સાથે જોડાયેલો છું. મોદીજીના આગમન પછી રાજકારણની દિશા બદલાઈ છે. હવે રાજકારણમાં ભણતર, ગણતર અને સખત મહેનત જરૂરી છે. યુવાનોએ પણ સારું શિક્ષણ મેળવી પોતાના કાર્યનું યોગ્ય સમય મુજબ વહેંચણી કરીને આગળ વધવું જોઈએ.’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.