ડિજિટલ અરેસ્ટ:4 મહિનામાં જ 400 કરોડની ઠગાઇ, માસ્ટરમાઇન્ડ દુબઇમાં
એમ. રિયાજ હાશમી | નવી દિલ્હી
ડિજિટલ અરેસ્ટ...એટલે વીડિયો કૉલ મારફતે કોઇને ધરપકડનો ડર દેખાડીને તેમને તેમના જ ઘરમાં કેદ કરીને મન ફાવે તેટલી ખંડણી વસૂલવી. દેશમાં આવી ઘટનાઓ તેજીથી વધી રહી છે. એક સરવે અનુસાર, 4 મહિનામાં અંદાજે 400 કરોડ ની ઠગાઇ કરાઇ છે. નવાઇ એ છે કે તેમાં જે શિકાર બન્યા છે તેમાં ડૉક્ટર, સૉફ્ટવેર એન્જિનિયર, પ્રોફેસર જેવા ઉચ્ચ શિક્ષિત લોકો સામેલ છે. યુપી, મ.પ્ર, રાજસ્થાન, સહિત દેશના અનેક રાજ્યોમાં આવા કેસ રોજ આવી રહ્યા છે. તેની પાછળ દુબઇમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ છે. ભાસ્કરની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ તમામ કેસમાં સરકારી ખાતા બતાવીને જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તે સામાન્ય માણસાનો બેન્ક ખાતા છે અને વિદેશમાં બેઠેલા સાઇબર ગુનેગારોના નિયંત્રણમાં છે. યુપી એસટીએફે આવા 6ને પકડ્યા તો તેઓએ કહ્યું કે તેમને કહેવામાં આવતું હતું કે ઑનલાઇન ગેમિંગ, ટ્રેડિંગનું કમીશન તેમના ખાતામાં આવશે અને ટ્રાન્ઝેક્શનની રકમના 10% મળશે. ત્યારબાદ તેમના ખાતામાંથી પૈસા દુબઇમાં ટ્રાન્સફર થયા હતા. દુબઇમાં બેઠેલા સાઇબર ગુનેગારોએ આ પૈસાનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું. આ રીતે બચો... 1930 પર કૉલ
અજાણ્યા નંબરથી આવેલા વીડિયો કૉલ્સથી જો ઠગાઇની આશંકા હોય તો નંબર બ્લૉક કરીને સાઇબર ક્રાઇમ પ્રિવેન્શન સેલને માહિતગાર કરો. તમારા ફોન, લેપટોપ અને ડેસ્કટૉપના પાસવર્ડ અપડેટ રાખો. મદદ માટે તરત જ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર જાણકારી આપો. એ તમામ જાણકારી, જે તમારા માટે જાણવી જરૂરી છે
‘ડિજિટલ અરેસ્ટ’ કરવા માટે કસ્ટમ, સીબીઆઇ, ઇડી, નારકોટિક્સ અધિકારી અને જજ બનીને કૉલ કરાયો. પાર્સલમાં ડ્રગ્સ, ગેરકાયદે પાસપોર્ટ મળ્યો હોવાની જાણકારી આપીને ડર ઉભો કર્યો. ધરપકડથી બચવાનો વિકલ્પ આપીને વીડિયો કૉલથી સતત પૂછપરછ કરાઇ. અંતે નકલી જજના નિર્દેશ પર તમામ પૈસાની તપાસ સુધી સરકારી ખાતા (જે અસલમાં સરકારી ન હતા)માં ટ્રાન્સફર કરાયા હતા... કેસ-1: લખનઉમાં મેડિકલ સાયન્સ પીજીઆઇમાં ન્યૂરોલોજિસ્ટ ડૉ. રુચિકા ટંડન શિકાર બની. કેસ-2: નોઇડામાં રિટાયર્ડ મેજર જનરલ એનકે ધીર કેસ-3; રાજસ્થાનના ઝુંઝુનુમાં બિટ્સ પિલાનીના પ્રોફેસર શ્રીજાતા ડેને શિકાર બનાવ્યા. કેસ-4: ભોપાલમાં 66 વર્ષીય રિટાયર્ડ લેક્ચરરને ફસાવ્યા કઇ રીતે કર્યું? આધાર કાર્ડના નામે ફસાવ્યા
ડૉ. રૂચિકાને ઇડી અધિકારી બનીને ફોન કરનારે કહ્યું કે તેમના બેન્ક એકાઉન્ટનો પ્રયોગ મની લોન્ડરિંગમાં થયો છે. ટંડને કહ્યું કે તેમના ખાતામાંથી તો કોઇ ટ્રાન્ઝેક્શન જ નથી, તો કહ્યું કે જે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થયા, તેની સાથે લિંક મોબાઇલ નંબર તેમના જ આધારકાર્ડમાંથી લેવાયો છે. કહેવામાં આવ્યું કે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયા છે. તેમને તપાસનો સામનો કરવો પડશે. કઇ રીતે કર્યું? પાર્સલમાં ડ્રગ્સનું કહીને ફસાવ્યા હતા
મેજર જનરલ ધીરને ડીએચએલ કૂરિયર સર્વિસના અધિકારી બનીને ફોન કરનારે કહ્યું કે તેમના નામ પર મુંબઇથી તાઇવાન માટે 1 પાર્સલ છે. તેમાં પાંચ પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, કપડાં, 200 ગ્રામ એમડીએમએ (ડ્રગ્સ) અને એક લેપટોપ છે. તેમને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાંથી ઑનલાઇન ફરિયાદ નોંધવા માટે કોઇ બીજા કોલ પર ટ્રાન્સફર કરાયા. ત્યારબાદ તપાસ માટે સીબીઆઇ કસ્ટડી, ડિજિટલ પૂછપરછનો વિકલ્પ અપાયો હતો. કઇ રીતે કર્યું? મોબાઇલ નંબરના દૂરૂપયોગથી ડરાવ્યા
શ્રીજાતાને ટ્રાઇ અધિકારી બનીને ફોન કરનારે કહ્યું કે તેમના નંબર પર સાઇબર ક્રાઇમથી જોડાયેલી ફરિયાદો છે, જે 1 કલાકમાં બંધ થઇ જશે. તેમના આધાર નંબર પર બીજો નંબર પણ રજિસ્ટર્ડ છે, જેનાથી ગેરકાયદે જાહેરાત અને સતામણીના મેસેજ મોકલાયા છે. મુંબઇ પોલીસ કાર્યવાહી કરવા જઇ રહી છે. મુંબઇ પોલીસનો ફોન આવશે વાત કરજો નહીંતર ધરપકડ થશે. પછી વીડિયો કોલ આવ્યો, સ્ક્રીનમાં કોઇ નહોતું. કઇ રીતે કર્યું? બેનામી સંપત્તિમાં કાર્યવાહીની ધમકી આપી
લેક્ચરરને કસ્ટમ વિભાગના અધિકારી બનીને ફોન કરનારે કહ્યું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને પાર્સલ કંબોડિયા મોકલાયું છે, જેમાં ગેરકાયદે સામાન છે. ધમકી આપતા કહ્યું કે તેમની પાસે બેનામી સંપત્તિ છે અને પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. વાતચીત આગળ વધતા તેમણે ફોન પર જ તપાસનો સામનો કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને 7 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રહ્યા હતા. આ યુક્તિઓ પણ... સડસડાટ અંગ્રેજીમાં વાત, આઇકાર્ડ દેખાડે છે અને બેકગ્રાઉન્ડમાં લોગો
ઠગ સડસડાટ અંગ્રેજમાં વાત કરે છે. વીડિયો કોલિંગ દરમિયાન આઇડી કાર્ડ દેખાડે છે. જે પણ એજન્સીના અધિકારીને કૉલ ટ્રાન્સફર કરે છે તેના બેકડ્રોપ પર એજન્સીનો લોગો દેખાય છે. કથિત સુનાવણીમાં પ્રદર્શિત સેટઅપ પણ કોર્ટરૂમનું હોય છે, જેથી લોકો વિશ્વાસ કરે છે. સાઇબર તપાસથી જોડાયેલા એક અધિકારી અનુસાર ખૂબ જ શિક્ષિત, ઉચ્ચ પદ પર રહેલા તેમજ નિવૃત્ત લોકો કાયદાનું સન્માન વધુ કરે છે. તેઓ આ સાઇબર ગુનેગારોને અસલી અધિકારી માની બેસે છે. જ્યારે, દેશમાં ફોન પર આવી તપાસ કે પૈસા ટ્રાન્સફર કરવાની કોઇ જોગવાઇ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.